રાજકોટ
News of Tuesday, 7th February 2023

પોલીસ કર્મચારી પર કરેલ હુમલાના ગુન્‍હાના કામમાં પોલીસ પુત્ર સહીત આરોપીઓનો નિર્દોષ છુટકારો

રાજકોટઃ શહેરમાં માયાણી ચોકમાં સી.આઈ.ડી. ક્રાઈમના હેડ કોન્‍સ્‍ટેબલ ઉપર હુમલો કરવાના ગુનામા  સંડોવાયેલા પોલીસ પુત્ર સહીત તમામ આરોપીઓને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટે હુકમ કર્યો છે.

આ કેસની હકીકત મુજબ સને-૨૦૧૭માં સી.આઈ.ડી.ક્રાઈમ બ્રાંન્‍ચના હેડ કોન્‍સ્‍ટેબલ છગનભાઈ ખીમજીભાઈ રાઠોડ માયાણી ચોકમાં ડીલકસ પાને પાન ખાવા ગયા હતા. ત્‍યારે ત્‍યા પોલીસ અધીકારી મનસુખભાઈ સુરાણીનો પુત્ર સહીત અન્‍ય શખ્‍સોઍ દારૂ પીને તોફાન કરતા હતા. જેથી છગનભાઈ રાઠોડે પોતે પોલીસ હોવાનું જણાવતા હાજર શખ્‍સોએ ઉશ્‍કેરાય જઈ પોલીસ કર્મચારી સાથે હાથાપાઈ કરી મારા મારી કરી બીભત્‍સ ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની માલવીયા પોલીસ સ્‍ટેશનમાં છગનભાઈ રાઠોડે ફરીયાદ નોંધાવી હતી.

જે ફરિયાદના આધારે પોલીસે પોલીસ પુત્ર મયુર મનસુખભાઈ સુરાણી, અલતાફ ડોઢીયા, અંકીત ઉર્ફે કાળીયો પીપળીયા અને મુનીર ઉર્ફે બાડો લીંગડીયાની ધરપકડ કરી હતી. જે કેસ ચાલી જતા બંને પક્ષની રજૂઆતો બાદ આરોપીના વકીલની દલીલને ઘ્‍યાને લઈ અદાલતે તમામ આરોપીઓને નિર્દોષ ઠરાવી છોડી મુકવા હુકમ ફરમાવ્‍યો છે. આ કેસમાં આરોપીઓ વતી વકીલ તરીકે રાજેન્‍દ્રસિંહ ડી. ગોહિલ, કે.સી. ભટ્ટ, પ્રકાશ પરમાર અને કશ્‍યપ ભટ્ટ રોકાયા હતા.

(4:05 pm IST)