રાજકોટ
News of Sunday, 7th March 2021

એક યુવાનને ઠોકરે લઇ 'હું પોલીસ છું' કહી ઉભી થઇ ભાગી અને ફરી એકટીવા પરથી ગબડીઃ વંદના પકડાઇ

ગુરૂવારે સાંજે ઢેબર રોડ પર અકસ્માત સર્જનાર યુવતિ ગંભીર ગુનાઓમાં સંડોવાઇ ચુકી છે : કોઠારીયા કોલોનીના પાર્થ મહેતાને ઠોકરે લઇ પોલીસની ખોટી ઓળખ ઉભી કરવા અંગે ગુનો નોંધાયોઃ વંદના ઉર્ફ વંશિકા ઉર્ફ મીના ધાનાણી-પરષોત્તમભાઇ વાઘેલાને એસટી વર્કશોપ પાછળ ટાઉનશીપમાંથી ક્રાઇમ બ્રાંચે પકડી લીધી

રાજકોટ તા. ૬: ગુરૂવારે સાંજે ઢેબર રોડ પર અકસ્માતમાં ઘવાયેલી યુવતિએ પોતે પોલીસ હોવાનું ૧૦૮ને તથા સિવિલ હોસ્પિટલના સ્ટાફને કહ્યું હતું. તેમજ પોલીસ તેનું નિવેદન નોંધે એ પહેલા હોસ્પિટલમાંથી નાશી ગઇ હતી. તપાસ થતાં આ યુવતિ અગાઉ હનીટ્રેપ વિથ મર્ડરના ગુનામાં સંડોવાઇ ચુકેલી મુળ વિરમગામના વંદના પરષોત્તમભાઇ વાઘેલા હોવાનું ખુલતાં અને તેણે એક યુવાનને ઠોકરે લઇ 'હું પોલીસ છું' કહી ઉભા થઇ ભાગ્યાનું અને ભાગતી વખતે ફરીથી પડી ગયાનું સામે આવતાં પોલીસે ગુનો નોંધી શોખખોળ હાથ ધરી છે. તે હાથવેંતમાં હોવાની ચર્ચા છે.

આ બનાવમાં ભકિતનગર પોલીસે તપાસને અંતે કોઠારીયા કોલોની નવરંગ ડેરીની પાછળ કવાર્ટર નં. ૪૬૧માં રહેતાં અને છુટક મજૂરી કરતાં પાર્થ પિયુષભાઇ મહેતા (બ્રાહ્મણ) (ઉ.વ.૨૩) નામના યુવાનની ફરિયાદ પરથી રાજકોટમાં રહેતી વંદના ઉર્ફ વંશીકા ઉર્ફ મીના ધાનાણી ડોટર ઓફ પરષોત્તમભાઇ વાઘેલા સામે આઇપીસી ૨૭૯, ૩૩૭, ૧૭૦, એમવીએકટ ૧૭૭, ૧૮૪ મુજબ નંબર વગરનું એકટીવા ચલાવી પાર્થને ઠોકરે લઇ પછાડી દઇ અકસ્માત સર્જી ઇજા કરી તેમજ પોતે પોલીસ છે તેવી ખોટી ઓળખ આપી નાશી જવા અંગે ગુનો નોંધ્યો છે.

પાર્થએ ફરિયાદમાં જણાવ્યું છે કે હું તા. ૪ના સાંજે સાઠા આઠેક વાગ્યે ઢેબર રોડ પર બોમ્બે ગેરેજ પેટ્રોલ પંપ નજીક ચાલીને જતો હતો તયારે બ્લેક ગ્રે કલરના નંબર વગરના એકટીવા પર એક યુવતિ નાગરિક બેંક તરફથી મારંમાર ઝડપે આવી હતી અને સાવ મારી નજીક આવી મને હડફેટે લીધો હતો. પોતે પણ પડી ગઇ હતી. તેના એકટ્ીવામાં આગળ પાછળ નંબર પ્લેટ નહોતી. પણ અંગ્રેજીમાં 'પી' લખેલુ હતું.

આ યુવતિને મેં વાહન જોઇને ચલાવવાનું કહેતાં તેણે 'હું પોલીસમાં છું' તેમ કહ્યું હતું. તે નશામાં હોય તેવું લાગતું હતું. સારી સ્થિતિમાં ઉભી રહી શકતી નહોતી. મારી સાથે બોલચાલી કરી એકટીવા ઉભુ કરી ચાલુ કરી એકદમ લીવર દઇ થોડે આગળ જતાં પેટ્રોલ પંપ સામે ફરીથી કાબુ ગુમાવતાં ત્યાં પડી ગઇ હતી. એ વખતે પંપના માણસો તથા બીજા લોકો ભેગા થઇ જતાં તેને પણ એ યુવતિએ પોતે પોલીસ હોવાની ઓળખ આપી હતી. ત્યારબાદ કોઇએ ૧૦૮ બોલાવતાં તેણીને હોસ્પિટલે લઇ જવાઇ હતી. મને સામાન્ય મુંઢ ઇજા થઇ હોઇ મેં સારવાર લીધી નહોતી.

