રાજકોટ
News of Thursday, 7th June 2018

નકલી માર્કશીટના કૌભાંડમાં ક્રાઇમ બ્રાંચની જયપુર અને રાજસ્થાનની યુનિવર્સિટીમાં તપાસ

આમ્રપાલી પાસે વે ટુ લર્ન કલાસીસના સંચાલક પ્રકાશ ગોહેલને બે મહિના પહેલા પકડાયો હતો : જયપુર યુનિવર્સિટીની એક ડીગ્રી સાચી નીકળીઃ તેની પાસે આન્સર પેપર મંગાયું: સિંધાનીયા યુનિવર્સિટીની પાંચ ડીગ્રી બાબતે વેકેશન બાદ વિગતો અપાશેઃ કાનપુર, વારાણસી, અલાહાબાદ સુધી તપાસનો દોર લંબાશે

રાજકોટ તા. ૭ : બે મહિના પહેલા ક્રાઇમ બ્રાંચ રૈયા રોડ આમ્રપાલી સામે વે ટુ લર્ન-સનરેયઝ નામના કલાસીસમાં દરોડો પાડી અલગ-અલગ રાજ્યોની યુનિવર્સિટીની નકલી માર્કશીટ વેંચવાનું કૌભાંડ ઝડપી લઇ કલાસીસના સંચાલક કુવાડવા રોડ પર રહેતાં પ્રકાશ ગોવિંદભાઇ ગોહેલ (સગર)ની ધરપકડ કરી હતી. તેની તપાસમાં વડોદરાના પંકજ સંઘવી, અંકલેશ્વરના હિતેષ પટેલ સહિતના નામો ખુલ્યા હતાં. હાલ આ કેસની તપાસ માટે ક્રાઇમ બ્રાંચની ટુકડી જયપુર અને રાજસ્થાનમાં પહોંચી છે. જ્યાં બે યુનિવર્સિટીમાં તપાસ કરી છે.

જાણવા મળ્યા મુજબ પીએસઆઇ એચ. બી. ધાંધલ્યા અને ટીમે જયપુર ખાતે નેશનલ યુનિવર્સિટીમાં તપાસ કરી છે. કબ્જે થયેલી માર્કશીટ અને ડીગ્રીમાં એક ડીગ્રીઆ યુનિવર્સિટીની હતી. ત્યાં તપાસ થતાં આ ડીગ્રી સાચી હોવાનું જણાવાયું છે. જો કે પોલીસે ખરાઇ કરવા આન્સર પેપર માંગ્યું છે. જે દસેક દિવસ બાદ આપવામાં આવશે. આ ઉપરાંત રાજસ્થાનની સિંઘાનીયા યુનિવર્સિટીમાં પણ તપાસ કરવામાં આવી છે. જ્યાંની પાંચ ડીગ્રી છે. જો કે હાલમાં અહિ વેકેશન હોઇ થોડા દિવસ પછી માહિતી અપાશે.

ટૂકડી હવે પછી કાનપુર, વારાણસી અને અલાહાબાદ ખાતેની યુનિવર્સિટીમાં પહોંચીને તપાસ કરશે તેમ જાણવા મળ્યું છે.

(4:23 pm IST)