રાજકોટ
News of Thursday, 7th June 2018

સિવિલ હોસ્પિટલમાં સિકયુરીટી ગાર્ડ અને તબિબ પર હુમલો કરનાર ગોંડલનો વિજય સારોલીયા ઝડપાયો

વોર્ડમાં જગ્યા ન હોઇ નીચે બેડ આપવામાં આવતાં દર્દીનો સગો વિફર્યોઃ એક વખત ડખ્ખો કરી ભાગેલા કુબલીયાપરાનો વિજય સારોલીયા બીજી વખત છરો લઇ ડોકટરને મારવા આવતાં સિકયુરીટી જવાનોએ જ દબોચી લઇ પ્ર.નગર પોલીસને સોંપ્યો

રાજકોટ તા. ૭: સિવિલ હોસ્પિટલમાં મોડી રાત્રે વોર્ડ નં. ૭માં ગોંડલના એક દર્દી રવિ જેરામભાઇ (ઉ.૨૩)ને ઉલ્ટીઓ થતી હોઇ સારવાર માટે દાખલ કરવામાં આવતાં  એકેય બેડ ખાલી ન હોઇ ડોકટરે તેને નીચે બેડ આપ્યો હતો. આ કારણે આ દર્દીની સાથેના શખ્સે ગમે તેમ કરીને અને બીજા દર્દીને નીચે ઉતારીને બેડ આપવાની જીદ પકડી ગાળાગાળી કરી ઝઘડો કરતાં સિકયુરીટી ગાર્ડ મારફત જાણ થતાં નાઇટ સુપરવાઇઝર ભીમાભાઇ કરસનભાઇ કટારીયાં  (ઉ.૪૫-રહે. ગાંધીગ્રામ) તથા અન્ય ગાર્ડ ધર્મેશ જયસિંહ નકુમ (ઉ.૩૨-રહે. વિજય પ્લોટ) દોડી ગયા હતાં. પણ ઝઘડો કરનાર શખ્સ આ બંને પર લાકડીથી તૂટી પડ્યો હતો અને દર્દી રવિને લઇ ભાગી ગયો હતો.

ભીમાભાઇ અને ધર્મેશને ઇજા થઇ હોઇ સિકયુરીટી ઇન્ચાર્જ ગિરીરાજસિંહ રાઠોડે તેમને ઇમર્જન્સી વોર્ડમાં ખસેડ્યા હતાં અને પોલીસને જાણ કરી હતી. બાદમાં ફરીથી તેઓ બીજા ગાર્ડ સાથે વોર્ડ નં. ૭માં આટો મારવા જતાં ઝઘડો કરી ભાગી ગયેલો શખ્સ મોટા છરા સાથે આવ્યો હતો અને ડોકટરને મારી જ નાંખવા છે તેવા બરાડા પાડી અંદર ઘુસી ગયો હતો. આ વખતે તેને સિકયુરીટીએ છરા સાથે દબોચી લઇ પોલીસને સોંપ્યો હતો.

પ્ર.નગરના એએસઆઇ રાણાભાઇ ચીહલાએ ભીમાભાઇ કટારીયાની ફરિયાદ પરથી કુબલીયાપરા બોમ્બે બેકરી પાછળ થોરાળામાં રહેતાં વિજય સવજીભાઇ સારોલીયા (દેવીપૂજક) (ઉ.૩૫) સામે ગુનો નોંધી તેની ધરપકડ કરી છે. તસ્વીરમાં ઇજાગ્રસ્ત સિકયુરીટી સુપરવાઇઝર ભીમભાઇ તથા ઝડપી લેવાયેલો હુમલાખોર વિજય અને તેની પાસેથી મળેલો મોટો છરો જોઇ શકાય છે. (૧૪.૬)

(11:53 am IST)