રાજકોટ
News of Friday, 7th June 2019

ગૌહત્યા વિરોધી કડક કાયદો જરૂરીઃ પૂ. ચિત્રલેખાજી

હરિયાણાના ગૌભકત-કથાકાર ચિત્રલેખાદેવી 'અકિલા'ના આંગણે : નરેન્દ્રભાઇ મોદીની સરકાર પર ખૂબ આશા છે, રાષ્ટ્રીય સ્તરે ગૌ માતાને સુરક્ષિત-સન્માનિત ઘોષિત કરાશે કળિયુગમાં હરિનામ જાપ ખૂબ અગત્યનું છે : માત્ર ૪ વર્ષની વયે દીક્ષા લીધીઃ દેશ-વિદેશમાં પ્રચાર

'અકિલા'ના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા સાથે  યુવા કથાકાર-ગૌ ભકત પૂ. ચિત્રલેખા દેવી, તેમના માતા-પિતાશ્રી તીકામામજી અને વ્રજલતાજી,  ભાભી રાધિકાજી, કથા આયોજક હરિભાઇ મનસુખભાઇ સેજપાલ, વિજયભાઇ રાચ્છ, એ વખતે અકિલા કાર્યાલયે ઉપસ્થિત રાજકોટના પૂર્વ મેયર  જનકભાઇ કોટક વગેરે નજરે પડે છે. (તસ્વીર સંદિપ બગથરીયા)

રાજકોટ તા. ૬ :  મુળ હરિયાણાના અને વિશ્વ સ્તરે લોકપ્રિય ભાગવત કથાકાર, ગૌભકત પૂ. ચિત્રલેખાજી આજે 'અકિલા' ની મુલાકાતે પધાર્યા હતાં. તેઓએ જણાવ્યું હતું કે, રાષ્ટ્રીય સ્તરે ગૌહત્યા વિરોધી કડક કાયદો જરૂરી છે.

ચિત્રલેખાજીના વ્યાસાસને ગોંડલમાં રાત્રી ભાગવત કથા ચાલી રહી છે. હજારો લોકો ઉમટે છે ચિત્રલેખાજી કહે છે કે, ફરીથી મોદી સરકાર રચાઇ છે અને વધારે શકિતશાળી બનીને આવી છે ત્યારે અપેક્ષા છે કે, ગૌરક્ષા અને ગૌસન્માન માટે નિર્ણાયક કાનૂન બનાવશે અને તેનો અમલ પણ કરશે. ઉપરાંત દેશભરમાં ગૌચરો પર દબાણ થયા છે એ દૂર થાય તો ગાયમાતા બચી જશે. ગૌચરો ધમધમતા થાય તો ગૌશાળાની પણ જરૂર ન રહે.

ચિત્રલેખાજી કહે છે કે, ગાયને માત્ર સુરક્ષિત કરવાની નથી, ગૌમાતાને સન્માન પણ આપવાનું છે. ગુજરાત સહિતના રાજયમાં ગૌહત્યા પ્રતિબંધિત છે, પરંતુ ગેરકાયદે ગૌહત્યાઓ થતી હોય તો તેના પર એવા તકલાદી કાનુનનો કોઇ અર્થ નથી. કડક અમલ પણ જરૂરી છે. ભારત ગૌમાતાનો દેશ છે. ગૌહત્યા રાષ્ટ્રનું કલંક  ગણાય. ગાય બચશે તો જ ધર્મ બચશે અને માનવ જાત બચશે.

ચિત્રલેખા દેવીજી હરિનામ પ્રચાર પણ કરે છે. તેઓ કહે છે કે, કળિયુગમાં નામ-જાપ શ્રેષ્ઠ છે. જે દેવી-દેવતા પર શ્રદ્ધા હોય તેનું સતત નામ સ્મરણ કરવું જોઇએ.

હરિયાણાના ગૌસેવિકા ચિત્રલેખા દેવીના વ્યાસાસને ગોંડલમાં કથા ચાલે છે . માત્ર ચાર વર્ષની વયે તેમણે દીક્ષા લીધી હતી. ચિત્રલેખાજી દેશભરમાં યાત્રા કરીને ભાગવત પ્રચાર કરે છે. ગૌમાતા માટે હોસ્પિટલ અને રિસર્ચ સેન્ટર નિર્માણ કરેલ છે.

ગોંડલ ખાતે ચાલી રહેલ કથાની પૂર્ણાહુતિ આડે ૪ દિવસ રહ્યા છે. માત્ર રર વર્ષના પ્રખર ભાગવત કથાકાર પૂ. ચિત્રલેખા દેવીજીને સાંભળવા એ અનેરો લ્હાવો છે. ગોંડલ ખાતેની કથામાં હજારો ભાવિક ભાઇ-બહેનો રાત્રે ૯ થી ૧ર વચ્ચે કથાશ્રવણનો અનેરો લ્હાવો લઇ રહ્યા છે.

