રાજકોટ
News of Tuesday, 7th January 2020

૪૭ વર્ષના લગ્નજીવન બાદ પરીણીતાની પતિ અને સંતાનો વિરૂધ્ધ ત્રાસની ફરીયાદમાં આરોપીઓનો છુટકારો

રાજકોટ, તા.,૭: ૪૭ વર્ષના લગ્ન જીવન બાદ પરીણીતાએ પતિ અને સંતાનો સામે કરેલ ૪૯૮ (ક)નો કેસમાં તમામ આરોપીનો નિર્દોષ છુટકારો રાજકોટની કોર્ટે ફરમાવેલ છે.

રાજકોટમાં રૈયા રોડ ખાતે આવેલ જીવનનગર શેરી નં. ૪માં રહેતી પરીણીતા કંચનબેનના લગ્ન સને ૧૯૬૮ની સાલમાં રાજકોટ ખાતે જ ઘંટેશ્વર ખાતે આવેલ રપ વારીયા મકાનમાં રહેતા નૌતમલાલ કોટક સાથે થયેલ હતા અને પરીણીતા પોતાના પતિને ત્યાં રહેવા ગયેલ હતી અને આ લગ્નજીવનથી તેને પુત્રો -પુત્રીઓ સંતાનમાં થયેલ હતા.

ત્યાર પછી લગ્ન જીવનના ૪૭ વર્ષ પછી સંતાનોના લગ્ન થઇ ગયા પછી પરીણીતા અને તેના પતિ વચ્ચે અણબનાવ થતા પરીણીતા તેના પતિથી અલગ થયેલ હતી અને તેણે રાજકોટની મહીલા પોલીસ મથકમાં સને ર૦૧પની સાલમાં તેના પતિ અને તેના પુત્રો પુત્રી જમાઇ આ બધા કરીયાવર માટે શારીરીક માનસીક ત્રાસ આપે છે તેવી ફરીયાદ (૧) પતિ નૌતમલાલ કોટક (ર) પુત્ર ઉદભાઇ કોટક (૩) પુત્ર ભાવેશભાઇ કોટક (૪) પુત્રવધુ સોનલબેન ઉદયભાઇ (પ) પુત્રવધુ માનસીબેન ભાવેશભાઇ (૬) પુત્રી હર્ષબહેન જયેશભાઇ (૭) જમાઇ જયેશભાઇ સેજપાલ સામે કરેલ હતી અને લગ્નના ૪૭ વર્ષ પછી પરીણીતાએ આવી સ્ત્રી અત્યાચારની ફરીયાદ નોંધાવતા પોલીસ તાત્કાલીક હરકતમાં આવેલ હતી અને તેણે તમામ આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરી અને ગુન્હો બનવાના પુરતા પુરાવા મળતા અદાલતમાં ચાર્જશીટ દાખલ કરેલ હતું કેસ ચાલતા દરમયાન પતિનું અવસાન થયેલ હતું.

એડવોકેટ શ્રી અંતાણીની તમામ દલીલોથી સહમત થઇ અને રાજકોટની ફોજદારી અદાલતે તમામ આરોપીઓને આઇપીસી કલમ ૪૯૮ (ક), ૩ર૩, પ૦૪, પ૦૬ (ર), ૧૧૪ વિગેરે જેવી સ્ત્રી અત્યાચારના ભારી ગુન્હાવાળા કેસમાં નિર્દોષ છોડવાનો હુકમ ફરમાવેલ છે જેથી આરોપીઓએ રાહતનો દમ લીધેલ છે.

ઉપરોકત કેસમાં તમામ આરોપીઓ વતી રાજકોટના એડવોકેટ શ્રી સંદીપ કે.અંતાણી તથા સમીમબેન એમ.કુરેશી રોકાયા હતા.

(3:51 pm IST)