રાજકોટ
News of Tuesday, 7th January 2020

કોઠારીયા રોડ તિરૂપતી બાલાજી પાર્કમાં રોડ બનાવોઃ ગૃહીણીઓનું હલ્લાબોલ

૧૬ વર્ષથી હાલાકી ભોગવતા વિસ્તારવાસીઓ રજુઆતો કરી થાકયા હવે ડામર રોડ બનવવા ડે.કમિશનરને ઉગ્ર રજુઆત

રોડની સુવિધા આપવા તિરૂપતી બાલાજી પાર્કની મહીલાઓએ ડે.કમિશ્નર ચેતન નંદાણીને ઉગ્ર રજુઆત કરી હતી તે વખતની તસ્વીર (તસ્વીરઃ સંદીપ બગથરિયા)

રાજકોટ તા.૭ : શહેરનાં કોઠારિયા રોડ વિસ્તારમાં આવેલ તિરૂપતી બાલાજી પાર્ક સોસાયટીમાં છેલ્લા ૧૬-૧૬ વર્ષથી રોડની સુવિધા ન હોઇ આ સમસ્યાથી ત્રસ્ત થયેલ વિસ્તારની ૬૦ થી ૭૦ ગૃહીણીઓએ મ્યુ.કોર્પોરેશન કચેરીએ હલ્લાબોલ કરી અને આ વિસ્તારમાં તાત્કાલીક રોડની સુવિધા આપવા ઉગ્ર રજુઆતો કરી હતી.

આ રજુઆતમાં જણાવાયું હતું કે ઁ તિરૂપતી બાલાજી પાર્ક છેલ્લા સોળ-સતર વર્ષથી બની ચુકી છે પરંતુ હજી સુધી રોડ-રસ્તાની સુવિધા પૂર્ણ થયેલ નથી અમારી સોસાયટી બધાજ સભ્યોએ ખૂબજ પ્રયાસો કરેલ છે અને ઓફિસોના ચકકર લગાવેલ છે છતા પણ અમોને વળતા જવાબ મળેલ નથી જાણવા મળેલ છે કે અમારી સોસાયટી ત્રણ થી ચાર વખત રોડ રસ્તાના કોન્ટ્રકથી પાસ થયેલ છે પરંતુ હજુ સુધી રોડ રસ્તાની સુવિધા પૂર્ણ થયેલ નથી હાલ હાલાતોથી સોસાયટીની હાલત ખૂબજ ખરાબ થઇ ચુકેલ છે છતાં પણ આ કામ કોઇએ પણ હાથ ધરેલ નથી હવે અમારી સોસાયટીના બધા સભ્યો વતી તમોનેવિનંતી છે કે વહેલી તકે પાકા રોડ-રસ્તા થાય અને આક કામ વ્યવસ્થિત રીતે પૂર્ણ થાય તે માટે યોગ્ય કરવા માંગ છે.

(4:07 pm IST)