રાજકોટ
News of Thursday, 7th January 2021

નવા થોરાળામાં ૧૧ ગેરકાયદે મકાનો દુકાનોનો કડૂસલો

સરકારે મ.ન.પા.ને સુપ્રત કરેલ ૧.૫૦ કરોડની જમીનમાં ઉભેલા રહેણાંક બાંધકામો દુર કરી ૬૫૦ ચો.મી. જમીન ખુલ્લી કરાવી

નવા થોરાળામાં ૧૧ જેટલા ગેરકાયદે બાંધકામો ઉપર મ.ન.પા.ના તંત્રવાહકોએ આજે સવારે બુલડોઝર ફેરવી અને જમીન ખુલ્લી કરાવી હતી તે વખતની તસ્વીરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે આ ડીમોલીશન હાથ ધરાયું હતું તે નજરે પડે છે. (તસ્વીર : સંદિપ બગથરીયા)

રાજકોટ તા. ૭ : શહેરના નવા થોરાળા વિસ્તારમાં મ.ન.પા.ની જમીનમાં ઉભેલા ૧૧ જેટલા રહેણાંક તથા વ્યાપારી હેતુના બાંધકામો પર ટાઉન પ્લાનીંગ વિભાગે બુલડોઝર ફેરવી કુલ ૧.૫૦ કરોડની જમીનની ૬૫૦ ચો.મી. જમીન ખુલ્લી કરાવાઇ હતી.

આ અંગે ટાઉન પ્લાનીંગ વિભાગની સત્તાવાર યાદીમાં જણાવાયા મુજબ કમિશનર ઉદિત અગ્રવાલની સૂચના અનુસાર તથા ટાઉન પ્લાનીંગ ઓફિસર એમ.ડી. સાગઠીયાના માર્ગદર્શન હેઠળ રાજકોટ મહાનગરપાલિકાની ટાઉન પ્લાનીંગ શાખા દ્વારા આજે તા. ૭ના શહેરના ઇસ્ટ ઝોન વિસ્તાર પૈકી વોર્ડ નં. ૧૫માં થયેલ ગેરકાયદેસર દબાણ - બાંધકામ દૂશ્ર કરવા કાર્યવાહી હાથ ધરવામાં આવેલ અને અંદાજે રૂ. ૧,૫૦,૦૦,૦૦૦ ની કિંમતની જમીન ખુલ્લી કરવામાં આવેલ.

નવા થોરાળામાં આવેલ આ પ્લોટમાં રહેણાંક તથા દુકાનોના ૧૧ બાંધકામો હતા જેના પર બુલડોઝર ફેરવી દેવાયું હતું.

નોંધનિય છે કે, વોર્ડ નં. ૧૫માં આવેલ  સરકાર દ્વારા તા. ૧૪-૨-૧૯૫૬ અન્વયેના નોટીફીકેશન મુજબ રાજકોટ મહાનગરપાલિકાને સોપેલ સર્વે નં. ૨૧૫ પૈકીની જમીનનું બાંધકામ દુર કરેલ હતું.

આ કામગીરીમાં ટાઉન પ્લાનીંગ શાખા ઇસ્ટ ઝોન તથા સેન્ટ્રલ ઝોનના આસી. ટાઉન પ્લાનર એ.એચ.દવે, એસ.એસ. ગુપ્તા, વી.વી.પટેલ, જી.ડી. જોષી, પી.ડી. અઢીયા, એ.આર.લાલચેતા તથા અન્ય ટી.પી. સ્ટાફ હાજર રહેલ. આ ઉપરાંત સ્થળ પર જગ્યા રોકાણ તથા રોશની શાખાનો સ્ટાફ પણ હાજર રહેલ. આ કામગીરી દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાય રહે તે માટે વિજીલન્સ શાખાનો સ્ટાફ સ્થળ પર હાજર રહેલ હતો.

(3:00 pm IST)