રાજકોટ
News of Friday, 7th June 2019

નવદંપતિઓને હવે કોર્પોરેશન કચેરીના ધક્કા થશે બંધ

લગ્ન પ્રમાણપત્ર માટે ઘરબેઠા ઓનલાઇન ફોર્મ ભરી શકાશેઃ જરૂરી ડોકયુમેન્ટ આરોગ્ય વિભાગમાં રજુ કરી ખરાઇ કરાવી લેવાયા બાદ નવદંપતીઓને લગ્નનું પ્રમાણપત્ર તુરત જ સ્થળ પર જ આપી દેવાશે

રાજકોટ, તા., ૭: લગ્નનોંધનું પ્રમાણપત્ર મેળવવાનું હવે અત્યંત સરળ બનવા જઇ રહયું છે. હવે નવદંપતીઓને લગ્નનોંધ સર્ટી માટે કોર્પોરેશનની કચેરીએ અવાર-નવાર ધક્કા ખાવામાંથી મુકિત મળશે અને માત્ર એક જ ધક્કામાં લગ્નનોંધ  સર્ટી. આપી દેવાની સુચારૂ વ્યવસ્થા મ્યુ. કોર્પોરેશનનાં કોમ્પ્યુટર વિભાગ અને આરોગ્ય વિભાગ દ્વારા થઇ રહી આ નવી વ્યવસ્થા અમલમાં આવતા જ નવદંપતીઓ ઘેર બેઠા ઓનલાઇન લગ્નનોંધનાં ફોર્મ ભરી નોંધ કરાવી શકશે અને પછી કોર્પોરેશન કચેરીએ રૂબરૂ જઇને એક જ ધક્કામાં લગ્નનોંધ સર્ટી મેળવી શકાશે.

આ અંગે સતાવાર સુત્રોના જણાવ્યા મુજબ લગ્નનોંધ એટલે કે મેરેજ રજીસ્ટ્રેશનનાં સર્ટીફીકેટ મેળવવામાં નવદંપતીઓનાં નાકે દમ આવી જાય છે કેમ કે ફોર્મ ભર્યા બાદ અરજદાર દંપતીને અવાર નવાર કોર્પોરેશનનાં આરોગ્ય વિભાગનાં ધક્કા ખાવા પડે છે. જેને કારણે લગ્નનોંધ સર્ટી કાઢવાની વ્યવસ્થામાં ભ્રષ્ટાચાર અને સ્ટાફની ડાંડાઇની ફરીયાદો પણ અવાર નવાર ઉઠવા પામે છે અને અરજદાર નવદંપતીઓ ત્રાસી જાય એટલી હદે લગ્નનોંધ પ્રમાણપત્ર કઢાવવું મુશ્કેલ છે. દરમિયાન હવે નવદંપતિઓને લગ્નનોંધ            માટે અવારનવાર કોર્પોરેશન કચેરીનાં ધક્કા બંધ થાય અને આ વિભાગમાં ભ્રષ્ટાચારને પણ લગામ આવે તે માટે તંત્ર વાહકોએ લગ્ન નોંધનાં ફોર્મ ઇન્ટરનેટ-કોમ્પ્યુટરના માધ્યમથી ઘેર બેઠા અરજદાર નવદંપતી ભરી શકે તેવી નવી વ્યવસ્થા ટુંક સમયમાં અમલમાં મુકવામાં આવનાર છે આ નવી વ્યવસ્થા અમલી બન્યા બાદ અરજદાર નવદંપતી ઓનલાઇન મેરેજ રજીસ્ટ્રેશન ફોર્મ ભરીને ત્યાર બાદ કોર્ર્પોરેશનાં આરોગ્ય વિભાગમાં રૂબરૂ જઇને ફોર્મ સાથે રજુ કરવાના થતા લગ્નનાં આધાર પુરાવાનાં દસ્તાવેજોની રજીસ્ટ્રાર પાસે રૂબરૂ ખરાઇ કરાવી લેશે એટલે તુરત જ સ્થળ પર અરજદાર નવદંપતીને લગ્ન નોંધ પ્રમાણપત્ર આપી દેવાશે. આથી હવે લગ્નનોંધમાટે અવાર-નવાર ધક્કા  ખાવામાંથી મુકિત મળશે.

વોર્ડ ઓફીસેથી જન્મ-મૃત્યુ નોંધ  પ્રમાણ પત્ર વિતરણની યોજના હજુ કાગળમાં

રાજકોટઃ ૧પ દિવસ અગાઉ મ્યુ. કમિશ્નર બંછાનીધી પાનીએ દરેક વોર્ડ ઓફીસેથી જન્મ-મૃત્યુ નોંધ પ્રમાણપત્ર વિતરણની વ્યવસ્થા શરૂ કરવાની જાહેરાત કરી હતી. પરંતુ આજ દિન સુધી હજુ એક પણ વોર્ડ ઓફીસેથી જન્મ-મૃત્યુ નોંધનાં પ્રમાણપત્ર અપાતા નથી. આમ આ યોજના હજુ કાગળમાં જ હોવાનું લોકમુખે ચર્ચાઇ રહયું છે.

(3:20 pm IST)