રાજકોટ
News of Friday, 7th June 2019

પરિણિતા અને સગીર પુત્રનું ચડત ભરણપોષણ નહીં ચુકવતા પતિની સજા માટેનું ફરતું વોરંટ કાઢતી કોર્ટ

અરજદારના પતિ જયાં હોય ત્યાંથી પકડીને કોર્ટ સમક્ષ રજુ કરવા હુકમ

રાજકોટ તા ૭  : ચડત ભરણપોષણ ન ચુકવવા બદલ ફરતુ સજાનું વોરંટ ઇસ્યુ રાજકોર્ટની ફેમીલી કોર્ટે કર્યુ હતું.

રાજકોટમાં પરસાણાનગરમાં રહેતા સોનલબેન વા./ઓ. ધવલભાઇ પરમારના લગ્ન દેવપરા, નીલકંઠ સિનેમા પાસે રહેતા ધવલભાઇ સ./ઓ. મહેન્દ્રભાઇ પરમાર સાથે તા. ૨૨/૦૫/૨૦૧૧ ના રોજ થયેલા અને આ લગ્ન જીવનથી તેમને સગીર પુત્ર ''સિધ્ધરાજ'' નો જન્મ થયેલ. લગ્ન બાદ થોડો સમય સાસરીયામાં સોનલબેનને સારી રીતે રાખ્યા બાદ ધીમે ધીમે તેમના પતિ દ્વારા હેરાનગતી ચાલુ થયેલ અને શારીરીક-માનસીક ત્રાસના કારણે તા. ૨૨/૭/૨૦૧૭ ના રોજ પોતાનું તથા સગીર પુત્રનું ભરણપોષણ મેળવવા અરજી દાખલ કરેલ.

અરજદાર સોનલબેનના સાસુ, જેઠાણી તથા પતિ તેમને હેરાન-પરેશાન કરતા હોય, શારીરીક-માનસીક ત્રાસ આપતા હોય અને પહેરેલ કપડે સગીર પુત્ર સાથે ઘર છોડવાની ફરજ પાડેલ હોય, અરજદાર સોનલબેને ના છુટકે ઉપરોકત હકીકતવાળી ભરણપોષણ મેળવવાની અરજી દાખલ કરેલ, જે અરજી ફેમીલી કોર્ટમાં ચાલી જતા ફેમીલી કોર્ટેસામાવાળાને આવક અને જવાબદારી ધ્યાને લઇ અરજદારને માસિક રૂા ૭,૦૦૦/- તથા સગીર પુત્ર 'સિધ્ધરાજ' ને  માસિકરૂા ૩૦૦૦/- ભરણપોષણ ચુકવવાનો હુકમ થયેલ.

આ હુકમ મુજબ સામાવાળા ભરણપોષણ ન ચુકવતા અરજદારે રીકવરી અરજી દાખલ કરેલ, જેમાં નોટીસ બજી જતા રીકવરી વોરંટ કઢ઼ાવેલ છતાં પણ સામાવાળા ધવલભાઇ મહેન્દ્રભાઇ પરમાર યેનકેન પ્રકારે વોરંટની બજવણી થવા દેતા ન હોય અરજદારના એડવોકેટ દ્વારા કોર્ટને પકડ વોરંટ ઇસ્યુ કરવાની વિનંતી કરવામાં આવતા, ફેમીલી કોર્ટે સામાવાળા સામે તેઓ જયાંથી મળે ત્યાંથી તેઓને પકડી કોર્ટમાં રજુ કરવાનો હુકમ ફરમાવી સજાનું ફરતું વોરંટ પોલીસ કમિશ્નરશ્રી રાજકોટ દ્વારા બજાવવુ તેવો હુકમ ફરમાવેલ છે. સામાવાળા ધવલ મહેન્દ્રભાઇ પરમારને ચડત ભરણપોષણની રકમ રૂા ૫૦,૦૦૦/ ન ચુકવવા બદલ બે માસ અને પંદર દિવસની સાદી કેદ ફરમાવતો હુકમ પણ સજાના ફરતા વોરંટમાં કરેલ છે.

આ કામમાં અરજદાર વતી રાજકોટના સીનીયર એડવોકેટ મહેશ સી. ત્રિવેદી, કીરીટ સાયમન, વાસુદેવ પંડયા, ધર્મેન્દ્ર જરીયા, કિશન જોષી, ઘનશ્યામ પટેલ રોકાયેલા હતા.

(3:50 pm IST)