રાજકોટ
News of Thursday, 7th June 2018

જનરલ બોર્ડમાં પ્રશ્નોની ઝડી વરસશે...

ડિમોલીશન-ડ્રેનેજની ગંદકી સહિતનાં મુદ્દે કમિશ્નર પર તડાપીટ બોલશે

૧૫મીના બોર્ડમાં ભાજપના ૧૦ અને કોંગ્રેસના ૧૮ કોર્પોરેટરોના કુલ ૩૨ પ્રશ્નોઃ સૌ પ્રથમ મહિલા કોંગી કોર્પોરેટરના બજેટ, ડિમોલીશન અને રસ્તા નામકરણના પ્રશ્નો ચર્ચાશેઃ મેયરની ચૂંટણી તથા વોટર રીસાયકલીંગ નિયમો અને વેરા વળતર યોજનાની દરખાસ્તો

રાજકોટ, તા., ૭: આગામી તા.૧પ જુને મ્યુ. કોર્પોરેશનનું જનરલ બોર્ડ યોજાનાર છે. જેમાં ભાજપ-કોંગ્રેસના કુલ ૧૮ કોર્પોરેટરો દ્વારા પ્રશ્નો પુછવામાં આવનાર છે. જેમાં શહેરમાં થયેલ ડીમોલીશન તેમજ ભુગર્ભ ગટર (ડ્રેનેજ)ની સફાઇના અભાવે થઇ રહેલી ગંદકી સહીતના વિવિધ પ્રશ્નો રજુ થશે. સૌ પ્રથમ કોંગ્રેસના મહિલા કોર્પોરેટર દ્વારા પુછાયેલ ડીમોલીશન, બજેટની યોજનાઓ  અને રોડના નામકરણ સહિતના પ્રશ્નોની ચર્ચા થશે. તેમજ બોર્ડના એજન્ડામાં સમાવિષ્ટ નવા મેયરની ચુંટણી, સ્ટેન્ડીંગ કમીટીના ૧ર સભ્યોની નિમણુંક તથા ડેપ્યુટી મેયરની ચુંટણી  તથા અન્ય ૧૫ ખાસ સમીતીઓની રચના તેમજ વેરામાં વળતર યોજનાની મુદત લંબાવવા તથા સુએજ ટ્રીટમેન્ટ પ્લાનના શુધ્ધ કરેલ પાણીનો પુનઃ વપરાશ (વોટર રી-સાયકલીંગ) સહીત ૬ દરખાસ્તો અંગે બોર્ડમાં નિર્ણય લેવાશે.

જાગૃતીબેન ડાંગર

કોંગ્રેસના વોર્ડ નં. ૧૩ ના કોર્પોરેટર જાગૃતીબેન ડાંગર દરા ગાર્ડન શાખાના બજેટ અંગે, ર૦૧૬થી ૩૧મી મે-ર૦૧૮ સુધીમાં ડીમોલીશન અંગે અપાયેલ નોટીસો તથા કોર્પોરેશન દ્વારા વિવિધ પ્રસ્તાવોના નામકરણો અંગે રીઝર્વ પ્લોટો અંગેના પ્રશ્નો રજુ થયા છે.

ઘનશ્યામસિંહ જાડેજા

વોર્ડ નં. ૧૩ના કોંગ્રેસના કોર્પોરેટર ઘનશ્યામસિંહ જાડેજાએ જીવરાજ પાર્કની બાજુમાં મંજુર થયેલ ૩ બ્રીજના કામો વિલંબ અંગે તથા જીવરાજ પાર્કમાં સફાઇ અંગેના પ્રશ્નો રજુ થયા છે.

મનસુખભાઇ કાલરીયા

વિપક્ષ કોંગ્રેસના ઉપનેતા અને વોર્ડ નં. ૧૦ના કોર્પોરેટર મનસુખભાઇ કાલરીયાએ કોર્પોરેશનની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના પરીણામ અંગે તથા દુષીત પાણી અંગે, કાર્પેટ વેરાના બીલ નહિ મળવા અંગે વિ. પ્રશ્નો રજુ કરાયા છે.

