રાજકોટ
News of Wednesday, 7th August 2019

વેધરએનાલીસ્ટ અશોકભાઈ પટેલની તા.૭ થી ૧૨ ઓગષ્ટ સુધીની આગાહી

સૌરાષ્ટ્ર - કચ્છ - ગુજરાતમાં મેઘરાજાનો સાર્વત્રિક રાઉન્ડ

સિસ્ટમ્સ જો દક્ષિણ રાજસ્થાન ઉપરથી પસાર થશે તો ઉત્તર ગુજરાત અને કચ્છને વધુ ફાયદો થશે અને સિસ્ટમ્સ જો ઉત્તર ગુજરાત ઉપરથી પસાર થાય તો સૌરાષ્ટ્ર-મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતને વધુ લાભ મળશે : સૌરાષ્ટ્રમાં આગાહી સમયમાં અમુક સેન્ટરોમાં ૧૫૦થી ૨૦૦ મી.મી. વરસાદ ખાબકશે :કચ્છમાં દક્ષિણ રાજસ્થાન બાજુથી સિસ્ટમ્સ પસાર થાય તો ભારે થી અતિ ભારે અને ઉત્તર ગુજરાત ઉપરથી સિસ્ટમ્સ પસાર થાય તો મધ્યમથી ભારે :ગુજરાત રીજન : દક્ષિણ - મધ્ય - ઉત્તર ગુજરાતમાં મધ્યમથી ભારે, અમુક જગ્યાએ અતિ ભારે વરસાદની શકયતા

રાજકોટ, તા. ૭ : સૌરાષ્ટ્ર - કચ્છ - ગુજરાતમાં વરસાદનો એક સાર્વત્રિક રાઉન્ડ આવી રહ્યો છે. વેધર એનાલીસ્ટ શ્રી અશોકભાઈ પટેલે 'અકિલા' સાથેની વાતચીતમાં જણાવ્યુ હતું કે, તા.૭ થી ૧૨ ઓગષ્ટ દરમિયાન સિસ્ટમ્સ આધારીત વરસાદ પડશે. જો આ સિસ્ટમ્સ દક્ષિણ રાજસ્થાન ઉપરથી પસાર થશે તો ઉત્તર ગુજરાત અને કચ્છને વધુ ફાયદો થશે અને સિસ્ટમ્સ જો ઉત્તર ગુજરાત ઉપરથી પસાર થશે તો સૌરાષ્ટ્ર - મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતને વધુ લાભ મળશે.

તેઓએ જણાવેલ કે, નોર્થ વેસ્ટ બંગાળની ખાડીમાં ગઈકાલે ડિપ્રેશન હતું જે મજબૂત બની ડિપડિપ્રેશનમાં પરિવર્તિત થયુ છે અને આજે સવારે નોર્થ ઓડીસ્સા અને પશ્ચિમ બંગાળના દરિયાકિનારાથી ૭૦ કિ.મી. દૂર હતું અને આજે બપોરે નોર્થ ઓડીસ્સા અને પશ્ચિમ બંગાળના દરિયા કિનારે ક્રોસ કરશે. આ સિસ્ટમ્સ મુખ્યત્વે પશ્ચિમ ઉત્તર પશ્ચિમ તરફ ગતિ કરશે.

ચોમાસુધરી હાલમાં અનુપગઢ, નારનોલ, ઈટાવા, અંબિકાપુર, ચેઈબાસા અને ત્યાંથી ડિપડિપ્રેશન સુધી લંબાય છે. ૨.૧ કિ.મી.ની ઉંચાઈ સુધી ફેલાયેલ છે. દક્ષિણ ગુજરાતથી ડિપડિપ્રેશન સુધી એક ટ્રફ હતું જે હાલ ખતમ થયુ છે. તેના બદલે નોર્થ વેસ્ટ એમ.પી. પર એક અપરએર સાયકલોનીક સરકયુલેશન છે. જે ૩.૧ કિ.મી. થી ૪.૫ કિ.મી.ની ઉંચાઈ સુધી ફેલાયેલ છે. દક્ષિણ ગુજરાતના કિનારાથી નોર્થ કેરળ સુધી જે ઓફસોર ટ્રફ હતો જે દક્ષિણ મહારાષ્ટ્રથી કેરળના કિનારા સુધી છે.

