રાજકોટ
News of Tuesday, 7th August 2018

શુક્રવારે પૂ.લીલમબાઈ મ.સ.નો પુણ્ય સ્મૃતિ અવસર તપ- ત્યાગ સાથે ઉજવાશે

''ડુંગર દરબાર''માં પૂ.સુંશાત મુનિ મ.સા.રાષ્ટ્ર સંત પૂ.નમ્રમુનિ મ.સા.સહિત વિશાળ સતિવૃંદના પાવન સાનિધ્યમાં : ૧૦૦૮ આરાધકો આયંબિલ તપની આરાધના કરી પૂ.સાહેબજીના આત્માને તપાંજલી અર્પણ કરશે

રાજકોટ,તા.૭: ગૌરવવંતા ગોંડલ સંપ્રદાયના સાધ્વીરત્ના અપૂર્વશ્રુત આરાધિકા પૂજય શ્રી લીલમબાઇ મહાસતીજીની તૃતીય પુણ્યસ્મૃતિ અવસરે ગુણાનુવાદ સભાનું આયોજન ગુજરાતરત્ન પૂજય શ્રી સુશાંતમુનિ મહારાજ સાહેબ એવમ રાષ્ટ્રસંત પૂજય શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબ આદિ સંત-સતીજીઓના સાંનિધ્યે શુક્રવાર તા.૧૦ના દિવસે સવારે ૮.૩૦ કલાકે કરવામાં આવ્યું છે.

શ્રી રોયલપાર્ક સ્થાનકવાસી જૈન સંઘના આંગણે ૬ સંતો તથા ૬૯ મહાસતીજીઓ સમૂહ ચાતુર્માસ અર્થે બિરાજી રહ્યા છે ત્યારે ગુરૂણી શ્રી લીલમબાઈ મહાસતીજીની તૃતીય પુણ્યસ્મૃતિનાં ઉપલક્ષે અપૂર્વ શ્રુત આરાધિકા પ્રત્યે ગુરુભકિત પ્રગટ કરવા સ્મૃતિ ગ્રંથયાત્રાનો પ્રારંભ શુક્રવારે સવારે ૮.૩૦ કલાકે ૧૦૦૮ આયંબિલ તપના લાભાર્થી શ્રેષ્ઠીવર્ય શ્રી નટવરલાલ શેઠના 'જય જિનેન્દ્ર', રોયલપાર્ક શેરી નં. ૫ થી થઇ  વસંતભાઈ તુરખીયાના નિવાસસ્થાન ' મધર લવ' શેરી નં. ૩, રોયલપાર્ક થઇને ડુંગર દરબાર, અમિન રોડ જંકશન, જેડ બ્લુની સામે પહોંચીને ગુણાનુવાદ સભામાં પરિવર્તિત થશે.

સવારે પૂજય સાહેબજીના ગુણસ્મૃતિ પ્રવચન તથા તેઓશ્રીનાં જીવન કવન પર આધારિત 'દિવ્યાત્મા' નાટિકાની પ્રસ્તુતિ શ્રી રોયલપાર્ક પુત્રવધૂ મંડળ કરશે. પૂજય સાહેબજીના જીવન કવન અને ગુણો પર આધારિત નૂતન પ્રકાશિત ''દિવ્યાત્મા'' પુસ્તકનું વિમોચન કરવામાં આવશે. ૩૦૦ પેઝના મલ્ટીકલર ''દિવ્યાત્મા'' ગ્રંથનું છેલ્લા બે વર્ષથી ડો.આરતીબાઈ મ.એ લેખન કર્યું છે જેની અનુમોદના તુરખીયા પરિવાર, શેઠ પરિવાર આદિએ કરેલ છે. આ અવસરે ૧૦૦૮ ભાવિકો સમૂહમાં આયંબિલ તપ કરીને ત્યાગમય જીવન જીવનારા સાહેબજીને ત્યાગમય શ્રદ્ઘાંજલિ આપશે.

