રાજકોટ
News of Thursday, 7th June 2018

રૂ. ૪૩ લાખના તેલના ડબ્બાની ઠગાઇના ગુનામાં બે આરોપીના આગોતરા જામીન રદ

આ બનાવ અંગે રાજમોતી મીલના માલીક સમીર શાહ ટ્રક ડ્રાઇવરો સહિત કુલ ૯ સામે ફરીયાદ થયેલ હતી

રાજકોટ તા. ૭: અહીંના ભાવનગર રોડ ઉપર આવેલ રાજમોતી ઓઇલ મીલ અને ગોંડલ રોડ ઉપર આવેલ મારૂતિ પ્રોટીન્સમાંથી રૂ. ૪૩ લાખના તેલના ડબ્બાઓ ટ્રક મારફત જુદા જુદા સ્થળોએ રવાના થયાં બાદ આ લાખોનો માલ બારોબાર વેચી નાખી મુળ જગ્યાએ નહિં મોકલીને ઠગાઇ, વિશ્વાસઘાત કરવાના ગુનામાં સંડોવાયેલા કુલ ૯ આરોપીઓ પૈકીના બે આરોપીઓ અહીંના થોરાળા વિસ્તારમાં રહેતા મોહનભાઇ બાવાભાઇ પરમાર અને આંબેડકરનગરમાં રહેતા ચંદુભાઇ ઘેલાભાઇ રાઠોડે સંભવિત ધરપકડ સામે આગોતરા જામીન મેળવવા કરેલ અરજીને સેસન્સ કોર્ટે નકારી કાઢી હતી.

આ બનાવ અંગે અત્રે નાના મવા રોડ ઉપર આવેલ શ્રી કોલોનીમાં રહેતા જેન્તીભાઇ અમૃતભાઇ ડેડાણીયાએ પોલીસમાં ફરીયાદ નોંધાવી હતી જેમાં રાજમોતી મીલના માલીક સમીર શાહ સહિત ૯ આરોપીઓ સામે ફરીયાદ નોંધાવી હતી.

આ કામના ફરીયાદીએ ઉપરોકત માલ મંગાવેલ હતો. પરંતુ તેઓને માલ નહિં પહોંચાડીને આ માલ બારોબાર અન્યને વેચી નખાતા ફરીયાદીએ રાજમોતી મીલના માલીક સમીર શાહ અને ટ્રક ડ્રાઇવરો સહિત કુલ ૯ સામે ફરીયાદ કરી હતી. ફરીયાદી મારૂતિ પ્રોટીન્સના નામે ધંધો કરતાં હોય આ માલ વલસાડ, સુરત, નવસારી મોકલવા રવાના કરેલ હતાં. પરંતુ માલ બારોબાર વેચી નાખ્-યો હતો.

આ ગુનામાં ઉપરોકત બંને આરોપીઓએ આગોતરા જામીન મેળવવા અરજી કરતાં એ.પી.પી. તરૂણભાઇ માથુરે કરેલ રજુઆત અને ગુનાની ગંભીરતાને ધ્યાને લઇને સેસન્સ કોર્ટે આગોતરા જામીન અરજીને નકારી કાઢી હતી. આ ગુનામાં અગાઉ રાજમોતી મીલ વાળા સમીર શાહ અને શ્યામભાઇ મધુકાંત શાહે આગોતરા જામીન અરજી કરી હતી.

આ કામમાં સરકાર પક્ષે એ.પી.પી. શ્રી તરૂણભાઇ એસ. માથુર રોકાયા હતાં.

(4:32 pm IST)