રાજકોટ
News of Saturday, 7th July 2018

મહિલા સ્નાનાગાર શોભાનો ગાંઠિયો : કોંગ્રેસ

એપ્રિલ માસમાં મહિલા સ્વિમીંગપુલનું કામ પૂર્ણ થવા છતાં ૩ માસ સુધી લોકાર્પણ કેમ નહિ? વશરામભાઇ સાગઠીયાનો સવાલ

રાજકોટ તા. ૭ : મ્યુનિ. કોર્પોરેશન દ્વારા વોર્ડ નં. ૯ના સાધુ વાસવાણી રોડ વિસ્તારમાં મહિલાઓ માટે ખાસ સ્વિમીંગ પુલ બનાવવામાં આવ્યો છે. આ સ્નાનાગારનું કામ એપ્રિલ માસમાં પૂર્ણ થઇ ગયું હોવા છતાં હજુ સુધી લોકાર્પણ કેમ કરવામાં આવ્યું નથી ? અને આ સ્નાનાગારનું લોકાર્પણ તાત્કાલિક કરવા વશરામભાઇ સાગઠીયા દ્વારા માંગ કરવામાં આવી છે.

આ અંગે વિરોધપક્ષના નેતા વશરામભાઈ સાગઠીયાએ જણાવ્યું હતું કે, હાલ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વોર્ડ નં.૯માં મહિલા સ્નાનાગાર બનાવવાનું કામ ગત ૨૦૧૭-૧૮માં મહિલા સ્વીમીંગપુલના ૨૦૦ લાખના ખર્ચે બનાવવામાં આવેલ હતું.

આ સ્નાનાગારનું કામ ગત તા.૨૬ એપ્રિલના રોજ પૂર્ણ થયું હતું અને ત્યાર બાદ મહિલા સ્વીમીંગ પુલનું ટેસ્ટીંગ કરવામાં આવ્યું હતું તે પણ એકંદરે સફળ રહ્યું હતું અને જે કામ પૂર્ણ થયેલ હોય તેને આજરોજ બે-બે માસ જેવો સમય વીતવા છતાં લોકાર્પણ કેમ કરવામાં આવ્યું નથી તેવા સવાલો વિપક્ષી નેતા દ્વારા ઉઠાવવામાં આવ્યા છે.

(3:32 pm IST)