રાજકોટ
News of Friday, 7th May 2021

રાજકોટ ૬૦ % ખુલ્લુ, માત્ર ૪૦ % બંધઃ અધકચરૂ લોકડાઉન મંજુર નથી

એક અઠવાડીયાના અધકચરા લોકડાઉન બાદ બીજુ અઠવાડીયુ ઝીંકી દીધુ.. અને હવે ત્રીજાની તૈયારી...... : રાજકોટના વેપારી મંડળો કહે છે આપણો મુખ્ય હેતુ કોરોના સંક્રમણ ચેઇન તોડવાનો છે, તે તો થતુ નથી, ઉલ્ટાના કેસ વધી રહયા છેઃ સંપૂર્ણ લોકડાઉન રાખો અથવા તો તમામ દુકાનો ખુલ્લી રાખવા મંજુરી આપોઃ દુકાનદારોએ વ્યથા ઠાલવી

રાજકોટ તા.૭: રાજ્ય સરકારે કોરોનાની ચેઇન તોડવા માટે રાજકોટ સહિત અનેક શહેરોમાં મીની લોકડાઉન લાગુ કર્યુ છે. મીની લોકડાઉનના સમયાગાળામાં રાજ્ય સરકાર દ્વારા આવશ્યક ચીજ-વસ્તુઓના નામ હેઠળ અનેક વેપાર-ધંધા ચાલુ રાખવાની છૂટ આપી છે જ્યારે માત્ર ગણ્યા-ગાંઠ્યા વેપાર-ધંધા જ બંધ રાખવાની ફરજ પાડવામાં આવી છે જે સામે વેપારીઓએ પોતાનો વાંધો દર્શાવ્યો છે અને એવું જણાવ્યું છે કે જો કોરોનાને ઠંડો પાડવો હોય તો અધકચરા લોકડાઉનના બદલે સંપૂર્ણ લોકડાઉન લાગુ કરવુ જોઇએ. ૬૦ ટકા જેટલા વેપાર-ધંધાને છૂટ આપી માત્ર ૪૦ ટકા જેટલા વેપાર-ધંધા બંધ રાખવાથી કોરોના કાબુમાં નહીં આવે તેવુ વેપારીઓએ જણાવ્યું છે.

કોરોનાએ ધંધા રોજગાર ઉપર માઠી અસર કરી છે. એમાં પણ નાના દુકાનદારો વધુ મુશ્કેલીમાં મુકાયા છે. તંત્ર દ્વારા અમુક ધંધાઓ ચાલુ રાખવા જયારે અમુક ધંધા બંધ રાખવા સામે રાજકોટના સાતેક જેટલા વેપારી મંડળીએ અધકચરૂ લોકડાઉન મંજુર ન હોવાનો સુર વ્યકત કર્યો હતો. કારખાનાઓ પણ ચાલુ છે.

 રાજકોટના વેપારીઓની મીંટીંગમાં  જણાવ્યુ કે,  ૪૦ ટકા રાજકોટ બંધ છે,  ૬૦  ટકા ખુલ્લુ  છે.  લોકો  બેફામ બનીને  રોડ ઉપર અવર જ્વર  કરે છે.   શાકમાર્કેટ,  દાણાપિઠ,  કારખાનાઓ   વિ.  ખુલ્લા  છે.    ફકત  નાના  કાપડના વેપારીઓ, રેડીમેઇડ ગારમેન્ટ, બૂટ  ચંપલ,  દરજી,  પાર્લર    વિ. બંધ છે. 

તો પછી  આપણો મુખ્ય હેતુ  કોરોના  ના સંક્રમણ / ચેઇન  તોડવાનો છે,  તે તો  થતું નથી.  ઉલ્ટાના  કેસ વધી રહેલ  છે.  તંત્ર દ્વારા એક અઠવાડિયાંના અધકચરા લોકડાઉન  બાદ બીજુ અઠવાડિયું  ઝીકી દીધુ.....!   અને ત્યાર બાદ  ત્રીજુ......  આમા  મરો તો  નાના વેપારીઓનો જ છે.

વેપારીઓએ વધુમાં કહેલ કે અમારુ  ખાસ સરકારશ્રીને અને અધિકારીઓને     કહેવું  છે  કે,   સંપુર્ણ  લોકડાઉન  કરો  અને કોરોનાની   ચેન તોડી  લોકોને  મોતના મુખમાંથી બચાવો. આવા  અધકચરા  લોકડાઉન  અમોને મંજુર  નથી.

દુકાનદારો વધુમાં વસવસો વ્યકત કરતા જણાવેલ કે અધકચરા લોકડાઉનથી સંક્રમણ ઘટશે નહિ, જેથી તમામ ક્ષેત્રે લોકડાઉન રાખો અથવા તો તમામ દુકાનો ખોલવા મંજુરી આપો.

હાલ વેપાર ધંધા બંધ હોય દુકાનદારો તેના માણસોને પગાર પણ ચુકવી શકતા નથી. લોનના હપ્તા ચડત થઇ ગયા છે.

 આ મીટીંગમાં હોલસેલ ટેકસ-ટાઇલ મરચન્ટ એસોસીએશન, લાખાજીરાજ રોડ મરચન્ટ એસોસીએશન, ધર્મેન્દ્ર રોડ વેપારી એસો., દિવાનપરા વેપારી એસો., રાજકોટ રીટેલ રેડીમેઇડ ગાર્મેન્ટ એસો., કોઠારીયા નાકા વેપારી એસો., ગુંદાવાડી વેપારી એસો.ના પ્રતિનિધિઓ તેમજ હિતેષભાઇ અનડકટ, દિનેશભાઇ ધામેચા, રૂપેશભાઇ રાચ્છ, પરેશભાઇ વસંત, હિતેષભાઇ નાગરેચા, પંકજભાઇ બાટવીયા, જે.કે. પોપટ, મહેશભાઇ મહેતા અને વ્યોમેશ ડ્રેસવાલા વિ. હાજર રહયા હતા.

આ વેપારીઓની મળેલ મીટીંગ બાદ દુકાનદારોએ પોલીસ તંત્ર સમક્ષ પણ સ્તવરે કરવા રજુઆત કરી હતી. તસ્વીરમાં દુકાનદારો નજરે પડે છે. (તસ્વીરઃ અશોક બગથરીયા)

(3:14 pm IST)