રાજકોટ
News of Saturday, 7th July 2018

ચોરાઉ માલ ખરીદવાના ગુનામાં ચાર વર્ષથી ફરાર હિતેષ અજાણી પકડાયો

પેરોલ ફરલોની ટીમે પટેલ શખ્સને લાખેશ્વર સોસાયટી પાસેથી દબોચ્યોઃ અગાઉ એ-ડીવીઝન પોલીસમાં પકડાઇ ચૂકયો છે

રાજકોટ, તા. ૭ : ગાંધીગ્રામ વિસ્તારમાં થયેલી ઘરફોડ ચોરીના ગુન્હામાં ચાર વર્ષથી નાસતા ફરતા પટેલ શખ્સને પેરોલ ફરલોની ટીમે પેડક રોડ લાખેશ્વર સોસાયટી પાસેથી દબોચી લીધો હતો.

મળતી વિગત મુજબ શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત તથા જોઇન્ટ પોલીસ કમિશનર ભટ્ટ તથા ડીસીપી કરણરાજ વાઘેલા અને એસીપી જયદેવસિંહ સરવૈયાએ નાસતા ફરતા આરોપીને શોધી કાઢવા માટે સૂચના આપતા પેરોલ ફરલો સ્કોર્ડના પીએસઆઇ બી.કે. ખાચર, હેડ કોન્સ. મધુકાંતભાઇ સોલંકી, બકુલભાઇ વાઘેલા, જયદેવસિંહ પરમાર, કિશોરદાન તથા હરીભાઇ બાલાસરા સહિત પેટ્રોલીંગમાં હતા ત્યારે મધુકાંતભાઇ, જયદેવસિંહ તથા કિશોરદાન ગઢવીને મળેલી બાતમીના આધારે પેડક રોડ લાખેશ્વર સોસાયટી શેરી નં. ૭માં રહેતો હિતેષ બાવાભાઇ અજાણી (ઉ.વ.૩૪)ને લાખેશ્વર સોસાયટીના ખૂણેથી પકડી લીધો હતો. હિતેષ ગાંધીગ્રામ વિસ્તારમાં થયેલી ચોરીમાં પકડાયેલા પ્રકાશ સગર પાસેથી ચોરીનો માલસામાન ખરીદ કરતો હતો. હિતેષ અગાઉ એ-ડીવીઝન પોલીસ સ્ટેશનમાં પણ ચોરાઉ માલસામાન ખરીદવાના ગુન્હામાં પકડાઇ ચૂકયો છે. આ અંગે પેરોલ ફરલો સ્કોર્ડેની ટીમે હિતેષને ગાંધીગ્રામ પોલીસમાં સોંપ્યો હતો.

(3:22 pm IST)