રાજકોટ
News of Friday, 7th June 2019

જીવદયા, ધર્મકાર્યના માધ્યમથી જન્મદિવસ ઉજવતા રાજકોટના રાજવી માંધાતાસિંહજી

ગૌગ્રાસ, સંતોને ભોજન, ગરીબોને દાન કરી નિભાવી પરિવારની પરંપરા સવારે કુળદેવી મા આશાપુરા માતાજીના આશિષ લીધા

રાજકોટ તા.૭: રાજકોટના રાજવી પરિવારના વંશ, ઠાકોર સાહેબ શ્રી માંધાતા સિંહ જાડેજાના ગુજરાતી તિથિ મુજબના જન્મદિવસની ઉજવણી આજે જેઠસુદ ચોથના રોજ થઈ હતી. દાદાજી, પિતા અને પરિવાર તરફથી મળેલી સાંસ્કૃતિક વિરાસતના ભાગ રૂપે એમણે જન્મદિવસ કોઇ ભપકા કે ભવ્યતાથી નહીં પરંતુ ભકિત અને આસ્થાથી કરી હતી.

ઠાકોર સાહેબ માંધાતાસિંહજી જન્મ દિવસની શરૂઆત કુળદેવી મા આશાપુરા દર્શન કરીને કરી હતી. પેલેસ રોડ પર આવેલા માતાજી નો પ્રાચીન મંદિરે પૂજા કરી,માથું ટેકવી એમણે પરિવાર સાથે આશીર્વાદ લીધા હતા. ત્યારબાદ રાજપરિવાર જેનું જતન કરે છે એવી ગીર ગાયને ચારો, ગૌ ગ્રાસ આપ્યો હતો. ગૌ બ્રાહ્મણ પ્રતિપાલની ક્ષત્રીયની વ્યાખ્યા એમણે સાર્થક કરી હતી.

રાજકોટ રાજય પરિવાર નો જયાં સદી જુનો નાત છે,જય દિવ્યતા સાથે સદગત શ્રી લખાજીરાજ બાપુનું પણ અનુસંધાન છે એવા રણછોડદાસજી બાપુનો આશ્રમ ખાતે બપોરે સંતને ઠાકોર સાહેબ અને એમના પરિવારે ભોજન કરાવવાનો લ્હાવો લીધો હતો. સંતોને પોતાના હસ્તે ભોજન પીરસીને એમના આશિષ લીધા હતા. ત્યારબાદ ગરીબ પરિવારોને પણ ભોજન પીરસાયું હતું.

રાજકોટના રાજ પરિવારે અગાઉ પણ આવી રીતે જન્મ દિવસને ફકત પોતાનો ઉત્સવ ન બનાવતાં ધર્મકાર્ય થકી જ એની ઉજવણી કરી છે.

માંધાતાસિંહજી અને મહારાણી શ્રીમતી કાદમ્બરી દેવીએ આ કાર્ય સંપન્ન કરી પરિવારની પરંપરા નિભાવી હતી. સંતોએ ઠાકોર સાહેબ અને પરિવારને આશિષ આપ્યા.

(3:25 pm IST)