રાજકોટ
News of Friday, 7th June 2019

જિલ્લા પંચાયતના રાજકારણ માટે આવતુ અઠવાડિયુ મહત્વનું: ૧૯મીની સામાન્ય સભા રોકવા ખેલ પાડશે ?

રાજકોટ, તા. ૭ :. જિલ્લા પંચાયતમાં કોંગ્રેસના શાસનને ઉથલાવવા માટે કોંગ્રેસના બાગીઓ અને ભાજપના અગ્રણીઓએ પ્રયાસો આગળ વધાર્યા છે. ભૂતકાળમાં પંચાયત તોડવામાં ભાજપને નિષ્ફળતા મળ્યા બાદ વધુ એક વખત પ્રયત્ન કરવા સંસદ સભ્ય મોહનભાઈ કુંડારિયાએ મામલો હાથમાં લીધો છે. બે ત્રણ દિવસમાં જ રાજકોટમાં રણનીતિ ઘડવા બેઠક મળનાર છે ત્યાર બાદ અવિશ્વાસ દરખાસ્ત અંગેની આગળની કાર્યવાહી હાથ ધરાશે.

જિલ્લા પંચાયતમાં કોંગ્રેસના જુથના પક્ષપલ્ટા પછી ભાજપ-કોંગ્રેસ બન્ને તરફ સંખ્યા બળ ૧૮ - ૧૮ સભ્યોનું થઈ ગયુ છે. તા. ૧૯મીએ સામાન્ય સભા મળનાર છે. જેમાં નવાજૂની થવાની શકયતા છે. ભાજપનું જુથ તે પૂર્વે અવિશ્વાસ દરખાસ્ત રજૂ કરી દેવા માગે છે. જો અવિશ્વાસ દરખાસ્તને પ્રમુખ સ્થાનેથી એજન્ડામાં સમાવવામાં ન આવે તો ભાજપ ન ધાર્યુ કંઈક કરવા પ્રયત્નશીલ છે. જરૂર પડયે કોઈક મુદ્દો ઉભો કરીને સામાન્ય સભામાં વિક્ષેપ સર્જવા અથવા સરકારની સહાયથી સામાન્ય સભા જ અટકાવવા પ્રયાસ થાય તેવી ચર્ચા શરૂ થઈ છે.

અવિશ્વાસ દરખાસ્ત પસાર કરાવવા માટે ઓછામાં ઓછા ૨૪ સભ્યોનો ટેકો જરૂરી છે. ૧૮ ખુલ્લેઆમ ભાજપ સાથે છે. બાકીના ૮ સહિત ૨૬ સભ્યોની સહી થઈ ગયાનો ભાજપના વર્તુળોનો દાવો છે, પરંતુ તમામ નામ જાહેર કરી શકવાની સ્થિતિમાં નથી. રાજકીય વાતાવરણ ડહોળવા માટે ભાજપ દ્વારા પુરતા સંખ્યા બળની વાતો ફેલાવાતી હોવાનું ભાજપનું કહેવુ છે.

બીજી તરફ ૧૨ જેટલા સભ્યો સામે પક્ષાંતર ધારા અંગેનો કેસ પુરો થઈ ગયો છે. નામોનિર્દેશ અધિકારી દ્વારા હજુ સુધી ચુકાદો જાહેર ન કરાતા અર્જુન ખાટરિયા જુથ દ્વારા આ અંગે હાઈકોર્ટમાં ધા નાખવાની તજવીજ હાથ ધરાયાનું જાણવા મળે છે. પંચાયતના રાજકારણમાં આવતુ અઠવાડીયુ નવા વળાંકો લાવનારૂ બની શકે છે.

(3:28 pm IST)