રાજકોટ
News of Tuesday, 7th January 2020

સિસ્ટર નિવેદીતા ફાઉન્ડેશન દ્વારા શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ જાહેર

પૂર્વ પ્રાથમિક વિભાગમાં અણુમાલા કાકરાપાડના શિક્ષિકા સ્વાતિબહેન શાહને, પ્રાથમિક વિભાગમાં સુરેન્દ્રનગરના શિક્ષક રમેશચંદ્ર મુલિયાને અને માધ્યમિક વિભાગમાં રાજકોટના શિક્ષક ભરતસિંહ પરમારની પસંદગી

રાજકોટ તા. ૭ : શિક્ષણ ક્ષેત્રે પોતાનું શ્રેષ્ઠ યોગદાન આપી શિક્ષણ કાર્યને ઉજાળનારા શિક્ષકોની નિષ્ઠાને બિરદાવવા સિસ્ટર નિવેદિતા ફાઉન્ડેશન રાજકોટ દ્વારા દર વર્ષે શ્રેષ્ઠ શિક્ષકોની પસંદગી કરી એવોર્ડ એનાયત કરવામાં આવે છે. અત્યાર સુધી રાજયભરમાંથી કુલ ૬૯ શિક્ષકો આ એવોર્ડથી સન્માનિત થઇ ચુકયા છે.

વર્ષ ૨૦૧૮-૨૦૧૯ ના આ એવોર્ડ માટે પસંદગી સમિતિએ જાહેર કરેલ વિગતો મુજબ પૂર્વ પ્રાથમિક વિભાગમાં કલરવ કિન્ડર ગાર્ટન સ્કુલ અણુમાલા- કાકરાપાડ તા. ન્યારાના શિક્ષિકા સ્વાતિબેન શાહની આ એવોર્ડ માટે પસંદગી થઇ છે. જેઓનું બાળ કેળવણી ક્ષેત્રે નોંધપાત્ર પ્રદાન રહ્યુ છે. પૂર્વ પ્રાથમિક શિક્ષણ માટેની પધ્ધતિમાં એન્જોય યોર સ્ટડી, ચાઇલ્ડ ડેવલપમેન્ટ વગેરે બાલશિક્ષણમાં ઉપયોગી વિષયો પર પ્રયગશીલ કાર્ય કર્યુ છે. વનપથ ટ્રસ્ટ સંચાલિત બીલપુડીની ચાર શાળાઓમાં શિક્ષકોને તાલીમ આપવામાં તજજ્ઞ તરીકે સેવા આપી રહ્યા છે. બાળ સાહિત્યના લેખન અને પ્રકાશનમાં પ્રસંશનીય કામગીરી કરેલ છે.

પ્રાથમિક શિક્ષણક્ષેત્રે આ એવોર્ડ માટે પે-સેન્ટર શાળા નં. ૭, જોરાવરનગર, જિ. સુરેન્દ્રનગરના શિક્ષક રમેશચંદ્ર મુલિયાની પસંદગી થઇ છે. તેઓ ૨૧ વર્ષના પોતાના કાર્યકાળ દરમિયાન શિક્ષક અને માસ્ટર ટ્રેઇનર તરીકે સેવાઓ આપી રહ્યાછે. શિક્ષક થયા બાદ એમ.એ. અને એલ.એલ.બી.ની ડીગ્રી મેળવી છે. બાળકવાર્તા કથનમાં રાજયકક્ષાના સેમીનારોમાં તજજ્ઞ તરીકે સેવા આપે છે. લોકભાગીદારીથી શાળામાં હેન્ડવોશ સ્ટેન્ડ તૈયાર કરાવેલ છે. બાળકોમાં સદ્દવાચનનો રસ કેળવાય તે હેતુથી 'શિક્ષણ ચિંતન' નામે દ્વી માસીકનું પ્રકાશન કરી રહ્યા છે. કાળ કાવ્ય સંગ્રહો, બે બાળ વાર્તા સંગ્રહો, ચાર સંકલિત પુસ્તકો, ઉખાણા અને જોડકણાંના સાત પુસ્તકો પ્રકાશિત કરેલ છે. તેમની શિક્ષણ અને સેવાકીય પ્રવૃત્તિઓ બદલ ભાઇ તાઇ બાલસેવા એવોર્ડ, સેવારત્ન એવોર્ડ, સાંદીપની વિદ્યાગુરૂ એવોર્ડ એનાયત થયા છે.

માધ્યમિક શિક્ષણક્ષેત્રે આ એવોર્ડ માટે રાજકોટની લાલબહાદુર શાસ્ત્રી વિદ્યાલયના શિક્ષક ભરતસિંહ પરમારની પસંદગી થઇ છે. તેઓ શિક્ષક હોવા સાથે પર્વતારણ જેવી સાહસિક પ્રવૃત્તિઓમાં પણ રસ ધરાવે છે. પર્વતારોક ઇન્સ્ટ્રકટર તરીકે ૧૯૯૯ થી રાજય સરકારમાં સેવા આપે છે. ૯ જેટલા દુષ્કર ટ્રેકીંગ સાહસોમાં ભાગ લઇ ચુકયા છે. ૨૩,૪૦૦ ફુટની ઉંચાઇ સુધી નંદાપુરી પર્વતારોહણ કરી ચુકયા છે. ઉપરાંત સાયકલીંગ અને મોટર બાઇકની સાહસ પ્રવૃત્તિઓમાં પણ ભાગ લેતા રહે છે. અખિલ ગુજરાત ગિરનાર આરોહણ સ્પર્ધામાં બે વખત ભાગ લીધો છે. શાળામાં સ્કાઉટ પ્રવૃત્તિનું સંચાલન પણ સંભાળી રહ્યા છે. તેઓએ વિવિધ પ્રકારની સાહસ પ્રવૃત્તિઓમાં ભાગ લઇ લિમ્કા બૂક ઓફ નેશનલ રેકોર્ડ, ઇન્ડિયા બૂક ઓફ નેશનલ રેકોર્ડ, વર્લ્ડ રેકોર્ડ ઇન્ડિયા તથા ઇવેન્ટ ઓર્ગેનાઇઝરમાં માનાંક પ્રસ્થાપિત કર્યા છે.

(3:46 pm IST)