રાજકોટ
News of Tuesday, 7th January 2020

બૌધ્ધધર્મના ઇતિહાસમાં પી.પી.પંડયાનું મહત્વનું યોગદાન

બૌધ્ધ ગુફાઓ વિષે આજની યુવા પેઢીને માહીતી-માર્ગદર્શન આપવુ જોઇએઃ પુરાતત્વજ્ઞાતા નરોતમભાઇ પલાણ : ૧૦૦ વર્ષમાં જે કાર્યો ન થયા હોય તે કાર્યો પંડયાજીએ માત્ર ૧૦ વર્ષમાં કરી બતાવ્યું: આજે સૌરાષ્ટ્ર યુનિ.ના પ્રાંગણમાં વકતવ્ય

રાજકોટઃ તા.૭, બૌધ્ધધર્મના ઇતિહાસમાં સ્વ. પી.પી. પંડયાનું યોગદાન અમુલ્ય હતુ. જે કાર્યો ૧૦૦ વર્ષમાં ન થયા હોય તે કાર્યો તેઓએ માત્ર ૧૦ વર્ષમાં  કરી બતાવ્યા છે. આ શબ્દો છે પુરાતત્વજ્ઞાતા શ્રી નરોતમભાઇ પલાણના તેઓ આજે 'અકિલા'ના આંગણે આવ્યા હતા.

શ્રી નરોતમભાઇએ જણાવેલ કે દેશભરમાં ૬૦૦ જેટલી બૌધ્ધ ગુફાઓ છે જયારે સૌરાષ્ટ્રમાં ૨૫૦ જેટલી છે જેમાં રાણપર બરડાની અને ખંભાલીડા બૌધ્ધગુફાઓ  સ્વ. પી.પી. પંડયાએ શોધી હતી. તેઓનું માત્ર ૩૯ વર્ષની વયે દુઃખદ અવસાન થયું પરંતુ તેઓએ ટુંકાગાળામાં અનેક વિધ કાર્યો કર્યા હતા.

મુળ પોરબંદરના અને ૮૫ વર્ષની વયે પણ યુવાનો જેવી સ્ફુર્તિ ધરાવતા શ્રી પલાણે કહ્યું કે બૌધ્ધ ગુફાઓ વિષે આજની યુવા પેઢીને માર્ગદર્શન આપવું જોઇએ. કોલેજો અને સ્કુલોના વિદ્યાર્થીઓને બૌધ્ધ ગુફાઓમાં લઇ જઇ માહિતગાર કરવા જોઇએ.

ઉલ્લેખનીય છે કે શ્રી નરોતમભાઇ પલાણનું આજરોજ સૌરાષ્ટ્ર યુનિવસીર્ટીના પટાંગણમાં ''પુરાતત્વ અને શ્રી પી.પી. પંડયાએ કરેલા કાર્યો '' વિષે વકતવ્ય યોજાયેલ છે.

શ્રી પી.પી પંડયાનો સંક્ષીપ્ત પરિચય

સૌરાષ્ટ્રના જાણીતા પુરાતત્વવિદ શ્રી પુરષોતમ પ્રેમશંકર પંડયા ગુજરાતી પુરાતત્વશાસ્ત્રના અગ્રણી સંશોધક હતા અને સૌરાષ્ટ્ર રાજ્યના પુરાતત્વ અને સંગ્રહાલય વિભાગના વડા હતા. સૌરાષ્ટ રાજ્યનું વિલિનીકરણ મુંબઇ રાજ્યમાં થતાં તેઓ સૌરાષ્ટ્ર-કચ્છ અને હાલના ગુજરાત રાજ્ય તથા મુંબઇ વિસ્તારના પુરાતત્વ અને સંગ્રહસ્થાનના વડા બન્યા.

પુરાતત્વવિદ શ્રી પી.પી. પંડયાએ સૌરાષ્ટ્ર પ્રદેશમાં રાત-દિવસ જહેમત ઉઠાવી સઘન સંશોધન કરી સૌરાષ્ટ્રમાં આદિમાનવના અસ્તિત્વથી માંડી પ્રાગઐતિહાસિક, આદ્યઐતિહાસિક અને ઐતિહાસિક સમયની સંસ્કૃતિઓના અવશેષો શોધ્યા. જેમાં હરપ્પીય સંસ્કૃતિ(રોજડી), ઇ.સ. પૂ. ૧૨૦૦ થી છઠ્ઠા સૈકા સુધીના સળંગ ઇતિહાસ (પ્રભાસ પાટણ) અને ૧૮૦૦ વર્ષ પ્રચીન બૌધ્ધ ગુફાઓ (ખંભાલિડા)ની શોધ કરી. રોજડી અને પ્રભાસ પાટણ ખાતે પુરાતત્વીય ઉત્ખનનો કર્યા. આ ઉપરાંત સૌરાષ્ટ્રનો પગપાળા પ્રવાસ કરીને ૨૦૦ ઉપરાંત પ્રાચીન સ્થળોની શોધ કરીને સૌરાષ્ટ્ર વિસ્તાર બાબતે પાશ્ચાત્ય પુરાતત્વવિદોના મતને ખોટો સાબિત કરી દેશના પુરાતત્વના ઇતિહાસમાં સૌરાષ્ટ્રને ગૌરવવંતુ સ્થાન અપાવ્યું. આ માટે શ્રી પી.પી. પંડયાએ યુ.પી.એસ.સી.ની પરીક્ષા પાસ કરીને ભારત સરકારશ્રીના પુરાતત્વ વિભાગમાં ઉચ્ચ હોદા અને પગાર સાથે મળેલ નિમણુંકનો અસ્વિકાર કર્યો અને સૌરાષ્ટ્રમાં પોતાનું સંશોધન કાર્ય ચાલુ રાખ્યું. ઉપરોકત તસ્વીરમાં પુરાતત્વજ્ઞાતા શ્રી નરોતમભાઇ પલાણ સાથે જયાબેન ફાઉન્ડેશનના મેનેજીંગ ટ્રસ્ટી શ્રી પરેશ પંડયા શ્રી હિંમાશું પંડયા (જુનાગઢના ડે. મેયર), શ્રી ભીમસીભાઇ કરમુર (ભાણવડ) અને શ્રી મનોજ ભટ્ટ નજરે પડે છે. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

(4:12 pm IST)