બે સંતાનની માતા સાથેનું પ્રેમપ્રકરણ ડખ્ખે ચડતાં કપિલે ઝેર ગટગટાવ્યું
દરજી યુવાન કહે છે-સાથે કામ કરતાં હોઇ આઠ વર્ષથી રિલેશન હતાં: મહિલાના પતિને ખબર પડતાં રિલેશન પુરા કરતાં મહિલા પરાણે હેરાન કરે છે
રાજકોટ તા. ૭: માલવીયા કોલેજ પાછળ દોશી હોસ્પિટલ નજીક કૃષ્ણનગર પાસે આરએમસી કવાર્ટરમાં રહતાં અને કારખાનામાં કામ કરતાં કપિલ દિલીપભાઇ પીઠડીયા (ઉ.૨૫) નામના દરજી યુવાને ઉંદર મારવાની દવા પી લેતાં સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયો છે. કપિલના કહેવા મુજબ ગુલાબનગરમાં રહેતી અને પોતાની સાથે જ કારખાનામાં કામ કરતી પરપ્રાંતિય એવી બે સંતાનની માતા સાથે પોતાને આઠ વર્ષથી પ્રેમ હતાં. હવે આ મહિલા લગ્ન કરી લેવા દબાણ કરી સતત ફોન કરી હેરાન કરતી હોવાથી કંટાળી જઇ આ પગલુ ભર્યુ હતું.
કપિલ સિવિલ હોસ્પિટલમાં દાખલ થતાં ચોકીના હેડકોન્સ. મહેન્દ્રભાઇ પરમાર અને દિપસિંહ ચોૈહાણે માલવીયાનગર પોલીસને જાણ કરી હતી. કપિલ બે ભાઇમાં નાનો અને કુંવારો છે. તેના કહેવા મુજબ પોતે હાર્ડવેરના કારખાનામાં કામ કરે છે. સાથે જ કામ કરતી મહિલા સાથે આઠેક વર્ષથી સંબંધ હતો. તેના પતિને ખબર પડી જતાં સંપર્ક પુરા કરી નાંખ્યા હતાં. જો કે હવે ફરીથી તેણી ફોન કરી ધરાર સંબંધ રાખવા કહી હેરાન કરતી હોઇ જેથી કંટાળીને ઝેર પી લીધું હતું. પોલીસે તેનું નિવેદન નોંધવા તજવીજ કરી હતી. (૧૪.૬)