વશરામભાઇ સાગઠીયા

વિપક્ષી નેતા વશરામભાઇ સાગઠીયાને શહેરમાં કેટલા ડીમોલીશન થયા? તથા કેટલી નોટીસો અપાઇ? તે અંગે તેમજ શહેરમાં ઓપો અને વીવો મોબાઇલ કંપનીના કેટલા હોર્ડીંગ બોર્ડ લાગેલા છે? કેટલાની મંજુરી છે? કેટલાનો દંડ વસુલ્યો? વિગેરે પ્રશ્નો રજુ થયા છે.

ભાનુબેન સોરાણી

જયારે કોંગ્રેસના વોર્ડ નં. ૧પ ના કોર્પોરેટર ભાનુબેન સોરાણીએ ડીમોલીશન અંગે કેટલી નોટીસ અપાઇ છે? તથા ટીપી વિભાગે કેટલા મકાનોને કંમ્પલીશન સર્ટીફીકેટ આપ્યા છે? વિગેરે પ્રશ્નો રજુ કર્યા છે.

ભાજપના ૧૦ કોર્પોરેટરોએ પુછેલા પ્રશ્નો

૧પ મીએ મળનાર જનરલ બોર્ડમાં ભાજપના વિજયાબેન વાછાણીએ પાણી વિતરણ અંગે તથા અજયભાઇ પરમારે જગ્યા રોકાણ બાબતે, જયૈમીનભાઇ ઠાકરે બાંધકામ, બાગ-બગીચા, રોશની અને ફાયર બ્રિગેડને લગત પ્રશ્નો રજુ કર્યા તથા દલસુખભાઇ જાગાણીએ બાગ-બગીચા, વર્ષાબેન રાણપરાએ ટાઉન પ્લાનીંગ, અશ્વીન ભોરણીયાએ રોશની વિભાગ, શિલ્પાબેન જાવીયાએ બાંધકામ વિભાગ અને બીનાબેન આચાર્યએ વેરા વસુલાત તથા આવાસ યોજના અંગે તથા અનિતાબેન ગોસ્વામીએ સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ અંગે વિગેરે સહિત ૧૦ કોર્પોરેટરોએ ૧૩ પ્રશ્નો રજુ કર્યા છે.

આમ આગામી જનરલ બોર્ડમાં ભાજપ અને કોંગ્રેસના કુલ ૧૮ કોર્પોરેટરોએ ૩ર પ્રશ્નો પુછયા છે. પરંતુ તે પૈકી માત્ર પ્રથમ પ્રશ્નની જ ચર્ચા થઇ શકશે. કેમ કે એજન્ડામાં મેયર સહિતના પદાધિકારીઓની ચુંટણીની દરખાસ્ત પણ છે.

કમિશ્નરના પીએ કુકડીયાની સંપત્તિ કેટલી?: પ્રશ્ન માટે કોંગ્રેસની માથાકુટ

રાજકોટ, તા., ૭: આગામી ૧પ મી તારીખે મળનાર જનરલ બોર્ડમાં કોંગ્રેસના વોર્ડ નં. ૩ ના કોર્પોરેટરો અતુલ રાજાણી, દિલીપ આસવાણી અને ગીતાબેન પુરબીયા  દ્વારા મ્યુનીસીપલ કમિશ્નરના ટેકનીકલ પીએ જે.ડી.કુકડીયાની પાસે કેટલી મિલ્કતો છે? તેની સતાવાર જાહેર કરેલ વિગતો આપવા તથા તેઓનો મહિને કેટલો પગાર છે? કેટલું ભથ્થુ અપાય છે? તે બાબતના પ્રશ્નો રજુ કર્યા છે. દરમિયાન પ્રાપ્ત માહીતી મુજબ આ પ્રશ્નો કોર્પોરેટર અતુલભાઇ રાજાણી, રૂબરૂ  સેક્રેટરીને પહોંચાડી નહિ શકતા તેઓએ અન્ય વ્યકિત મારફત સેક્રેટરી શ્રી રૂપારેલીયાને આ પ્રશ્નો રજુ કરતા સેક્રેટરીશ્રીએ  પ્રશ્નો લેવાની ના પાડતા સેક્રેટરી અને કોર્પોરેટર અતુલભાઇ વચ્ચે ફોન ઉપર તડાપીટ બોલી હતી. જો કે બાદમાં મામલો થાળે પડતા પ્રશ્નો સ્વીકારાયા હતા.

(4:19 pm IST)