રાજકોટ
News of Friday, 7th June 2019

રાજકોટમાં અમદાવાદવાળી ! ક્રિકેટ ટુર્ના. વખતે મહિલા સાથે અભદ્ર વ્યવહાર

અમદાવાદની ઘટના બાદ રાજકોટમાં ધારાસભ્ય જુથ દ્વારા મહિલા કોમેન્ટ્રેટર સાથે અણછાજતુ વર્તન !! : અટકના બદલે જ્ઞાતિવાચક શબ્દનો ઉલ્લેખ થતા જ ભાજપા નગરસેવક ઉકળી ઉઠયા અને સરાજાહેર ગાળાગાળી-કાંઠલો પકડયાની ચોમેર ચર્ચા

રાજકોટ, તા. ૭ :. અમદાવાદમાં મહિલાને ભાજપના ધારાસભ્યએ પાટા મારવાની શાહી સુકાણી નથી ત્યાં જ રાજકોટમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના યજમાન પદે ચાલી રહેલી અખિલ ગુજરાત મહાનગરપાલિકા ટી-૨૦ ક્રિકેટ ટૂર્નામેન્ટના ગઈકાલે યોજાયેલ સેમી ફાઈનલમાં ભાજપના ધારાસભ્ય જુથે મહિલા કોમેન્ટ્રેટર સાથે ગાળાગાળી કરી અને કાંઠલો પકડવા સુધીની હરકત સાથે અભદ્ર વર્તન કરતા આ મહિલા કોમેન્ટ્રેટરે મેદાન છોડી દેવુ પડયાની સ્થિતિ સર્જાયાની ગરમાગરમ ચર્ચાઓ મ્યુનિસિપલ કોર્પોરેશનના વર્તુળોમાં ચાલી રહી છે.

આ અંગે કોર્પોરેશનની લોબીમાં ચર્ચાતી વિગતો મુજબ ગઈકાલે અમદાવાદ મેયર ઈલેવન અને રાજકોટ મેયર ઈલેવન વચ્ચે ટી-૨૦ ટ્વેન્ટી નાઈટ ક્રિકેટ ટૂર્નામેન્ટનો સેમી ફાઈનલ હતો આથી આ સેમી ફાઈનલ મેચને નિહાળવા મેયર, ડે. મેયર, શહેર ભાજપ પ્રમુખ, શહેર ભાજપ મહામંત્રીઓ, ધારાસભ્યો, મહિલા મોરચાના બહેનો, કોર્પોરેટર ભાઈઓ-બહેનો સહિતના આગેવાનો વી.આઈ.પી. લોન્જમાં બેસી મેચ નિહાળતા હતા. આ વી.આઈ.પી. લોન્જની બાજુમાં જ કોમેન્ટ્રેટર બોક્ષની વ્યવસ્થા હતી ત્યાંથી મહિલા કોમેન્ટ્રેટર મેચની કોમેન્ટ્રી દરમિયાન ઉપસ્થિત વી.આઈ.પી. મહેમાનોના નામ બોલી અને તેઓનું અભિવાદન કરી રહ્યા હતા.

આ દરમિયાન અહી ઉપસ્થિત ધારાસભ્ય અને કોર્પોરેટર બન્ને ફરજ એક સાથે નિભાવતા સામા કાંઠાના અગ્રણીનું નામ આ મહિલા કોર્પોરેટરે અટકના બદલે જ્ઞાતિવાચક શબ્દ સાથે બોલી અને અભિવાદન કરતા આ ધારાસભ્ય ઉકળી ઉઠયા હતા અને સ્થળ ઉપર જ મહિલા મેયર તથા મહિલા કોર્પોરેટરો તથા અન્ય મહિલાઓની હાજરીમાં જ ગાળાગાળી કરી હતી. તેમજ આ ધારાસભ્યના નજીકના ગણાતા એક કોર્પોરેટરે કોમેન્ટ્રેટર બોક્ષમાં જઈને મહિલા કોમેન્ટ્રેટરનો કાંઠલો પકડી અને અભદ્ર ભાષામાં ધમકાવ્યાની જોરદાર ચર્ચા જાગી છે.

આમ ગઈકાલની આ ઘટના શહેર ભાજપ તેમજ રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન માટે લાંછનરૂપ હોવાનું ચર્ચાય છે. જો કે ગઈકાલે આ મામલો વધુ વકરે અને મહિલા કોમેન્ટ્રેટર સાથે ધારાસભ્ય જુથ દ્વારા અભદ્ર વર્તનનો મામલો હોટ ઈસ્યુ બને તે પહેલા જ ભાજપના ફાયર ફાઈટર ગણાતા પૂર્વ મેયર અને હાલમાં પ્રદેશ કક્ષાએ મહત્વનો હોદ્દો ધરાવતા અગ્રણીએ પોતાના અનુભવ અને કુનેહના આધારે મામલો થાળે પાડયો હતો અને સ્થળ પર માફામાફી થઈ હતી.

જો કે આ ઘટના બાદ વી.આઈ.પી. લોન્જમાંથી મોટા ભાગના કોર્પોરેટરો તથા આગેવાનોએ મેદાન છોડી દીધુ હતુ અને ધારાસભ્ય પણ તાત્કાલીક સ્થળ છોડીને જતા રહ્યા હતા. આમ આ ઘટનાએ હાલ રાજકોટના રાજકારણમાં હલચલ મચાવી છે. જો કે આ બાબતે કોઈ ફરીયાદો થઈ નથી તેથી આ મામલા પર પડદો પાડી દેવાયાનું ચર્ચાય છે.

(3:20 pm IST)