રાજકોટ
News of Friday, 7th June 2019

ધર્મેન્દ્ર કોલેજ કેમ્પસમાં બેસતી સબ રજીસ્ટ્રાર કચેરીનું સર્વર ઠપ્પ : લોકો હેરાન-પરેશાન

સમાજ કલ્યાણ કચેરીમાં પણ બે દિ' સર્વર ઠપ્પ થતા લોકો તડકે શેકાયા.. : BSNLની લાઇન કપાતા ઓનલાઇન કામગીરી પ ઝોનમાં ખોરવાઇ ગઇ..

રાજકોટ, તા. ૭ : ધર્મેન્દ્ર કોલેજ કેમ્પસમાં બેસતી સબ રજીસ્ટ્રાર કચેરી ઝોન ૩ થી ૭ સુધીમાં આજે દસ્તાવેજ કામગીરી અને અન્ય સાટાખત સહિતની કામગીરી સવારે ૧૧ વાગ્યાની આસપાસ લાઇન ખોટકોના કારણે ઠપ્પ થઇ જતા સેંકડો લોકોમાં દેકારો બોલી ગયો છે.

બીએસએનએલની લાઇન કપાતા ઓનલાઇન તમામ કામગીરી પ ઝોનમાં ઠપ્પ થઇ જવા પામી હતી, જો કે જુની કલેકટર કચેરી ખાતે સર્વર ચાલુ હતા, પરંતુ ડી.એચ. કેમ્પસમાં પ ઝોનમાં કાર્યવાહી ઠપ્પ થતા લોકો તડકામાં હેરાન-પરેશાન  થઇ ગયા હતા. લગભગ ૩૦ મીનીટ આ મુશ્કેલી રહી હતી, જેના કારણે થોકબંધ દસ્તાવેજોની કાર્યવાહી મોડી પડી હતી.

અત્રે એ નોંધીય છે કે બે દિ'થી બહુમાળી ભવન ખાતે બેસતી સમાજ-કલ્યાણ કચેરીમાં સર્વર ઠપ્પ થતાં લોકોને પારાવાર મુશ્કેલી પડી હતી. ગઇકાલે આ પ્રશ્ન હલ થયાનું અધિકારી સૂત્રોએ ઉમેર્યં હતું.

(3:42 pm IST)