યુવતિનો ડર લાગતાં અને મને હેરાન કરશે એવું લાગતાં મેં પોલીસને અરજી આપી હતી. એ પછી મને ખબર પડી હતી કે એ યુવતિ પોલીસમાં નોકરી કરતી નથી અને એકટીવામાં ખોટી રીતે પોલીસની પ્લેટ લગાડી હતી. તેણીનું નામ વંદના પરષોત્તમભાઇ વાઘેલા હોવાનું પણ જાણવા મળતાં મેં તેના વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી છે.  તેમ વધુમાં પાર્થએ પોલીસને જણાવ્યું હતું.

પીઆઇ જે. ડી. ઝાલાની રાહબરીમાંે ટીમે આ મહિલાની શોધખોળ હાથ ધરી હતી. તે અગાઉ રાજકોટમાં હનીટ્રેપ વીથ મર્ડરના ગુનામાં સંડોવાઇ ચુકી હોવાની વિગતો પોલીસને મળી હતી.

દરમિયાન વંદના ઉર્ફ વંશિકા હાલ એસટી વર્કશોપ પાછળ વિર નર્મદ ટાઉનશીપ-૨૦૨માં રહેતી હોવાની માહિતી મળતાં પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવિણકુમાર મીણા, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી ક્રાઇમ ડી. વી. બસીયા અને પીઆઇ વી. કે. ગઢવીની રાહબરીમાં ક્રાઇમ બ્રાંચની ટીમે પકડી લઇ ભકિતનગર પોલીસને સોંપી છે. આ યુવતિ મુળ વિરમગામ શકિતનગર સોસાયટી ફાટક પાસેની વતની છે. તે નશામાં હતી કે કેમ? તેબાબતે મેડિકલ તપાસ કરાવવામાં આવશે. પાર્થની ફરિયાદ પીએસઆઇ ડી. એ. ધાંધલ્યા, નરેન્દ્રભાઇ ભદ્રેચાએ નોંધી હતી. એએસઆઇ હંસાબેન દાફડા વધુ તપાસ કરે છે.

હનીટ્રેપ-હત્યા, ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી લાખો પડાવવાના અલગ-અલગ ત્રણ ગુનામાં સંડોવણી

યુનિવર્સિટી, તાલુકા પોલીસ અને સાવરકુંડલામાં ગુના નોંધાયા હતાં

વંદના ઉર્ફ વંશિકા ઉર્ફ મીના વિરૂધ્ધ અગાઉ ૨૦૧૯માં યુનિવર્સિટી પોલીસમાં આઇપીસી ૩૦૨, ૨૦૧, ૫૦૬, ૫૧૧, ૩૪, ૧૨૦-બી, ૧૩૫ (૧) મુજબ કાવત્રુ ઘડી હનીટ્રેપમાં એક વૃધ્ધને ફસાવી તેની સાથે શારીરિક સંબંધ બાંધી વિડીયો ઉતારી લઇ હત્યા કર્યાનો અને લાશ છુપાવવાનો પ્રયાસ કર્યાનો ગુનો નોંધાયો હતો. જેમાં તેની સાથે બીજા આરોપીઓમાં અલી ઉર્ફ આતીફ ઇસ્માઇલ શેખ, ગાયત્રીબાદ રવિરાજસિંહ વાઘેલા, યાસીન ઉર્ફ યુસુફ સાંઘ પણ સામેલ હતાં.

આ ઉપરાંત વર્ષ ૨૦૧૬માં એક ગુનો તાલુકા પોલીસમાં આઇપીસી ૩૮૯, ૩૮૪, ૧૧૪ મુજબ નોંધાયો હતો. જેમાં તેની સાથે હીમાંશુ મોહનભાઇ પરમાર, ચંદ્રેશ ચેતનભાઇ ચોૈહાણ, ગીતા મહેશભાઇ ગોસ્વામી હતાં. એક વ્યકિતને ખોટા ગુનામાં ફીટ કરી દેવાની ધમકી આપી ૫ લાખ અને કાર બળજબરીથી પડાવ્યાનો આરોપ હતો.

અન્ય એક ગુનો ૨૦૧૭માં સાવરકુંડલા પોલીસમાં આઇપીસી ૪૪૨, ૩૮૯, ૫૦૪, ૫૦૬ (૨), ૧૨૦ (બી), ૩૨૩, ૧૧૪ મુજબ નોંધાયો હતો. જેમાં સહ આરોપી હરેશ શંભુભાઇ ટાંક સાથે મળી એક યુવાનને ફ્રેન્ડશીપમાં ફસાવી બંધ સિમેન્ટ ફેકટરીએ લઇ જઇ ધમકી દઇ ૧૦ લાખ પડાવી ગોંધી રાખ્યાનો આરોપ હતો.

(3:31 pm IST)