રાજકોટનાં સમસ્ત મહિલામંડળનાં બહેનો માટે પૂજય સાહેબજીના જીવન પર આધારિત પ્રશ્ન મંચ શુક્રવારે બપોરે ૩ થી ૫ કલાકે આયોજન કરવામાં આવ્યું છે.

ગુણીજનનાં ગુણાનુવાદ કરીને જીવનને ગુણસમૃઘ્ધ બનાવવા માટે સર્વ ભાવિકોને શ્રી રોયલપાર્ક સ્થાનકવાસી જૈન મોટા સંઘ સી.એમ.પૌષધશાળા, ઓમાનવાલા ઉપાશ્રય તરફથી ભાવભીનું આમંત્રણ પાઠવાયું છે.

પૂ.લીલમબાઈ મ.સ.નો જન્મ સાવરકુંડલાની પાવન ભૂમિ ઉપર રત્નકુક્ષિણી માતુશ્રી વ્રજકુંવરબેન તથા પ્રેમાળ પિતા જમનાદાસભાઈ તેજાણી પરીવાર ના ધાર્મિક એવા ખાનદાન ખોરડે તા.૨૦/૭/૧૯૩૨ ના થયેલ. એ સમયમાં પૂ.પ્રાણ ગુરુદેવનું ધારી, વિસાવદર, વેરાવળ, બગસરા, અમરેલી ક્ષેત્રોમાં વિચરણ રહેતું. પૂ.ગુરુદેવનું સાવરકુંડલાની ધન્ય ધરા પર મંગલ પદાર્પણ થયું. તેજાણી પરીવારના અતિ લાડકી એવા લીલાવંતીબેન પણ પોતાના પરીવાર સાથે ગુરુવર્યોના દર્શને આવ્યા. લીલાવંતીબેન સંતને જોઈને સંત બનવાનું મનોમન નક્કી કરી લીધું. હીરાને જેમ ઝવેરી જ પારખી શકે તેમ પૂ.ગુરૂદેવે જિજ્ઞાસુ લીલાવંતીબેનની પાત્રતા પિછાણી શ્રી આવશ્યક સૂત્ર તથા નાના - નાના થોકડા કંઠસ્થ કરાવ્યા. આદર્શ વૈરાગી લીલાવંતીબેને દ્રઢ સંકલ્પ કર્યો કે જયાં સુધી પરીવાર તરફથી સંયમની આજ્ઞા મળશે નહીં ત્યાં સુધી લીલોત્તરી - શાકભાજી વાપરીશ નહીં.

૧૯૫૩ માં તેઓને પરીવાર તરફથી સંયમ માર્ગે જવાની સહર્ષ અનુજ્ઞા મળી અને લીલાવંતીબેનમાંથી નૂતન દીક્ષિત પૂ.લીલમબાઈ મ.સ.બન્યાં. ગુરૂ આજ્ઞાથી સૌરાષ્ટ્ર, મહારાષ્ટ્ર, કર્ણાટકથી કોઈમ્બતૂર, દક્ષિણ ભારત સહિત અનેક ક્ષેત્રોમાં જિનાજ્ઞાનું પાલન કરી જિન શાસનનો પ્રચાર - પ્રસાર કરી અનેક આત્માઓને જૈન ધર્મથી ભાવિત કર્યાં. માત્ર મોટા ક્ષેત્રોને જ લાભ આપવો તેમ નહીં પરંતુ સૌરાષ્ટ્રના ઉના જેવા નાના- નાના ક્ષેત્રોમાં પણ ચાતુર્માસનો લાભ આપેલ.

૧૯૯૭ માં ધર્મનગરી રાજકોટની ધન્ય ધરા પર મહા ભાગ્યશાળી શ્રી રોયલ પાર્ક સ્થા.જૈન મોટા સંઘમાં ઐતિહાસિક સમુહ ચાતુર્માસ થયું. આ ચાતુર્માસમાં ગુરુ પ્રાણ જન્મ શતાબ્દિ વર્ષ અવસરે જૈન આગમો અર્ધ માગ્ધી ભાષામાંથી લોક ભોગ્ય ભાષામાં અને સૌ સરળતાથી સમજી શકે તેવા શુભ હેતુથી ગુજરાતીમાં અનુવાદ કરવાનું ઘોષિત થતાં જૈન શાસનના ઈતિહાસમાં એક સૂવર્ણ પૃષ્ટ ઉમેરાયું.

