દારૂના ધંધાર્થી મિત્ર સાથે સંબંધ તોડી નાખતા છરીથી હુમલોઃ હુમલાખોરમાં યુવતીનો પણ સમાવેશ
રણજીત ઉર્ફે કાનો ઉર્ફે ટીકીટ, ભરતદાન ગઢવી અને કાજલ સામે હત્યાની કોશીષ સહિતની કલમો હેઠળ ગુન્હો
રાજકોટ, તા., ૭: રૈયાધારની રાધેશ્યામ ગૌશાળા નજીક ગઇકાલે બપોરે દારૂના ધંધાર્થી તેના મિત્ર અને એક યુવતી સહિત ત્રણ વ્યકિતએ પોતાના મિત્રનો જ જાન લેવાની કોશીષ કરી હતી. મુખ્ય હુમલાખોર રણજીત ઉર્ફે કાનો ઉર્ફે ટીકીટ અરવિંદભાઇ ગોહેલ (રજપુત) સાથે અગાઉ મિત્રતા ધરાવતા વૈભવ ઉર્ફે ભુરો હરેશભાઇ ટાંક (કડીયા)એ તે દારૂનો ધંધાર્થી હોવાથી સંબંધો તોડી નાખ્યા હતા. જેનો ખાર રાખી વૈભવને આંતરી છરીના ઘા ઝીંકાયા હતા.
ગાંધીગ્રામ પોલીસે આ બારામાં વૈભવ ઉર્ફે ભુરા (રહે. ગોપાલનગર, શેરી નં. ૬, ઢેબર રોડ-સાઉથ)ની ફરીયાદ પરથી રણજીત ઉર્ફે ટીકીટ અરવિંદભાઇ ગોહેલ, ભરતદાન ભીમદાન ગઢવી અને કાજલ નામની યુવતી સામે હત્યાની કોશીષ, મારી નાખવાની ધમકી, હથીયાર બંધીના ભંગ સહિતના ગુન્હો નોંધી ધરપકડની તજવીજ હાથ ધરી છે. વૈભવને રણજીતે છરીના ઘા ઝીંકયા ત્યારે ભરતદાન અને કાજલે ઢીકા-પાટુનો માર માર્યો હતો.