રાજકોટ
News of Thursday, 7th January 2021

રાજકોટ દુધ ડેરીના ડાયરેકટર સામેની અવિશ્વાસની દરખાસ્ત સ્થગિતઃ કાર્યવાહી નહિ કરવા અંગે મનાઇ હુકમ

રાજકોટ, તા.૭: રાજકોટ દુધ ઉત્પાદક સહકારી સંઘ લી.ના ડાયરેકટર તથા શ્રી કોટડા દુધ ઉત્પાદક સહકારી મંડળી લી.ના પ્રમુખશ્રી સુરેશભાઇ લુણાગરીયા સામે અવિશ્વાસની દરખાસ્ત રજુ થતાં તે અંગેની કાર્યવાહી સરકારમાં ચેલેન્જ કરવામાં આવેલ છે. શ્રી કોટડા સાંગાણી દુધ ઉત્પાદક સહકારી મંડળી લી.ના પ્રતિનિધી તરીકે શ્રી રાજકોટ જીલ્લા દુધ ઉત્પાદક સહકારી સંઘ લી.માં ચુંટાયેલ છે અને સંઘના પેટા નીયમ મુજબ દુધ મંડળીમાં પ્રમુખ તરીકે ચાલુ હોય તે જ રાજકોટ ડેરીમાં ડાયરેકટર બની શકે, ચાલુ રહી શકે તેવી જોગવાઇ છે તે ધ્યાને લઇને રાજકોટ ડેરીના સતાધીશોની વિરોધી દ્વારા મુળમાં જ ઘા કરીને શ્રી કોટડા સાંગાણી દુધ ઉત્પાદક સહકારી મંડળીમાં અવિશ્વાસની દરખાસ્ત લાવવામાં આવેલ છે.રાજકોટ દુધ ઉત્પાદક સહકારી સંઘ લી.ના ડાયરેકટર તથા શ્રી કોટડા સાંગાણી દુધ ઉત્પાદક સહકારી મંડળી લી.ના પ્રમુખશ્રી સામે મંડળીના વ્ય.કમિટી સભ્યોએ તથા દુધ મંડળીના મંત્રીશ્રી દ્વારા તેને જાણ કર્યા વગર અવિશ્વાસની કાર્યવાહી કરેલ છે અને તે કાર્યવાહીઓની યોગ્ય ચકાસણી કર્યા વગર અને પ્રમુખશ્રીને જાણ કર્યા વગર, બચાવની તક આપ્યા વગર જીલ્લા રજીસ્ટ્રારશ્રી દ્વારા તથા તેના અધિકારી દ્વારા કાર્યવાહી કરતાં અને તે અંગેની જાણ થતાં રાજકોટ દુધ ઉત્પાદક સહકારી સંઘ લી.ના ડાયરેકટર તથા શ્રી કોટડા સાંગાણી દુધ ઉત્પાદક સહકારી મંડળી લી.કોટડાના સાંગાણીના પ્રમુખશ્રી સુરેશભાઇ લુણાગરીયાએ તેના એડવોકેટશ્રી મહેન્દ્ર કે.ફડદુ તથા સતિષ દેથલીયા મારફત સરકારશ્રીમાં આ તમામ કાર્યવાહી સરકારશ્રીમાં સહકારી ક્ષેત્રના એડવોકેટશ્રી મહેન્દ્ર કે.ફડદુ તથા સતિષ આર.દેથલીયા મારફત ચેલેન્જ કરવામાં આવેલ છે એન તે અન્વયે કોઇ કાર્યવાહી ન કરે તે માટેનો મનાઇ હુકમ માંગેલ.

સહકારી ક્ષેત્રના એડવોકેટશ્રી મહેન્દ્ર કે.ફડદુ તથા સતિષ દેથલીયાએ કેસની હકીકતો અને વિગતો તપાસીને કાયદાકીય રજુઆત કરેલ કે... કોઇપણ વ્યકિત સામે કાર્યવાહી કરતાં પહેલા કુદરતી ન્યાય સિધ્ધાંત મુજબ તેને બચાવની તક આપવી જોઇએ પરંતુ રાજકોટ દુધ ઉત્પાદક સહકારી સંઘ લી.ના ડાયરેકટર તથા શ્રી કોટડા સાંગાણી દુધ ઉત્પાદક સહકારી મંડળી લી.ના પ્રમુખશ્રી સામે મંડળીના વ્ય.કમિટી સભ્યોએ તથા દુધ મંડળીના મંત્રીશ્રી દ્વારા તેને જાણ કર્યા વગર અવિશ્વાસની કાર્યવાહી કરેલ છે.

વિગેરે બાબતોએ જોરદાર રજુઆત કરતાં અધિક રજીસ્ટ્રારશ્રી નિનામા સાહેબ દ્વારા રેકર્ડ તથા કાયદાકીય જોગવાઇ તપાસીને તે કહેવાતી અવિશ્વાસની દરખાસ્ત અન્વયે કોઇ કાર્યવાહી ન કરે તેવો મનાઇહુકમ ફરમાવેલ છે.

આ કામમાં શ્રી કોટડા સાંગાણી દુધ ઉત્પાદક સહકારી મંડળી લી.ના પ્રમુખશ્રી સુરેશભાઇ લુણાગરીયા વતી રાજકોટના સહકારી ક્ષેત્રના એડવોકેટ મહેન્દ્ર ફડદુ, સુભાષ પટેલ, સતિષ દેથલીયા, રેનિશ માકડીયા રોકાયેલ છે.

(3:05 pm IST)