રાજકોટ
News of Tuesday, 7th January 2020

રેલ્વેની મિલ્કતો, ઉત્પાદક યુનિટ્સ, લોકોમોટીવ્સના ખાનગીકરણ સામે કાલથી ૩ દિવસ દેશભરમાં 'રેલ બચાવો સંઘોષ્ટિ' અંતર્ગત વિરોધ પ્રદર્શન

રાજકોટ ડિવીઝનમાં મઝદૂર સંઘના સેક્રેટરી હિરેન મહેતાની આગેવાનીમાં કાલે હાપા, પરમ દિવસે સુરેન્દ્રનગર અને ૧૦મીએ રાજકોટમાં ધરણા - પ્રદર્શન

રાજકોટ, તા. ૭ : નેશનલ ફેડરેશન ઓફ ઈન્ડિયન રેલ્વેમેનના આદેશાનુસાર વેસ્ટર્ન રેલ્વે મઝદૂર સંઘના ડિવીઝનલ સેક્રેટરી હિરેન મહેતાની આગેવાની હેઠળ અને એનએફઆઈઆરના અલગ અલગ ઝોનલ સંગઠનો દ્વારા આવતીકાલે તા.૮થી ૧૦ જાન્યુઆરી દરમિયાન મોટાપાયે રેલ્વેના ખાનગીકરણ, નિગમીકરણ, રેલ્વેના ઉત્પાદક યુનિટો જેવા કે રાયબરેલી કોચ ફેકટરી, ચિતરંજન લોકોમોટીવ વર્કસ સહિતની રાષ્ટ્રીય સંપત્તિ સમી મિલકતોના વેચાણ સામે સખ્ત વિરોધ દર્શાવવા 'રેલ્વે બચાઓ સંઘોષ્ટિ' અંતર્ગત દેખાવો અને પ્રદર્શન યોજવામાં આવશે. આ વિરોધ પ્રદર્શન કાલે રાજકોટ ડિવીઝનના હાપા, પરમ દિવસે સુરેન્દ્રનગર અને ૧૦મીએ રાજકોટ ખાતે યોજાશે.

'રેલ્વે બચાઓ સંઘોષ્ટિ'માં ઘણા મહત્વના મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. રેલ્વેનું પર્ફોર્મન્સ, રેલ વર્ક ફોર્સનો રોલ, રેલ મંત્રાલયની પોલીસી, કેપીટલ ઈન્વેસ્ટમેન્ટ્સના પરિણામે રેલ્વેની નાણાકીય સ્થિતિ સહિતના મુદ્દાઓ આવરી લેવામાં આવ્યા છે.

'રેલ્વે બચાઓ સંઘોષ્ટિ' અંતર્ગત એનએફઆઈઆર દ્વારા સરકાર સામે ઉઠાવાયેલા મુદ્દાઓમાં માત્ર કમાણી બાજુ ધ્યાન આપતા તંત્રના બદલે રેલ્વેના ટીકીટચાર્જ, ભારતીય કમ્પ્ટ્રોલર અને ઓડીટ જનરલના રિપોર્ટ અનુસાર રેલ્વેને થતાં વાર્ષિક નાણાકીય નુકશાનનો પણ મુદ્દો ઉઠાવી રહ્યુ છે. આ ઉપરાંત ઓર્ગેનાઈઝેબલ રીફોર્મ, કોસ્ટ કટીંગ, ખર્ચાઓ ઉપર કંટ્રોલ, રેલ ઉત્પાદન વૃદ્ધિના મુદ્દે કર્મચારીઓમાં ભયમુકિતનું વાતાવરણ વર્તાય અને જરૂર વગરના અનિચ્છનીય વિજીલન્સ કેસો સામે પ્રોટેકશનની માંગણી પણ ઉઠાવવામાં આવી છે.

રેલ મંત્રાલયે આજે તા.૭ અને આવતીકાલે ૮ના રેલ્વે ઓફીસરો સાથે સંઘોષ્ટિ યોજી કર્મચારી વિરોધી અને યુનિયન વિરોધી નીતિઓ સંદર્ભે ચર્ચા કરી વિરોધ પ્રદર્શિત કર્યો હતો. ઉલ્લેખનીય છે કે રેલ્વે બોર્ડ સાથે ગત તા.૨૭મીની જોઈન્ટ કન્સલ્ટેટીવ મીટીંગમાંથી વોકઆઉટ કર્યો હતો. જેના પરિણામરૂપે રેલ્વે મિનિસ્ટર પિયુષ ગોયલે તા.૩૦-૧૨-૨૦૧૯ના એનએફઆઈઆરના મહામંત્રી ડો. એમ. રાઘવીયા તેમની ચેમ્બર રેલભવન નવી દિલ્હીમાં આમંત્રિત કરી ચર્ચા કરી હતી અને ૧૬મી જાન્યુઆરીએ એનએફઆઈઆર અને એઆઈઆરએફના ૩૦૦ ડેલીગેટ્સને આમંત્રિત કરી પ્રશ્નોનું નિરાકરણ લાવવાની દિશામાં આગળ વધવાની હાલ તુર્ત વાત કરી છે.

(3:43 pm IST)