રાજકોટ
News of Wednesday, 7th March 2018

કાલે ગુરૂવારે વર્લ્ડ કિડની - ડે

ડાયાબીટીસના દર્દીઓએ કિડનીની તપાસ નિયમીત કરાવતા રહેવુ જોઈએ

કાલે કિડની જનજાગૃતિ રેલી, પોસ્ટર પ્રદર્શન, કિડની રોગ અને ખોરાક સંબંધિત લાઈવ ડેમોસ્ટ્રેશન, વાર્તાલાપ - પ્રશ્નોત્તરી

ક્રોનિક કિડની રોગ એ વિશ્વ વ્યાપી આરોગ્ય સમસ્યા છે. જે કિડનીની નિષ્ફળતા અને અકાળે મૃત્યુમાં પરિણમે છે. ક્રોનિક કિડની રોગ વિશ્વભરમાં આશરે બે કરોડ મહિલાઓને અસર કરે છે અને મહિલાઓમાં મૃત્યુના કારણમાં આઠમા ક્રમ ધરાવે છે. ક્રોનિક કિડની રોગના કારણે પ્રતિ વર્ષ આશરે ૬ લાખ મૃત્યુ થાય છે.

ક્રોનિક કિડની રોગ થવાનું જોખમ સ્ત્રીઓમાં પુરૂષ જેટલુ જ  હોય છે. અમુક અભ્યાસ અનુસાર પુરૂષોની તુલનામાં સ્ત્રીઓમાં ક્રોનિક કિડની રોગની શકયતાઓ વધુ હોય છે. સ્ત્રીઓમાં સરેરાશ ૧૪ ટકા અને પુરૂષોમાં ૧૨ ટકા જેટલી હોય છે. તેમ છતાં ડાયાલીસીસ પર મહિલાઓની સંખ્યા પુરૂષો કરતા ઓછી હોય છે તેમના સામાન્ય ત્રણ કારણો છે. (૧) ક્રોનિક કિડની રોગ પુરૂષોની સરખામણીમાં સ્ત્રીઓમાં ધીમી હોય છે. (૨) સામાજીક, માનસિક અને જાગૃતતાના અભાવને લીધે સ્ત્રીઓમાં ડાયાલીસીસની શરૂઆત થતી નથી.

કિડની ચેપ

કેટલાક કિડની રોગ જેમ કે કિડની ચેપ અથવા પાયલોનેફરાયટીસ સામાન્ય રીતે સ્ત્રીઓની રોગ પ્રતિકારકતા પર અસર કરે છે અને ક્રોનિક કિડની રોગતરફ ધકેલે છે. જેમાં પેશાબનો ચેપ સામાન્ય રીતે સ્ત્રીઓમાં વધુ હોય છે અને સગર્ભાવસ્થામાં તે જોખમ વધારે છે. ક્રોનિક કિડની રોગથી બચવા માટે સમયસર નિદાન અને સારવાર કરાવવી જોઈએ. ક્રોનિક કીડની રોગ ગર્ભાવસ્થા અને પ્રજનન ક્ષમતા અસર કરે છે. સફળતાપૂર્વક કરવામાં આવેલ ટ્રાન્સપ્લાન્ટમાં સ્ત્રીઓમાં પ્રજનન ક્ષમતા ફરી સ્થાપિત કરી શકાય છે અને ફળદ્રુપતામાં વધારો થવાની સંભાવનાઓ હોય છે.

અમારો સંદેશ

જાગૃતતા, સમયસર નિદાન અને નિયમીત ડોકટરી તપાસ સગર્ભાવસ્થામાં ક્રોનિક કિડની રોગ નિવારણ માટે આવશ્યક છે. આ વર્ષે વિશ્વમાં કિડની ડે અને ઈન્ટરનેશનલ વિમેન્સ ડે ૨૦૧૮ એક સાથે ઉજવવામાં આવશે. જેમાં મહિલાઓના સ્વાસ્થ્ય અને કિડની રોગથી બચવા પર મહત્વ આપવામાં આવશે.

