રાજકોટ
News of Wednesday, 7th August 2019

સુષ્માજીની વિદાયથી રાજકીય ક્ષેત્રને મોટી ખોટ

વિવિધ ક્ષેત્રના આગેવાનો દ્વારા શ્રધ્ધાંજલી અર્પણ : ઉંડો શોક વ્યકત

રાજકોટ તા. ૭ : ભાજપના નેતા અને પૂર્વ વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજનું નિધન થતા વિવિધ ક્ષેત્રના આગેવાનોએ ઉંડો શોક વ્યકત કરી શ્રધ્ધાંજલી અર્પણ કરી છે.

ભંડેરી-ભારદ્વાજ-મિરાણી

સુષ્મા સ્વરાજની વિદાયથી ભારતીય રાજકારણના સોનેરી અધ્યાયનો અંત થયાનું જણાવી મ્યુ. ફાઇનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઇ ભંડેરી, પ્રદેશ ભાજપ અગ્રણી નીતિન ભારદ્વાજ, શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણી, મહામંત્રી દેવાંગ માંકડ, જીતુ કોઠારી, કિશોર રાઠોડે શ્રધ્ધાંજલી અર્પણ કરી છે. તેઓએ જણાવ્યુ છે કે સુષ્માજી કોઇપણ મુદ્દા પર તલસ્પર્શી જ્ઞાનથી વકતવ્ય આપી શકતા. તેમની ખોટ સાલશે.

ડો. વલ્લભભાઇ કથીરીયા

પ્રખર વિદુષી અને પૂર્વ વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજે જીવનના અંતિમ શ્વાસ સુધી મા ભારતીને પરમ વૈભવના શીખરે બિરાજવાનું સ્વપ્ન સેવ્યુ હતુ. દરેક રાજયમાં એઇમ્સની સ્થાપના થાય, આઇ.એમ.એ., આઇ.આઇ.ટી.ની સ્થાપના થાય તે માટે દીર્ઘદ્રષ્ટા નિર્ણય લેવામાં સમગ્ર પ્રધાન મંડળમાં સુષ્માજીનું માર્ગદર્શન મહત્વનું બની રહેતુ. આવી વ્યકિતની વિદાયથી મોટી ખોટ પડી છે. તેમ જણાવી રાષ્ટ્રીય કામધેનુ આયોગના અધ્યક્ષ ડો. વલ્લભભાઇ કથીરીયાએ શ્રધ્ધા સુમન અર્પણ કરેલ છે.

રાજુભાઇ બોરીચા

શહેરના મવડી વિસ્તારની શ્રીનાથજી સોસાયટીની સભામાં સુષ્મા સ્વરાજે ઉચ્ચારેલ 'ચુંટણીના આગલા દિવસે રાંધણ છઠ્ઠ મનાવજો અને ચુંટણીના દિવસે શીતળા સાતમ મનાવી ટાઢુ ખાઇને પણ ગુજરાતના વિકાસ માટે ભાજપને મત આપવા પહોંચી જજો' શબ્દો આજે યાદગાર બની રહ્યાની લાગણી વ્યકત કરી પૂર્વ કોર્પોરેટર રાજુભાઇ બોરીચાએ ઉંડા શોકની લાગણી સાથે સુષ્મા સ્વરાજને શ્રધ્ધા સુમન અર્પણ કરેલ છે.

ફારૂક બાવાણી

વડાપ્રધાનશ્રીના ૧૫ મુદ્દા અમલીકરણ સમિતિના બોર્ડ મેમ્બર અને મુસ્લિમ અગ્રણી ફારૂક બાવાણીએ પૂર્વ વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજજીના નિધન અંગે ઘેરા શોકની લાગણી વ્યકત કરી જણાવ્યુ છે કે વિદેશમાં ફસાયેલા ભારતીયોને મદદ કરવા તેઓ હંમેશા તત્પર રહેતા. તેજતરરાર નેતા અને પ્રખર વકતા હતા તો સાથે દયાભાવવાળો સ્વભાવ પણ ધરાવતા હતા. તેમના નિધનથી દેશને મોટી ખોટ પડી હોવાનું ફારૂક બાવાણીએ જણાવેલ છે.

(3:37 pm IST)