રાજકોટ
News of Wednesday, 7th February 2018

શું આવું હોય રંગીલુ રાજકોટ?: પોશ વિસ્તારોમાં વધ્યા લોહીના વેપલા!એક મહિનામાં ૪ કૂટણખાના ઝડપાયા

ગત સાંજે એ-ડિવીઝન પોલીસે વિરાણી સ્કૂલ પાસે રેવન્યુ સોસાયટીના 'ધન્ય બંગલા'માં રાજકોટના પ્રકાશ ઉર્ફ જોની ઉર્ફ લંગડીએ મુંબઇના વણિક દંપતિ સંદિપ કામદાર અને ભૂમિ કામદાર સાથે મળી પાંચ દિ'થી ચાલુ કરેલુ કૂટણખાનુ ઝડપ્યું: ૬૦ વર્ષના વૃધ્ધ અને ૨૫ વર્ષના યુવાન ગ્રાહક સહિત પાંચની ધરપકડ થઇઃ ચાર રૂપલલનાઓને સાહેદ બનાવાઇ : ૧૩૧ નંગ કોન્ડોમઃ ચાર મોબાઇલ ફોન, રોકડ મળી રૂ. ૧૦૪૦૦નો મુદ્દામાલ કબ્જેઃ રાજકોટની ૨ અને દિલ્હી-બંગાળની ૧-૧ લલનાના ગ્રાહકો પાસેથી રૂ. ૧૦૦૦ વસુલાતા

એ-ડિવીઝન પોલીસે ગઇકાલે દરોડો પાડી એક દંપતિ અને એક યુવાન સંચાલિત કૂટણખાનુ પકડી પાડી બે ગ્રાહકો સહિત પાંચને પકડ્યા હતાં. ચાર લલનાને સાહેદ બનાવાઇ હતી. આ તમામ તપાસનીશ અધિકારી સમક્ષ ઉભેલા તસ્વીરમાં જોઇ શકાય છે.

રાજકોટ તા. ૭: શાંત શહેર રાજકોટ રંગીલા રાજકોટ તરીકે ઓળખાય છે. પરંતુ 'રંગીલા'ની ઓળખને લાંછન લાગે તેવા કરતૂતો કેટલાક સમયથી શહેરમાં શરૂ થઇગયા છે. જેના કારણે રાજકોટની ઓળખને લાંછન લાગી રહ્યાની લાગણીઓ શહેરીજનો વ્યકત કરી રહ્યા છે. શહેરમાં એક સમયે ભાવનગર રોડ પર રેડલાઇટ એરિયા ચાલતો હતો. હાલમાં પણ મીઠી નજર તળે અહિ લોહીના વેપલા થતાં હોવાનું કહેવાય છે. પરંતુ હવે તો પોષ રહેણાંક વિસ્તારોમાં પણ આવા ગોરખધંધા શરૂ થઇ ગયા છે. છેલ્લા એક મહિનામાં જ પોલીસે ચાર કૂટણખાના પકડ્યા છે. આ તમામ કૂટણખાના રહેણાંક વિસ્તારોમાં જ ધમધમતા હતાં. ગત સાંજે વિરાણી હાઇસ્કૂલ પાછળ રેવન્યુ કર્મચારી સોસાયટીમાં રેલ્વેના પાટા પાસે 'ધન્ય બંગલો' નામના રહેણાંકમાં એ-ડિવીઝન પોલીસે દરોડો પાડી મુંબઇના એક દંપતિ અને રાજકોટના શખ્સ સંચાલિત કૂટણખાનુ પકડ્યું છે. જેમાં ૬૦ વર્ષના એક ગ્રાહક તથા ૨૦ વર્ષના યુવાન ગ્રાહક મળી પાંચને પકડી લેવાયા હતાં. તેમજ રાજકોટ, દિલ્હી, બંગાળની ચાર લલનાઓ પણ ત્યાંથી મળી હતી.