સૌની કિડની સ્વસ્થ રાખવા માટે આઠ સુવર્ણ વચનો

(૧) એકટીવ રહો - ફીટ રહો : નિયમીત કસરત, યોગ અને ધ્યાનથી શરીર સ્વસ્થ રહે, શરીરમાં સુગર અને બ્લડપ્રેશર નિયમીત રહે અને વજન પણ નિયંત્રિત રહે અને એટલે કે કિડનીના દિવસે લોકોને નિયમીત કસરત, ચાલવાનું, સાયકલીંગ અને દોડવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે. (૨)  તમારા બ્લડ સુગરને કાબુમાં રાખોઃ કિડનીને બચાવવા માટે બ્લડ સુગર નિયંત્રિત રાખવુ જરૂરી છે. ડાયાબીટીસના દર્દીઓને કિડનીની તપાસ નિયમીત કરાવતા રહેવુ જોઈએ. (૩) તમારા બ્લડ પ્રેશરને નિયંત્રિત રાખો : સામાન્ય રીતે તંદુરસ્ત વ્યકિતનું બ્લડપ્રેશર નિયમીત રાખવાથી ૧૨૦/૮૦ મી. મી. મરકયુરી હોય છે. બ્લડ પ્રેશર નિયમીત રાખવાથી કિડનીને બગડતી અટકાવી શકાય છે. (૪) તમારા વજનને નિયંત્રિત આહાર : દરેક વ્યકિતએ જંક ફૂડથી દૂર રહેવુ જોઈએ. હેલ્ધી ફૂડનો આગ્રહ રાખવો જોઈએ. ખોરાકમાં નમકનું પ્રમાણ ઓછુ કરવુ જોઈએ. (૫) ખૂબ પાણી પીઓ : દિવસમાં ૩ થી ૪ લીટર જેટલુ પાણી - પ્રવાહી પીવુ જોઈએ. આમ કરવાથી કિડનીને શરીરમાંનો કચરો બહાર કાઢવામાં સરળતા રહે છે અને કિડનીમાં પથરી થવાના જોખમમાં પણ ઘટાડો થાય છે. (૬) ધુમ્રપાનથી દૂર રહો : ધુમ્રપાનથી ડિનીમાં લોહી પરીભ્રમણમાં મુશ્કેલી થાય છે અને કિડની બગડે છે. કિડનીમાં કેન્સરનું પ્રમાણ પણ વધે છે. (૭) ડોકટરની સલાહ વગર દવાઓ લેવી નહિં : ડોકટરની સલાહ - ચિઠ્ઠી વગર દવાઓ ન લેવી જોઈએ. બિનજરૂરી અને બિન સલાહ દુખાવાની દવાઓ લાંબા સમય માટે લેવાથી કિડની ખરાબ થાય છે. (૮) નિયમીત કિડનીનું ચેકઅપ કરાવો : કિડનીની બિમારી અંગેનું નિદાન લોહી - પેશાબની સામાન્ય તપાસ દ્વારા થઈ શકે છે. ડાયાબીટીસ, બ્લડ પ્રેશરની બિમારી, ધુમ્રપાન કરતી વ્યકિત, જાડાપણાવાળી વ્યકિત અથવા તો જેમના કુટુંબમાં કિડની ફેઈલ્યોરના દર્દી હોય તેમણે નિયમીત કિડનીની તપાસ કરાવવી જોઈએ અને સલાહ સુચન લેવા જોઈએ.

રાજકોટ : લોક જાગૃતિના આ અભિયાન માટે વર્ષોથી સૌરાષ્ટ્ર - કચ્છની શિરમોર અને ખરા અર્થમાં નહી નફો - નહી નુકશાનના ધોરણે દર્દીઓની સેવા કરતી બી. ટી. સવાણી કિડની હોસ્પિટલ દ્વારા કિડનીના રોગોથી બચવા માટે વર્લ્ડ કિડની દિવસ નિમિતે જન જાગૃતિ આયોજનો કરવામાં આવેલ છે. તા.૮ના (૧) કિડની જન જાગૃતિ રેલીનું આયોજન - સવારે ૬ કલાકે, બાલભવન ગેઈટ, કિશાનપરા ચોક, રાજકોટ (૨) હોસ્પિટલમાં કિડનીની જન જાગૃતિ માટેનું પોસ્ટર પ્રદર્શન - સવારે ૧૦ થી બપોરે ૫ સુધી (૩) હોસ્પિટલમાં કિડની રોગ અને ખોરાબ સંબંધિત લાઈવ ડેમોસ્ટ્રેશન - સવારે ૧૦ થી બપોરે ૧૨ સુધી (૪) યુરોલોજીસ્ટ અને નેફ્રોલોજીસ્ટ ડોકટર દ્વારા કિડની રોગ વિશે વાર્તાલાપ અને પ્રશ્નોત્તરી.

છેલ્લા થોડા વર્ષોમાં દુનિયામાં કિડનીના દર્દોમાં ખૂબ જ વધારો નોંધાયો છે. હાલમાં વિશ્વમાં ૪૦ લાખ લોકો ટર્મીનલ કિડની ફેઈલ્યોરથી પિડાય છે. જેનો એકમાત્ર ઉપાય ટ્રાન્સપ્લાન્ટ અથવા જીવનભર ડાયાલીસીસ છે. આ બંને સારવાર ખૂબ જ ખર્ચાળ છે. જે મધ્યમ અને ગરીબ વર્ગને પોસાય નહિં અને આખો પરીવાર ખુવાર થઈ જાય છે. આમાંથી ૫૦ ટકાથી વધારે કેસોમાં થોડી વધારે સમજદારી અને તાત્કાલીક સારવારથી આ આંકડો ઘણો ઘટાડી શકાય તેમ છે. આ માટે કિડની અંગે લોક જાગૃતિ ખૂબ જરૂરી છે.

બી. ટી. સવાણી કિડની હોસ્પિટલ

(ફોન : ૦૨૮૧ - ૨૫૬૨૨૯૯)

કાલે લોકજાગૃતિના કાર્યક્રમો

(4:28 pm IST)