પૂ.લીલમબાઈ મ.સ.ને   ''ગુરૂ પ્રાણ આગમ બત્રીસી'' નું કપરા અને જબરા કામના સંપાદન કાર્યમાં પ્રધાન સંપાદિકા તરીકેની જવાબદારી સોંપવામાં આવી .જે તેઓએ સુપેરે નિભાવી.શ્રુત જ્ઞાનના સદ્દકાર્યમાં નવ - નવ વર્ષ સુધી અનેકોનેક પૂ.સતિવૃંદે સુંદર સહકાર આપ્યો તથા શ્રી ત્રિલોક મુનિજીએ યોગ્ય માર્ગદર્શન પુરૂ પાડેલ.વૈયાવચ્ચ રત્ન ચંદ્રકાન્તભાઈ શેઠ,મુકુંદભાઈ પારેખ, સ્વ.મણીભાઈ શાહ સહિત અનેક શ્રુત પ્રેમીઓએ સરાહનીય અને અનુમોદનીય સહયોગ આપેલ. આ શ્રુત જ્ઞાન યજ્ઞને પૂ.નમ્ર મુનિ મ.સા.સતત આગળ ધપાવી રહ્યાં છે.

મનોજ ડેલીવાળાએ વિરાણી પૌષધ શાળાના ચાતુર્માસમાં પૂ.સાહેબજીએ આપેલ પ્રવચનનો સાર ટાંકતા જણાવ્યું કે તેઓ ફરમાવતા કે સાધુએ કદી સ્ત્રીઓનો પરીચય કરવો નહીં, સ્ત્રીઓની સામે જોવું નહીં તરત જ તેઓ એમ પણ કહેતા કે સાધુ જયારે ગોચરીએ જાય ત્યારે ગોચરી વ્હોરાવનાર સ્ત્રીને નખથી શીખ સુધી જોઈ લેવી કે તેણીના માથામાં ફૂલની વેણી તો નથી ને ? અસૂઝતી,સચેત વસ્તુ તો પરીધાન કરી નથી ને ? આમ,તેઓ જૈન દર્શનનો સહારો લઈ સુંદર રીતે અનેકાંતવાદ સમજાવતા.મોટા સંઘના તત્કાલીન પ્રમુખ સ્વ.નગીનભાઈ વિરાણી પણ કહેતા કે પૂ.લીલમબાઈ મ.સ.પાસે આગમ સિવાય કોઈ બીજી વાત ન હોય. નટુભાઈ શેઠે કહ્યું કે ગુરણી મૈયા પૂ.શ્રી લીલમબાઈ મ.સ.બહુ મોટા ગજાના વિદ્ગાન સાધ્વીજી હોવા છતાં તેઓના વાસ્તવિક જીવનમાં એટલી હળવાશ કે સૌને સમાન દ્રષ્ટિથી નિહાળે.

સાધક જીવનની છ દાયકા ઉપરાંતની લાંબી ઝળહળતી ઈમારત જેવી જવલંત તેમજ અનેકોનેક માટે પ્રેરણારૂપ કારકિર્દી ધરાવતા પૂ.લીલમબાઈ મ.સ.નું અજોડ વ્યકિતત્વ આપણા સૌ માટે અવિસ્મરણીય રહેશે.પૂ.સાહેબજીની પ્રતિભાનો શ્રેષ્ઠ પરીચય જો જાણવો - માણવો હોય તો તેઓએ અથાગ્ પુરુષાર્થ લઈ સંપાદન કરેલા આગમ સાહિત્યનો એકવાર જિજ્ઞાસુઓ પઠન કરવુ તેમ મનોજ ડેલીવાળા (૯૮૨૪૧ ૧૪૪૩૯)એ જણાવ્યું છે.

(4:10 pm IST)