રાજકોટ
News of Friday, 7th June 2019

ચૌધરી હાઇસ્કુલ સામે મહારાજા એપાર્ટમેન્ટના પાંચમા માળે સિંધી પરિવારના બંધ ફલેટમાં આગઃ ઘરવખરી ખાક

સુગનુમલ જાગનાણી પત્નિ સાથે કથામાં ગયા હતાઃ શોર્ટ સરકીટથી આગ લાગ્યાનું તારણઃ ફાયરબ્રિગેડે એક કલાકે આગ કાબુમાં લીધી

રાજકોટ :. ચૌધરી હાઇસ્કુલ સામે આવેલા મહારાજા એપાર્ટમેન્ટના પાંચમા માળે સિંધી પરિવારના બંધ ફલેટમાં આગ લાગતા નાસભાગ મચી ગઇ હતી. બનાવ બનતા આસપાસના લોકો એકઠા થઇ ગયા હતાં. અને અંકુરભાઇ નામના વ્યકિતએ જાણ કરતા ફાયર બ્રિગેડ સ્ટાફ ચાર ફાયર ફાઇટર સાથે ઘટના સ્થળે પહોંચી ફલેટનો દરવાજાનો લોક તોડી બાદ એકાદ કલાક સુધી પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લીધી હતી. ફલેટ માલીક સુગનુમલભાઇ જાગનાણી પત્ની સાથે કથામાં ગયા હોઇ, કોઇએ જાણ કરતા તેઓ તાકીદે દોડી આવ્યા હતાં. આગમાં પડદા, લાકડાના સોફા, પંખા, વાયરીંગ અને પીઓપી સહિતની ઘર વખરી બળી ગઇ હતી. આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનું મકાન માલીકે જણાવ્યું હતું. આ બનાવમાં કોઇ જાનહાની થઇ નથી.

(3:30 pm IST)