ઉલ્લેખનીય છે કે સૌરાષ્ટ્ર - કચ્છ વિસ્તારમાં ૬ ઓગષ્ટ સુધીમાં વરસાદની ૨૮% ઘટ્ટ છે. પરંતુ જો એકલા કચ્છની વાત કરીએ તો ૪૭% ઘટ્ટ છે અને ગુજરાત રીજનમાં ૬ ઓગષ્ટ સુધીમાં નોર્મલથી૧૧% વધારે વરસાદ થયો છે.

વેધરએનાલીસ્ટ શ્રી અશોકભાઈ પટેલે તા.૭ થી ૧૨ ઓગષ્ટ સુધીની આગાહી કરતાં જણાવ્યુ છે કે, આ આગાહીના લગભગ દિવસોમાં વાદળછાયુ વાતાવરણ તેમજ તા.૯ થી ૧૧ દરમિયાન ૨૫ થી ૫૦ કિ.મી. સુધીની ઝડપે પવન ફૂંકાશે. આ સિસ્ટમ્સના ટ્રેક આધારીત કોઈ કોઈ સેન્ટરમાં ૫૦ થી પણ વધુ ઝડપે પવન ફૂંકાશે. હાલના અનુમાનો મુજબ ચોમાસુધરીનો પશ્ચિમ છેડો દક્ષિણ રાજસ્થાન અને નોર્થ ગુજરાત તરફ આવશે જેથી સિસ્ટમ્સ દક્ષિણ રાજસ્થાન, નોર્થ ગુજરાત આસપાસથી પસાર થશે. યુરોપિયન મોડલ મુજબ દક્ષિણ રાજસ્થાન ઉપરથી આ સિસ્ટમ્સ પસાર થાય તો કચ્છ અને નોર્થ ગુજરાતને વધુ ફાયદો થશે. જયારે જીએસએફ મોડલ મુજબ સૌરાષ્ટ્ર - મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતને વધુ ફાયદો થશે જેના લીધે વરસાદની માત્રા પણ તેના અનુસંધાને અલગ - અલગ વિસ્તારમાં વધ-ઘટ્ટ થાય.

ગુજરાત રીજનના દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં મધ્યમથી ભારે વરસાદ અમુક જગ્યાએ અતિ ભારે વરસાદની શકયતા આગાહી સમય દરમિયાન વધુ વરસાદવાળા અમુક સેન્ટરોમાં ૨૦૦ મી.મી. સુધી વરસાદ પડી શકે છે.

સૌરાષ્ટ્રમાં આગાહી સમયમાં અમુક દિવસોમાં મધ્યમથી ભારે. વધુ વરસાદવાળા સેન્ટરોમાં ૧૫૦ થી ૨૦૦ મી.મી. પહોંચશે.

જયારે કચ્છમાં દક્ષિણ રાજસ્થાન બાજુથી સિસ્ટમ્સ પસાર થાય તો ભારેથી અતિભારે અને ઉત્તર ગુજરાત ઉપરથી પસાર થાય તો મધ્યમથી ભારે વરસાદ પડે. ટૂંકમાં દક્ષિણ રાજસ્થાન ઉપરથી આ સિસ્ટમ્સ પસાર થાય તો નોર્થ ગુજરાત અને કચ્છને વરસાદનો વધુ લાભ મળે અને જો આ સિસ્ટમ્સ ઉત્તર ગુજરાત ઉપરથી પસાર થાય તો સૌરાષ્ટ્ર - મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતને વધુ ફાયદો થાય.

(3:16 pm IST)