રાજકોટ
News of Saturday, 7th July 2018

હાઉસીંગ બોર્ડ સોસાયટીના ચબુતરામાં ચણ નાખવાની મનાઇ નથીઃ જીવદયા પ્રેમીઓનો વિજય

ચબુતરાનાં સ્થળે કોર્પોરેશનની વિજીલન્સ પોલીસ દોડવાતા સામાજીક કાર્યકર રાજુ જુંજાએ સ્થળ પર દોડી જઇ ડીવાયએસપી ઝાલાને રજૂઆત કરતાં મામલો થાળે પડયોઃ આંદોલનની ચિમકી

હાઉસીંગ બોર્ડના ચબુતરા ખાતે આજે સવારે કોર્પોરેશનની વિજીલન્સ પોલીસને દોડાવવામાં આવી હતી જે તસ્વીરમાં નજરે પડે છે (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

રાજકોટ, તા. ૭ :. શહેરના કાલાવડ રોડ પર આવેલ હાઉસીંગ બોર્ડ સોસાયટીના કોમન પ્લોટમાં વર્ષો જૂના ચબુતરાને તોડી પાડયા બાદ આજે સવારે આ સ્થળે મ્યુ. કોર્પોરેશનની વિજીલન્સ પોલીસને દોડાવવામાં આવતા અહીં ચણ નાખવા માટે આવેલ જીવદયા પ્રેમીઓમાં ફફડાટની સાથે રોષની લાગણી  ફેલાઈ હતી. આ દરમિયાન સામાજિક કાર્યકર રાજુ જુંજાએ સ્થળ પર દોડી જઈ અને આ મામલે ડીવાયએસપી શ્રી ઝાલાને રજૂઆત કરતા તેઓએ સ્પષ્ટતા કરી હતી કે, આ ચબુતરામાં ચણ નાખવા બાબતે કોઈ મનાઈ કરવામાં નથી આવી.

આ અંગે સત્તાવાર પ્રાપ્ત માહિતી મુજબ આજે સવારે ૧૧.૩૦ વાગ્યા આસપાસ કોર્પોરેશનનો વિજીલન્સ પોલીસનો સ્ટાફ હાઉસીંગ બોર્ડના કોમન પ્લોટવાળા ચબુતરા ખાતે દોડી જતા અહીં ચણ નાખી રહેલા જીવદયા પ્રેમીઓમાં ફફડાટ સાથે તંત્ર સામે રોષની લાગણી ફેલાય હતી કેમ કે અહીં વર્ષોથી હજારો કબુતરને ચણ નાખવામાં આવી રહી છે. આવા ચબુતરાને બે-ચાર લોકોને ઈશારે તોડી પાડવામાં આવ્યા બાદ હવે આ સ્થળ પર વિજીલન્સ પોલીસનો બંદોબસ્ત મુકવામાં આવતા અનેક તર્કવિતર્કો થઈ રહ્યા હતા. આ દરમિયાન સામાજિક કાર્યકર રાજુભાઈ જુંજાને આ બાબતની જાણ થતા તેઓએ સ્થળ પર દોડી જઈ અને આ ચબુતરાના સ્થળે વિજીલન્સ પોલીસ કેમ મોકલવામાં આવી ? તે બાબતે વિજીલન્સ પોલીસનો હવાલો સંભાળતા ડીવાયએસપી શ્રી ઝાલાને રજૂઆત કરી હતી. જેના પ્રત્યુત્તરમાં શ્રી ઝાલાએ સ્પષ્ટ જણાવેલ કે, વિજીલન્સ પોલીસ રૂટીન ચેકીંગમાં ગઈ હતી. ચબુતરામાં ચણ નાખવા માટે કોઈને મનાઈ નથી અને હવેથી સ્થળ પર પોલીસ બંદોબસ્ત પણ નહી રખાઈ તેવી ખાત્રી શ્રી ઝાલાએ આપતા મામલો થાળે પડયો હતો.

આ તકે રાજુભાઈ જુંજાના જણાવ્યા મુજબ તેઓએ હાઉસીંગ બોર્ડના ચબુતરા મુદ્દે ભાજપના પ્રદેશ અગ્રણી નિતીનભાઈ ભારદ્વાજને પણ રજૂઆત કરી હતી. તેમજ હવે પછી જો કોઈને ચબુતરામાં ચણ નાખવા માટે અવરોધવામાં આવશે તો તો જીવદયા પ્રેમીઓ સાથે આ મુદ્દે તંત્ર સામે આંદોલન કરાશે તેવી ચીમકી તેઓએ ઉચ્ચારી હતી.

(4:23 pm IST)