રાજકોટ
News of Tuesday, 7th January 2020

રાજકોટ શહેર-રૂરલ, મોરબીના પોલીસ કર્મચારીઓની ટીમે -૧૭ ડીગ્રીમાં ૧૨૫૦૦ની ટોચ પર પહોંચી તિરંગો લહેરાવ્યો

સાહસિક યુવાનોએ કેદારકંઠા (ઉત્તરાખંડ)માં યુથ હોસ્ટેલ મારફત ચાર દિવસમાં પુરૂ કર્યુ ટ્રેકિંગ

રાજકોટ તા. ૭: બરફાચ્છાદિત પહાડોમાં ટ્રેકિંગની મજા જ કંઇક ઓર હોય છે. પરંતુ આંધળુકિયા નહિ, પુરી તૈયારી સાથે ટ્રેકિંગમાં જોડાવું પડે છે. શારીરિક-માનસિક રીતે પણ તમે સક્ષમ હો તે જરૂરી છે. રાજકોટ શહેર પોલીસની ટીમ, તથા રૂરલના પોલીસમેન અને મોરબીના પોલીસમેન અને લાઇનબોયના ૧૨ જુવાનીયાઓની ટીમે ઉત્તરાખંડમાં માઇનસ ૧૭ ડીગ્રી તાપમાન વચ્ચે ૧૨૫૦૦ ફુટની ઉંચાઇ સુધી પહોંચી કેદારકંઠાનું ટ્રેકિંગ ચાર દિવસમાં સફળતા પુર્વક પાર પાડી ટોચ પર તિરંગો લહેરાવ્યો હતો.

એક એનજીઓ દ્વારા તાજેતરમાં કેદારકંઠા (ઉત્તરાખંડ) પર ટ્રેકિંગનું આયોજન થયું હતું. યુથ હોસ્ટેલ દ્વારા નામ નોંધણી બાદ શહેર પોલીસના ટ્રાફિક બ્રાંચના એએસઆઇ હાર્દિકભાઇ રવૈયા, ડીસીબીના હેડકોન્સ. અભિજીતસિંહ જાડેજા, બી-ડિવીઝનના હેડકોન્સ. ધર્મરાજસિંહ જાડેજા, ડીસીબીના કોન્સ. ઇન્દ્રજીતસિંહ ગોહિલ, એસીપી ગેડમની ઓફિસના કર્મચારી કોન્સ. દિવ્યરાજસિંહ ઝાલા, મોરબી પોલીસના કોન્સ. રવિરાજસિંહ ઝાલા, રાજકોટ રૂરલમાં કમાન્ડો તરીકે ફરજ બજાવતાં રાજેન્દ્રસિંહ પરમાર અને લાઇનબોયની ૧૨ જવાનોની ટૂકડી આ ટ્રેકિંગમાં સામેલ થઇ હતી.

૨૮મી ડિસેમ્બરે મસૂરી બેઝ કેમ્પ પર રિપોર્ટિંગ બાદ ટ્રેકિંગની શરૂઆત થઇ હતી. પ્રારંભે સાંકડી એ પછી લુવાશા, જુડા લેક અને હરગાંવના કેમ્પ ક્રમશઃ પસાર કરી આ ટૂકડી ચોથા દિવસે માઇનસ ૧૭ ડીગ્રી તાપમાન વચ્ચે કેદારકંઠાની ટોચ પર સફળતા પુર્વક પહોંચી હતી અને ત્યાં તિરંગો લહેરાવી ગોૈરવ અનુભવ્યું હતું. તમામ પોલીસ કર્મચારીઓ અને સાથેના જવાનોના આ સાહસિક કાર્યને સમગ્ર ગુજરાત પોલીસે બિરદાવ્યું હતું.

રાજકોટની આ ટૂકડી સાથે અન્ય રાજ્યો રાજસ્થાન, પશ્ચિમ બંગાળ, કર્ણાટકની ટૂકડીઓ પણ હતી. કુલ ૫૦ જણાના ગ્રુપ સાથે બે ગાઇડ પણ સામેલ હતાં. યુથ હોસ્ટેલ દ્વારા યોજાતા આવા કેમ્પમાં સાહસિક યુવાનો સામેલ થઇ શકે છે. વધુ માહિતી માટે કોન્સ. ઇન્દ્રજીતસિંહ ગોહિલ (મો.૯૭૨૬૧ ૦૦૦૮૫)નો સંપર્ક કરી શકાય છે.

(11:42 am IST)