રાજકોટ
News of Saturday, 7th July 2018

ભારતની સર્વ પ્રથમ ઓછી ઉંચાઇવાળી 'ડબલ ડેકર' ગુડઝ ટ્રેન રાજકોટથી રવાના

રેલ્વેની નુર ભાડાની કમાણી પ૦ ટકા વધશેઃ આજની ટ્રેન ૧૮ લાખ પ૦ હજારની વધુ આવક રેલ્વેને કમાવી આપશે : જામનગરથી ર૭ કિ.મી. દુર કાનાલુસમાં આવેલી રીલાયન્સ રેલ સાઇડીંગથી પ્લાસ્ટીકના દાણા (પોલી પ્રોપલીન ગ્રેન્યુલ્સ)ભરેલી ટ્રેન હરીયાણા રવાનાઃ રાજકોટથી ડીઆરએમ નિનાવે સહિતના અધિકારીઓએ ફલેગ ઓફ આપ્યો

રાજકોટઃ પશ્ચિમ રેલ્વેના રાજકોટ ડીવીઝનમાંથી દેશની સર્વ પ્રથમ ઓછી ઉંચાઇવાળી ડબલ ડેકર માલવાહક ટ્રેનને આજે રાજકોટના ડીવીઝનલ રેલ્વે મેનેજર પી.બી.નિનાવે, એડીઆરએમ એસ.એસ.યાદવ, સીનીયર ડીસીએમ રવિન્દ્ર શ્રીવાસ્તવ અને ડીવીઝનલ ઓપરેટીંગ મેનેજર અભિનવ જૈફ દ્વારા ફલેગ ઓફ આપી હરીયાણાના રેવાડી તરફ રવાના કરવામાં આવી હતી. પોલી પ્રોપલીન ગ્રેન્યુલ્સ (પ્લાસ્ટીકના દાણા)થી લદાયેલા ૮ર કન્ટેનર્સ ધરાવતી આ ટ્રેન જામનગરથી ર૭ કિ.મી. દુર કાનાલુસ સ્ટેશન નજીક આવેલા રિલાયન્સની રેલ સાઇડીંગ ઉપરથી રેવાડી સુધી બુક કરવામાં આવી હતી. 'ડબલ સ્ટેકડ ડવાર્ફ કન્ટેનર સર્વિસ' તરીકે ઓળખાતી આ ટ્રેન દોડાવવાથી એક વખતમાં ૧૮.પ૦ લાખની વધારાની આવક રેલ્વેની તીજોરીમાં જમા થશે.  વર્તમાનમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝથી રાજકોટ રેલ્વે ડીવીઝન મારફત દર મહિને બે થી ત્રણ ટ્રેન બુક કરાવવાની યોજના છે. જેને લઇને રેલ્વેની આવકમાં વધારાની સંભાવના છે. આ ટ્રેનની ઉંચાઇ ૬ ફુટ ૪ ઇંચ હોય છે અને ઇલેકટ્રીક રેલ્વેટ્રેક યુકત રૂટ ઉપર પણ દોડી શકે છે. દેખાવમાં ઓછી ઉંચાઇવાળા કન્ટેનરમાં વધુમાં વધુ ૩૦,પ૦૦ કિલોગ્રામ સામાન લોડ થઇ શકે છે. નિયમીત દોડતા કન્ટેનર્સની તુલનામાં આ કન્ટેનરની ઉંચાઇ ૬૬ર મીલીમીટર ઓછી હોય છે તથા પહોળાઇ ૧૬ર મીલીમીટર વધુ હોય છે. નિયમીત કન્ટેનરની તુલનામાં આ કન્ટેનરની ક્ષમતા આશરે ૬૭ ટકા વધુ છે. વર્તમાનમાં આ ટ્રેન ભારતીય રેલ્વેના ગણ્યા ગાંઠયા રૂટ ઉપર જ ચલાવી શકાય છે. સડકની તુલનામાં આ ડબલ સ્ટેક કન્ટેનરના ઉપયોગથી ટ્રાન્સપોટીંગ સસ્તુ થશે, પ્લાસ્ટીક ગ્રેન્યુઅલ્સ, પીવીસી પોલીસ્ટીક ફેબ્રીક, વાઇટ ગુડઝ, એફએમસીજી ઉત્પાદન પોલીથીલીન, ઓટોકાર જેવી લો ડેન્સીટી પ્રોડકટ માટે આ ટ્રેન સારી નિવેડશે. આ ટ્રેનથી રેલ્વેને નુર ભાડુ પ૦ ટકા વધુ મળી શકશે.

(4:33 pm IST)