રાજકોટ
News of Saturday, 7th July 2018

મેઘરાજાને રીઝવવા રાજકોટમાં ગુરૂવારથી આઠ દિવસીય યજ્ઞ

શાસ્ત્રી મેદાનમાં ૬×૬ ફુટનો વિશાળ કુંડ તૈયાર થશે : આર્ય સમાજની પ્રણાલી મુજબ થશે વિવિ : ૧૩૦ કિલો ગાયનું ઘી, ૪૦૦ કિલો ધુપ અને ૬ ટન સમીધ હોમાશે

રાજકોટ તા. ૭ : વરૂણ દેવને રીઝવવા રાજકોટમાં આઠ દિવસીય યજ્ઞનું વિશ્વ કલ્‍યાણની ભાવનાથી આયોજન ઘડાયુ છે.

આર્યસમાજી અમૃતલાલ પરમારે એક યાદીમાં જણાવ્‍યા મુજબ તા. ૧૨ થી ૧૯ સુધી રાજકોટના શાષાી મેદાનમાં આયોજીત આ યજ્ઞના વૈદીક મંત્રો અને તેમા હોમાતા સુગંધી દ્રવ્‍યોથી સમગ્ર વાતાવરણ મઘમઘી ઉઠશે.

આશરે ૬ ફુટ લાંબા, ૬ ફુટ પહોળા અને ૬ ફુટ ઉંડો યજ્ઞ કુંડ તૈયાર કરાશે. જેમાં ગાયનું શુધ્‍ધ ઘી આશરે ૧૩૦ કિલો, તેમજ ધુપ સામત્રી આશરે ૪૦૦ કિલો તેમજ સમીધ (લાકડુ), આંબો, પીપળો, ખાખરો, ઉમરો, બીલી, કેયડો વગેર ૬ ટન સામગ્રી હોમાશે.

યજ્ઞના આચાર્યપદે મધ્‍યપ્રદેશના શ્રી  કેશવરામ આર્ય, શ્રી કાંશીરામ આર્ય તથા શ્રી રાધેશ્‍યામજી આર્ય બીરાજી હોમ વિધ કરાવશે.

યજ્ઞ દર્શનનો સમય દરરોજ સવારે ૮ થી ૧૧ અને સાંજે ૪ થી ૭ નો રહેશ. તા. ૧૯ ના ગુરૂવારે સવારે ૧૦.૩૦ વાગ્‍યે પૂર્ણાહુતી થશે.

અમૃતલાલ પરમારે જણાવ્‍યુ છે કે આપણા પ્રાચીન વેદમાં વૃષ્‍ટિ વિજ્ઞાન આલેખવામાં આવ્‍યુ છે. તેના આધારે વાયુની ઉર્ધ્‍વ ગતિ માટે આ યજ્ઞ કાર્યનું આયોજન કરાયુ છે. આજે વેદ તથા યજ્ઞ ભુલાય ગયા છે. સાંપ્રત સમયમાં ગ્‍લોબલ વોર્મિંગ, પ્રદુષણ, અકાલ, દુર્ભિક્ષ્ય, ભુમિની ઉપજ નહી, પીવાનું પાણી નહીં, પશુચારો નહીં જેવી સમસ્‍યાઓ સર્જાઇ છે. ત્‍યારે વૃષ્‍ટિ વિજ્ઞાન લોકો સમજતા થયા તેવા આશયથી આ હવન કાર્યનું આયોજન કરાયુ છે. આમ તો છેલ્લ પાંચેક વર્ષથી આવા યજ્ઞનું આયોજન આર્યસમાજી મિત્રો દ્વારા કરાતુ આવ્‍યુ છે. દર વર્ષે ધારી સફળતા અચુક મળે જ છે.

ધર્મપ્રેમીજનોએ આ યજ્ઞના દર્શનમાં સામેલ થવા આર્યસમાજી અમૃતલાલ પરમાર (મો.૯૨૨૭૬ ૦૦૨૭૦) એ જાહેર અનુરોધ કરેલ છે.

૨૦૧૨ અને ૨૦૧૫ માં આવા યજ્ઞથી ભરપુર મેઘકૃપા થઇ હતી : અમૃતલાલ

રાજકોટ તા. ૭ : આમ તો ફાયનાન્‍સ વ્‍યવસાય સાથે સંકળાયેલા અને આર્ય સમાજી એવા અમૃતલાલ પરમારે જણાવ્‍યુ છે કે વરૂણદેવને રીઝવવા અમે છેલ્લા પાંચેક વર્ષથી આ પ્રકારના યજ્ઞો કરી રહ્યા છીએ. વૃષ્‍ટિ વિજ્ઞાનના આધારે આવા યજ્ઞથી વાયુદેવ ૨૦૦ થી ૨૫૦ કિ.મી. ના એરીયામાં આવેલ દરીયામાંથી પાણી ઉપાડીને યજ્ઞ સ્‍થળ સુધીના પટ્ટામાં વરસાવે છે. અમારા અનુભવ પ્રમાણે ૨૦૧૨ માં આવો યજ્ઞ કરતા દ્વારકાથી રાજકોટ સુધી પુકષ્‍ળ વર્ષાદ પડયો હતો. એટલે એ સમયે દ્વારકાના દરીયામાંથી પાણી ઉપડયુ તેમ માની શકાય. એજ રીતે ર૦૧૫ માં કરેલ યજ્ઞથી રાજકોટથી સોમનાથ સુધીની પટ્ટીમાં સારો વરસાદ થયેલ. એટલે તે  સમયે સોમનાથના દરીયામાંથી પાણી ઉપડયુ એમ માની શકાય તેવુ વૃષ્‍ટિ વિજ્ઞાનના આધારે અમૃતલાલ પોપટલાલ પરમાર (મો.૯૨૨૭૬ ૦૦૨૭૦) ની યાદીમાં જણાવાયુ છે.

 

(12:29 pm IST)