રાજકોટ
News of Friday, 7th June 2019

કુરીયરના નામે સોની વેપારી સાથે લાખોની ઠગાઇમાં ફરાર ત્રણ શખ્સો ઝડપાયા

પંકજ, અશોક અને મુકેશને કાલાવડ રોડ પરથી ક્રાઇમ બ્રાંચે દબોચ્યા

રાજકોટ, તા. ૭ : શહેરમાં આંગડીયા પેઢી તથા કુરીયરના નામે સોની વેપારીનો કોન્ટેકટ કરી લાખોની છેતરપીંડીના ગુનામાં ફરાર ત્રણ શખ્સોને ક્રાઇમ બ્રાંચે ઝડપી લીધા છે.

મળતી વિગત મુજબ શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલની  સુચનાથી ક્રાઇમ બ્રાંચના પીઆઇ એચ.એમ. ગઢવીના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ ડી.પી. ઉનડકટ તથા હેડ કોન્સ. જગમાલભાઇ, ભરતભાઇ, સંતોષભાઇ, મયુરભાઇ, સંજયભાઇ, યુવરાજસિંહ, કુલદીપસિંહ, પ્રદીપસિંહ સહિત પેટ્રોલીંગમાં હતા ત્યારે સંતોષભાઇ, મયુરભાઇ તથા કુલદીપસિંહને મળેલી બાતમીના આધારે કાલાવડ રોડ ઇસ્કોન મંદિર પાછળથી પંકજ નટુભાઇ ધોરીયા (ઉ.૪૯) (રહે. રૂડાનગર-૩), અશોક ગણેશભાઇ જીવાણી (ઉ.૩૬) (રહે. મુંબઇ મહાડા કોલોની આર-૧૪ રૂમ નં. ૩૪ર), મૂળ પડવદર જી. ભાવનગર) અને મુકેશ પીઠાભાઇ સખીયા (ઉ.૪ર) (રહે. ૧પ૦ ફુટ રોડ શ્રીરામ પાર્ક શેરી નં.પ), ને પકડી લીધા હતાં. પકડાયેલ ત્રણેય શખ્સો આંગડીયા પેઢી અને કુરીયરના નામે સોની વેપારીનો કોન્ટેક કરી તેને વિશ્વાસમાં લઇ સોનાના દાગીનાના પાર્સલ લઇ લાખો રૂપિયાની છેતરપીંડી આચરી હતી. આ અંગે ફરીયાદ પણ નોંધાઇ હતી. સોની વેપારી સાથે છેતરપીંડીના ગુનામાં ત્રણેય શખ્સો નાસતા ફરતા હતાં.

(4:00 pm IST)