તેઓ વર્ષો પૂર્વે સૌરાષ્ટ્ર આવી ગયા છે અને ગુજરાતમાં સંખ્યાબંધ કથાઓ તેઓશ્રીએ કરી છે.

પૂ. ચિત્રલેખાદેવીજીએ ગાયો માટે અતિ આધુનિક સર્વ સુવિધા સંપન્ન હોસ્પિટલનું નિર્માણ પણ કર્યું છે.

ચિત્રલેખાજીએ અમેરિકા, આફ્રિકા, લંડન, કેનેડા વગેરે દેશોમાં ભાગવત પ્રચાર કર્યો છે.

દેવી ચિત્રલેખાજીનો જન્મ ૧૯૯૭ના દિને હરિયાણાના પલવલ જિલ્લામાં બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. વ્રજભુમિના દિવ્ય સંસ્કારો બાળપણથી જ પ્રગટયા હતા.

ચિત્રલેખાજીએ માત્ર નાની વયે બંગાળી સંત શ્રી ગિરધારીદાસ પાસેથી દીક્ષા સંસ્કાર લીધા હતા. તેમનો આખો પરિવાર શિક્ષીત છે.

પૂ. ગુરૂદેવ ગિરધારીદાસ બાબાએ કહયું હતું કે ચિત્રલેખા દેવીને ભણાવવાની જરૂર નથી, તે પૂર્વ જન્મથી જ શિક્ષીત બનીને આવી છે. જો કે ચિત્રલેખાજીએ ધો.૧ર પાસ કર્યુ છે અને આ ઉમરે અભ્યાસ ચાલી રહયો છે.

ચિત્રલેખાજીનો આગ્રહ છે કે દરેક વ્યકિતએ 'હરે કૃષ્ણ, હરે કૃષ્ણ કૃષ્ણ હરે, હરે, હરે રામ હરે રામ રામ હરે હરે' આ મહામંત્રની ૧૬ માળા દરરોજ કરવી જોઇએ. તેઓએ જણાવ્યું  હતું કે તમે જે કોઇ દેવી-દેવતાને માનતા હોય તેઓનું નામ સ્મરણ કરતા રહો, કળિયુગમાં આ સાધના બ્રાહ્ય છે. ચિત્રલેખાજી ગૌ સેવામાં સતત વ્યસ્ત રહે છે. તેઓની સંસ્થાનો સંપર્ક ગૌ ધામ હોસ્પિટલ, એન.એચ. ર, હોડલી જિલ્લો પલવલ, હરિયાણા. મો. ૦૯૯૯૧૭ ૭૧૧૧૧/૦૯૯૯૧૭ ૭૫૫૫૫ નંબરો પર સંપર્ક થઇ શકે છે

ઇ-મેઇલઃ

devichitralekha@yahoo.com

જીન્સ ભલે પહેરો, કયારેક ધોતી પણ પહેરો

યુવાવર્ગને સંસ્કૃતિ જાળવવાની ફરજ ન પાડો, તેમની માત્ર સમજ આપોઃ ગણીત-વિજ્ઞાન સાથે આધ્યાત્મીક શિક્ષણ

પણ જરૂરીઃ ગોંડલની કથા ભાવેશભાઇ તથા મનન ભોજાણી દ્વારા યુટયુબ પર જીવંત પ્રસારણ

રાજકોટ, તા., ૬: ચિત્રલેખા દેવી કહે છે કે, યુવા વર્ગને સંસ્કૃતિ જાળવવાની ફરજ ન પાડો તેને સમજ આપો. આ વર્ગ જીન્સ ભલે પહેરે, પરંતુ કયારેક ધોતી પહેરવાનું પણ શીખવો. મોબાઇલથી દુર કરવાને બદલે યુવાવર્ગને કયારેક ગીતાજી વાંચતા પણ કરો. બળજબરીથી કામ નહી ચાલે સમજદારીથી કામ થશેે.

ચિત્રલેખાજી કહે છે કે, આધુનિક વિષયોનું શિક્ષણ જરૂરી છે જ પણ ગણિત, વિજ્ઞાન સાથે આધ્યાત્મીક શિક્ષણ અનીવાર્ય છે. ગોંડલમાં ચાલતી કથા અચુક માણવા જેવી છે. આ કથાનું જીવંત પ્રસારણ અકિલાના પ્રતિનિધિ ભાવેશ ભોજાણી અને મનન ભોજાણી દ્વારા યુ-ટયુબ પર થાય છે. કથાનો સમય રાત્રીના ૯ થી ૧રનો છે. અચુક લાભ લેજો.

(11:45 am IST)