રાજકોટ
News of Friday, 7th June 2019

ગાંધીગ્રામ પોલીસે રિક્ષામાં ૮૪ બોટલ દારૂ સાથે આશિષ બારોટને પકડ્યો

ભકિતનગર પોલીસે રણજીત ઉર્ફ નાની ટિકીટના ઘરમાંથી ૩૦ બોટલ જપ્ત કરી

રાજકોટ તા. ૭: ગાંધીગ્રામ પોલીસે ૮૪ બોટલ દારૂ સાથે ગાંધીગ્રામના રિક્ષાચાલક બારોટ શખ્સને પકડી લીધો હતો. જ્યારે ભકિતનગર પોલીસે નામચીન નાની ટિકીટના ઘરમાં દરોડો પાડી ૩૦ બોટલ જપ્ત કરી હતી.

ગાંધીગ્રામના કોન્સ. ગોપાલ પાટીલની બાતમી પરથી દોઢસો ફુટ રીંગ રોડ પર સ્ટર્લિંગ હોસ્પિટલ સામે રોડ પર વોચ રાખવામાં આવતાં જીજે૩બીટી-૪૫૬૫ નંબરની રિક્ષા નીકળતાં તેને અટકાવી તલાશી લેતાં અંદરથી રૂ. ૨૫૨૦૦નો ૮૪ બોટલ દારૂ મળતાં ચાલક આશિષ રસિકભાઇ વિસાણી (બારોટ) (ઉ.૩૧)ની ધરપકડ કરી રિક્ષા-દારૂ મળી રૂ. ૭૫૨૦૦નો મુદ્દામાલ કબ્જે કરાયો હતો. પી.આઇ. વી. વી. ઓડેદરાની રાહબરીમાં પીએસઆઇ જે. એમ. ભટ્ટ, હેડકોન્સ. રાહુલભાઇ વ્યાસ, કોન્સ. કિશોર ઘૂઘલ, કનુ બસીયા, દિવ્યરાજસિંહ જાડેજા, વનરાજ લાવડીયા, દિગ્વીજયસિંહ ગોહિલ, દિનેશ વહાણીયા સહિતે આ કામગીરી કરી હતી.

જ્યારે બીજા દરોડામાં અગાઉ અનેક ગુનામાં પોલીસ ચોપડે ચડી ચુકેલા આનંદનગર કોલોની બ્લોક નં. ૭ કવાર્ટર નં. એચ-૨૨૭માં રહેતાં જીજ્ઞેશ ઉર્ફ બાવકો ઉર્ફ નાની ટિકીટ અરવિંદભાઇ ગોહેલના ઘરમાં વિદેશી દારૂ હોવાની બાતમી ભકિતનગરના હેડકોન્સ. વિક્રમભાઇ લોખીલ, કોન્સ. દિવ્યરાજસિંહ ઝાલાને  મળતાં પીઆઇ વી. કે. ગઢવીની રાહબરીમાં પીએસઆઇ જેબલીયા, રણજીતસિંહ, સલિમભાઇ મકરાણી, વાલજીભાઇ, મનિષભાઇ સહિતે દરોડો પાડતાં રૂ. ૧૫૦૦૦નો ૩૦ બોટલ દારૂ મળ્યો હતો. નાની ટિકીટ ઘરે ન હોઇ તેની શોધખોળ થઇ રહી છે.

(3:52 pm IST)