રાજકોટ
News of Saturday, 7th July 2018

૧ લી સપ્‍ટેમ્‍બરથી મતદાર યાદી સુધારણાઃ અધિકારીઓની બઢતી-બદલી માટે ચૂંટણી પંચની મંજુરી જરૂરી

સંસદની ચૂંટણીના પડઘમ વાગ્‍યા....

રાજકોટ, તા. ૭ :. ૨૦૧૯માં લોકસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્‍યારે રાજ્‍ય ચૂંટણી પંચે ચૂંટણી અંગેની પ્રાથમિક તબક્કાની તૈયારી શરૂ કરી દીધી છે. જેના ભાગરૂપે આગામી ૧ લી સપ્‍ટેમ્‍બરથી મતદાર યાદી સુધારણા કાર્યક્રમનો પ્રારંભ થશે તેમજ આ સંદર્ભે જિલ્લાના અધિકારીઓ - કર્મચારીઓની બઢતી-બદલી ઉપર પણ પ્રતિબંધ મુકી દીધાનું જાણવા મળ્‍યુ છે.

આ અંગે સત્તાવાર સૂત્રોમાંથી પ્રાપ્ત માહીતી મુજબ ૧ લી સપ્‍ટેમ્‍બરથી મતદાર યાદી સુધારણા શરૂ થશે અને ૪ જાન્‍યુઆરી સુધીમા આખરી મતદાર યાદી પ્રસિદ્ધ કરી દેવાશે. રાજકોટ શહેર જિલ્લાના કુલ ૨૨૦૦ જેટલા મતદાન મથકો ઉપર રજાના દિવસોમાં સવારે ૧૦ થી ૬ મતદાર યાદી સુધારણા કાર્યક્રમ ચાલશે.

આ દરમિયાન જિલ્લાના કોઈપણ અધિકારી કે કર્મચારીની બઢતી કે બદલી ઉપર રાજ્‍ય ચૂંટણી પંચે પ્રતિબંધ મુકયો છે અને કોઈપણ ખાલી જગ્‍યા ભરવાની અથવા બદલી કરવાની થાય તો તે માટે ચૂંટણી પંચની મંજુરી મેળવવા માટે ખાસ પરિપત્ર જારી થયો છે.

(3:55 pm IST)