રાજકોટ
News of Tuesday, 7th January 2020

શિક્ષક રજાકભાઇ ઉનડપોત્રાએ ગણિત વિષયમાં બિંદુ, વર્તુળ, ભાગાકાર, ત્રિકોણ પર બાળ વાર્તાઓ રચી

અગાઉ ઓપન સોૈરાષ્ટ્ર બાળવાર્તા પ્રતિયોગીતામાં પ્રથમ વિજેતા થયેલા રાજકોટના વતની આ શિક્ષકે જીલરીયા પ્રા. શાળાના બાળકોમાં ગણિતને પ્રિય વિષય બનાવી દીધા

રાજકોટ તા. ૭: કુવાડવા નજીક  આવેલા ત્રી મંદિર ખાતે તા. ૨ અને ૩ના રોજ રાજકોટ જિલ્લાનો એજયુકેશનલ ઇનોવેશન ફેસ્ટિવલ યોજાઈ ગયો હતો. જેમાં પડધરી તાલુકાના જીલરીયા ગામ ની પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે નોકરી કરતા રજાકભાઈ ઉનડપોત્રા કે જ ઓપન સૌરાષ્ટ્ર બાળવાર્તા પ્રતિયોગિતામાં પ્રથમ આવ્યા હતાં તેમણે પોતે જ પોતાની સ્વરચિત બાળવાર્તાઓ અને એ પણ ધોરણ ૩ થી ૫ ના ગણિતના દરેક એકમ પર બનાવી શિક્ષણ ક્ષેત્રે સુંદર નવતર કાર્ય કર્યુ હતું.

 રજાકભાઈ રાજકોટની ઘણી એવી શાળાઓના બાળકો ના પણ પ્રિય છે કેમ કે તેઓ અભિનય સાથે ખૂબ સુંદર બાળવાર્તા કરે છે. રાજકોટ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન દ્વારા આયોજિત એજયુકેશનલ ઇનોવેશન ફેસ્ટિવલ ૨૦૧૯ -૨૦ માં તેમનો આ પ્રયોગ અનેક લોકોએ જોયો હતો અને વખાણ્યો હતો. અમુકે તો ઉનડપોત્રાની વાર્તાઓ સાંભળી પોતાને ગિજુભાઈ બધેકાની યાદ તાજી થતી અનુભવી. હતી. આજના સમયમાં બાળકો જયારે વાર્તાથી દૂર જઈ રહ્યા છે ત્યારે   ગણિત વિષયમાં બિંદુ, વર્તુળ,ભાગાકાર,ત્રિકોણ, વગેરે જેવા વિષય પર નવી બાળવાર્તાઓનો પ્રયોગ રજાકભાઇનો પ્રયોગ શિક્ષણવિદો ખુબ સરાહનીય ગણાવી રહ્યા છે.

બાળકોને ગણિત વિષયમાં ખુબ જ રસ પડે એ માટે થઇને રજાકભાઇએ ધો ૩ થી ૫ના ગણિતના વિષયના એકમને અનુરૂપ બાળવાર્તાઓ રચવાનું શરૂ કર્યુ હતું. તેમનો આ પ્રયોગ સફળ પણ થયો હતો. પડધરીના જીલરીયા ગામની શાળામાં જ તેમણે બાળકોને ગણિત વિષય વાર્તા સાથે ભણાવ્યો અને સફળતા પણ મળી. બાળકો આ વિષયમાં રૂચી લેતાં થઇ ગયાં. વાર્તાથી સમજ મળતાં આનંદ-ઉત્સાહ સાથે બાળકો ગણિત શીખી રહ્યા છે. રજાકભાઇ ઉનડપોત્રા રાજકોટના જ વતની છે. તેમને આ કાર્ય માટે (મો.૯૮૨૪૨ ૩૮૩૩૭) ઉપર શુભકામનાઓ મળી રહી છે.

(11:42 am IST)