એ-ડિવીઝનના પી.આઇ. વી.એન. યાદવની રાહબરીમાં પી.એસ.આઇ. જે. એમ. ભટ્ટ, જગદીશભાઇ વાંક, કરણભાઇ વિરસોડીયા, ક્રિપાલસિંહ ઝાલા, ભાવેશભાઇ સહિતનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો ત્યારે બાતમી મળતાં વિરાણી ચોકથી લક્ષ્મીનગર નાલા તરફના રસ્તે આવેલા ધન્ય બંગલોમાં પંચોને તથા મહિલા પોલીસ કર્મચારી પુજાબેન પાટણવાડીયા સહિતને સાથે રાખી દરોડો પાડતાં કૂટણખાનુ ચાલતું હોવાનો પર્દાફાશ થયો હતો. પોલીસે આ બંગલામાંથી કૂટણખાનાના સંચાલકો સંદિપ મહાસુખલાલ કામદાર (વણિક) (ઉ.૪૨) તથા તેની પત્નિ ભૂમિ સંદિપ કામદાર (ઉ.૨૮) (રહે. હાલ બંને વિરાણી સ્કૂલ પાસે ધન્ય બંગલો, રમણિકભાઇ ડાયાભાઇ પટેલના મકાનમાં ભાડેથી) (મુળ મુંબઇ મીરા ભાયંદર મીરા રોડ, આનંદનગર છાંયા સોસાયી સેકટર-૮ બ્લોક સી-૨૩/૪૦૫) તથા પ્રકાશ ઉર્ફ લંગડી ઉર્ફ જોન જેન્તીલાલ જીવરાજાની (ઉ.૩૫-રહે. સાધુ વાસવાણી રોડ, ત્રિલોક પાર્કના સરકારી કવાર્ટર બ્લોક-૬/૮૦૨) તથા ગ્રાહક તરીકે આવેલા અરવિંદભાઇ મુળજીભાઇ કોટક (ઉ.૬૦-રહે. ગાંધીગ્રામ રાજેશ્વરી સોસાયટી-૫) અને હરેશ ભીમજીભાઇ વાડોલીયા (ઉ.૨૫-રહે. હસનવાડી મેઇન રોડ-૪ વાણીયાવાડી મેઇન રોડ)ને પકડી લઇ ઇમ્મોરલ ટ્રાફિક એકટ હેઠળ વેશ્યાવૃતિનો ગુનો નોંધી કાર્યવાહી કરી હતી.

આ સ્થળેથી રાજકોટની ૩૬ વર્ષની એક લલના, ૨૦ વર્ષની લલના અને દિલ્હીની ૧૮ વર્ષની તથા બંગાળની ૨૧ વર્ષની લલનાઓ પણ મળી આવી હતી. આ ચારેયે પુછતાછમાં પોલીસને કહ્યું હતું  કે તમામને દેહવિક્રયના ધંધા માટે સંદિપ અને તેની પત્નિ ભૂમિ તથા પ્રકાશ ઉર્ફ જોની ઉર્ફ બંગડી અહિ લાવ્યા હતાં. ગ્રાહકો પાસેથી ૧-૧ હજાર રૂપિયા વસુલી પોતાને ૫૦૦ અપાતા અને બાકીના ૫૦૦માંથી આ ત્રણેય ભાગ પાડતાં હતાં. કામદાર દંપતિ મુંબઇથી રાજકોટ બે મહિના પહેલા આવ્યું છે. તેણે પ્રકાશ ઉર્ફ જોનનો સંપર્ક કરી આ ગોરખધંધા શરૂ કર્યુ હતું. વિરાણી સ્કૂલ પાસેનું મકાન ગત ૧ તારીખે જ ભાડે રાખ્યું હતું.

પોલીસે ૧૩૧ નંગ કોન્ડોમ, પ્રકાશ ઉર્ફ જોની પાસેથી રૂ. ૫૪૦૦, બે મોબાઇલ ફોન, સંદિપ પાસેથી એક સાદો મોબાઇલ  મળી કુલ રૂ. ૧૦૪૦૦નો મુદ્દામાલ કબ્જે લેવાયો છે. તમામને કોર્ટ હવાલે કરવા પોલીસે તજવીજ કરી હતી. રહેણાંક વિસ્તારમાં કૂટણખાનુ ઝડપાતાં આસપાસના રહેવાસીઓમાં ચકચાર મચી ગઇ હતી.

અત્રે ઉલ્લેખનિય છે કે રાજકોટ શહેર રંગીલુ ગણાય છે...કોઇપણ તહેવાર હોય કે બીજો કોઇ પણ ઉજવણીનો પ્રસંગ હોય તેમાં રાજકોટીયનો ભારે ઉત્સાહથી જોડાઇ જતાં હોય છે. આ કારણે અહિના લોકોની છાપ રંગીલા રાજકોટીયનોની પડી છે. પરંતુ છેલ્લા કેટલાક સમયથી આ ઓળખ ખરડાઇ રહી હોય તેવા ગોરખધંધા કેટલાક લોકોએ શરૂ કર્યા છે. પોષ વિસ્તારોમાં લોહીના વેપલા શરૂ થઇ ગયા છે. જેની સાબિતી પણ છે. પોલીસે એક મહિનામાં જ આવા ચાર કૂટણખાના ઝડપી લીધા છે. ગાંધીગ્રામ શ્યામનગરમાંથી ૧૬/૧ના રોજ છ શખ્સોને, ૩/૨ના રોજ કાલાવડ રોડ પરના એપાર્ટમેન્ટમાંથી, ૬/૨ના લાખાજીરાજ ઉદ્યોગનગર અને શિવાજીનગર પાસેથી તથા ગઇકાલે વિરાણી હાઇસ્કૂલ પાસેના ધન્ય બંગલોમાંથી પોલીસે લલનાઓ અને દલાલોને દબોચી લીધા હતાં. પોલીસ અને નગરજનો જાગૃત બને તો શહેરની આબરૂને બટ્ટો લાગતો અટકાવી શકાય.

(3:36 pm IST)