રાજકોટ
News of Thursday, 7th July 2022

રાજકિય નેતા ધમકી આપે છે...તેવી પોસ્‍ટ મુકનારા કુવાડવાના એએસઆઇ હિતેન્‍દ્રસિંહ ઝાલા સસ્‍પેન્‍ડ

સોશિયલ મિડીયા પર પોસ્‍ટ મુકી ગણતરીની મિનીટોમાં હટાવી લીધી હતીઃ ડીસીપીએ નિવેદન લેવા માટે હિતેન્‍દ્રસિંહ ઝાલાને બોલાવ્‍યા બાદ આકરા પગલાથી રાજકોટ પોલીસ બેડામાં ચકચાર

રાજકોટ તા. ૬: શહેરના કુવાડવા રોડ પોલીસ સ્‍ટેશનમાં ફરજ બજાવતાં એએસઆઇ હિતેન્‍દ્રસિંહ ઝાલાને સસ્‍પેન્‍ડ કરી દેવામાં આવતાં પોલીસબેડામાં ચકચાર મચી ગઇ છે. થોડા દિવસ પહેલા આ એએસઆઇએ પોતાને એક રાજકિય નેતા ધમકી આપે છે તે વી પોસ્‍ટ સોશિયલ મિડીયામાં મુકી હતી અને ગણતરીની મિનીટોમાં ડિલીટ કરી હતી. પરંતુ એ પહેલા પોસ્‍ટ સોશિયલ મિડીયામાં વાયરલ થઇ ગઇ હતી. આ મામલે ડીસીપી સમક્ષ હિતેન્‍દ્રસિંહ ઝાલા રજૂ થયા હતાં અને પોતાની વાત રજૂ કરી હતી. પરંતુ એ પછી તેમને સસ્‍પેન્‍ડ કરી દેવાનો હુકમ થયો હતો.

અગાઉ બી-ડિવીઝન સહિતના પોલીસ સ્‍ટેશનોમાં અને ક્રાઇમ બ્રાંચમાં પણ ફરજ બજાવી ચુકેલા હિતેન્‍દ્રસિંહ ઝાલાએ ફરજકાળ દરમિયાન અનેક નોંધપાત્ર કામગીરીઓ કરી છે.  હાલમાં તે કુવાડવા રોડ પોલીસ સ્‍ટેશનમાં ફરજ બજાવતાં હતાં. પાંચેક દિવસ પહેલા તેમણે એક પોસ્‍ટ સોશિયલ મિડીયામાં મુકી હતી. જે વાયરલ થઇ ગઇ હતી.

 આ બાબતે ડીસીપીશ્રી સમક્ષ તેઓ નિવેદન આપવા રજૂ થયા હતાં. એ પછી તેને સસ્‍પેન્‍ડ કરી નાંખવાનો હુકમ થતાં પોલીસ બેડામાં સોંપો પડી ગયો હતો. જો કે કયા રાજકીય નેતા તેને હેરાન કરતાં હતાં તેનો હજુ સુધી કોઇ સ્‍પષ્‍ટ ખુલાસો થયો નથી. સોશિયલ મિડીયાની પોસ્‍ટને કારણે લેવાયેલા આકરા પગલાની શહેર પોલીસમાં ભારે ચર્ચા થઇ રહી છે.  હિતેન્‍દ્રસિંહે જણાવ્‍યું હતું કે મને ડીસીપીશ્રીએ બોલાવતાં હું તેમને મળ્‍યો હતો. પરંતુ મારું વર્તન યોગ્‍ય નથી તેમ કહીને મને સસ્‍પેન્‍ડ કરવામાં આવ્‍યો છે. (૧૪.૬)

હિતેન્‍દ્રસિંહે પાંચ દિવસ પહેલા મુકેલી પોસ્‍ટ

વગર વાંકે મારી બદલીઓ કરાવે છે...ચાર વર્ષથી હેરાન કરે છે, મારો વાંક એટલો જ કે તેના બનેવીને ત્‍યાં જૂગારની રેડ કરી'તીઃ હું લડીશ, ઝૂકેગા નહિ...

ઞ્જ સોશિયલ મિડીયા પર હિતેન્‍દ્રસિંહે જે પોસ્‍ટ મુકી હતી તે આ મુજબ હતી. ‘આજે એક નેતાને તેની અસલિયત બતાવી તો મને બદલીની ધમકી આપી કે એવી જગ્‍યાએ બદલી કરીશ કે પાણી નહિ મળે. એ મને ચાર વર્ષથી હેરાનકરે છે, વગર વાંકે મારી બદલીઓ કરાવે છે. જ્‍યારે એનો ઇતિહાસ વિવાદોથી ખરડાયેલો છે. છતાં મને ધમકીઓ આપે છે. પણ મારી તૈયારી છે, ઝૂકેગા નહિ સાલા, મારો વાંક એટલો જ હતો કે તેના બનેવીને ત્‍યાં જુગારની રેડ કરી હતી. લુખ્‍ખો, સાલો, મને કોર્ટ પર પુરો વિશ્વાસ છે, હું લડીશ ઝૂકીશ નહિ, હું ઝૂકીશ નહિ'

ઉપરોક્‍ત પોસ્‍ટ જે તે દિવસે સોશિયલ મિડીયામાં ધડાધડ વાયરલ થઇ ગઇ હતી. જો કે થોડી મિનીટો પછી એએસઆઇ હિતેન્‍દ્રસિંહે પોતાની આ પોસ્‍ટ ડિલીટ કરી નાંખી હતી.

(2:46 pm IST)