રાજકોટ
News of Tuesday, 7th January 2020

શુક્રવારે ભારતમાં ચંદ્રગ્રહણનો અદ્દભૂત અવકાશી નજારો

વર્ષ ૨૦૨૦નું પ્રથમ ચંદ્રગ્રહણ : રાજયમાં ગ્રહણની ગેરમાન્યતા ખંડન કાર્યક્રમો યોજાશે : જાથાઃ આશરે ૪ કલાકનો અવકાશી નજારો : રાજકોટમાં રાજયકક્ષાનો કાર્યક્રમ, ગ્રહણ સમયે ચા - નાસ્તાનું આયોજન : જયોતિષીઓના ગ્રહણ સંબંધી ફળકથનો નર્યો બકવાસ : ભારતમાં સદીઓથી ગ્રહણ સંબંધી લેભાગુઓ ગુમરાહનંુ કામ કરે છે : જયંત પંડ્યા

રાજકોટ, તા. ૭ : સમગ્ર ભારત સહિત વિશ્વના અમુક દેશો - પ્રદેશોમાં આગામી શુક્રવારે તા.૧૦ અને તા.૧૧ના શનિવારે રાત્રીના છાયા ચંદ્રગ્રહણનો અદ્દભૂત અવકાશી નજારો બનવાનો છે. ભારતમાં આશરે ૪ કલાક સુધી ગ્રહણની અવધી છે. ટેલીસ્કોપ, દૂરબીન, વિજ્ઞાન ઉપકરણ ઉપરાંત નરી આંખે અવકાશી નજારો જોવા મળશે. છાયા - માદ્ય ચંદ્રગ્રહણ હોય ખગોળરસીકની સાથે રાખી અવકાશી નજારો આહલાદક નિહાળી શકાશે. વિજ્ઞાન દૂરબીન, ટેલીસ્કોપથી ગતિવિધિ અલૌકિક જોઈ શકાશે. રાજયમાં ગ્રહણ નિદર્શન સાથે સદીઓ જૂની ગેરમાન્યતાનું ખંડન કાર્યક્રમો ભારત જન વિજ્ઞાન જાથાની રાજય કચેરીએ જાહેર કર્યા છે. જાથાના રાજયકક્ષાના કાર્યક્રમમાં નિદર્શન સાથે ચા - નાસ્તાનું આયોજન રાખવામાં આવ્યુ છે.

જાથાના રાજય ચેરમેન અને એડવોકેટ જયંત પંડ્યાએ જણાવ્યુ કે સંવત ૨૦૭૬ પોષ સુદ પૂનમ શુક્રવાર તા.૧૦-૧૧ના પુનર્વસુ નક્ષત્ર અને મિથુન રાશીમાં થનારૂ છાયા માદ્ય ચંદ્રગ્રહણ સમગ્ર ભારત દેશમાં દેખાશે. આ ગ્રહણ ઓસ્ટ્રેલિયા, એશીયા, યુરોપ, આફ્રિકા, દક્ષિણ અમેરીકાનો છેવાડાનો પૂર્વ ભાગ, ઉત્તર અમેરીકાનો ઉત્તર ભાગ, એટલાન્ટીક મહાસાગર, હિન્દુ મહાસાગર અને પેસીફીક મહાસાગરમાં ગ્રહણનો નજારો જોવા મળશે.

રાજયકક્ષાનો કાર્યક્રમ રાજકોટ ખાતે યોજાનાર છે. જેમાં ગ્રહણ સમયે ચા-નાસ્તાનું આયોજન કરી સદીઓની જૂની ગેરમાન્યતાનું ખંડન કરી લેભાગુઓના ફળકથનોની હોળી કરવામાં આવશે. દેશભરમાં જાથાની રાષ્ટ્રીય કચેરી લોકો અવકાશ તરફ નજર કરતા થાય તે માટે અભિયાન હાથમાં લીધુ છે. લોકોને ખગોળ વિજ્ઞાનથી મહત્તમ માહીતગાર કરવામાં આવે છે. ગ્રહોની યુતિ - ગ્રહણો ખગોળીય ઘટના છે. તે સંબંધી જાણકારી આપવામાં આવે છે. ગ્રહણો ભૂમિતિ - પરિભ્રમણની રમત છે. રાજયભરમાં તા.૧૦મી રાત્રે નિદર્શન સાથે ખંડન કાર્યક્રમો યોજાવાના છે. છાયા ચંદ્રગ્રહણ ટેલીસ્કોપ - દૂરબીનથી આહલાદક જોઈ શકાશે.

પૃથ્વી ઉપર દર મિનિટે સારી - ખરાબ, શુભ - અશુભ, લાભ - નુકશાન, હોની - અનહોની ઘટના ભૌગોલિક પરિસ્થિતિ, પ્રાકૃતિક - કુદરતી, નિયમો અનુસાર બને જ છે તેને કોઈ અટકાવી શકતુ નથી કે રોકી શકતુ નથી. તેને જપ - તપ, અનુષ્ઠાન, પૂજાવિધિ કે અન્ય કોઈપણ પ્રકારના ક્રિયાકાંડોના ગતકડા, આર્શીવાદ કે કૃપાદૃષ્ટિ સાથે કશી જ લેવા-દેવા નથી. લેભાગુઓ સદીઓથી નિરાધાર વાતો મૂકી અમંગળ ઘટના બતાવી લોકોને મૂર્ખ બનાવે છે. હોમ - હવન, જપ - તપ, અનુષ્ઠાન વગેરેને અનુસરવુ તે માનસિક અધઃપતન સાથે સમયની બરબાદી જ છે. ગ્રહણની જયોતિષિઓ દર્શાવે છે તેવી કોઈપણ ભૌગોલિક અસરો જોવા મળતી ન હોવાનું યાદીમાં જણાવાયુ છે. ગામેગામ કાર્યક્રમો યોજાયા હોય જાથાના ઉમેશ રાવ, અંકલેશ ગોહીલ, દિનેશ હુંબલ, વિનોદ વામજા, રાજુભાઈ યાદવ, જીવણભાઈ મીયાત્રા, હસમુખ ગાંધી, અરવિંદ પટેલ, વિનુભાઈ લોદરીયા, રૂચીર કારીઆ, ગૌરવ કારીઆ, શૈલેષ શાહ, એસ.એમ. બાવા, હુસેનભાઈ ખલીફા, મગનભાઈ પટેલ, મુકેશભાઈ પટેલ, પ્રમોદ પંડ્યા, નિર્ભય જોષી, કિશોરગીરી ગોસાઈ, હરેશ ભટ્ટ, ભરત પંડ્યા વિ. કાર્યકરો વ્યવસ્થા કરી રહ્યા છે. રાજયમાં પોતાના ગામમાં ગ્રહણ નિદર્શન કાર્યક્રમ યોજવા ઈચ્છુકોએ મો.૯૮૨૫૨ ૧૬૬૮૯ ઉપર સંપર્ક કરવા યાદીના અંતમા જણાવાયુ છે.(૩૭.૪)

ગ્રહણ સ્પર્શ

ભારતીય સમય મુજબ ભૂમંડલે ગ્રહણ સ્પર્શ : ૨૨ કલાક ૩૭ મિનિટ ૪૪ સેકન્ડ, ગ્રહણ મધ્ય : ૨૪ કલાક ૪૦ મિનિટ ૦૨ સેકન્ડ, ગ્રહણ મોક્ષ : ૨૬ કલાક ૪૨ મિનિટ ૨૦ સેકન્ડ, છાયા ગ્રહણનો સમય અવધી : ૦૪ કલાક  ૦૪ મિનિટ ૩૬

સેકન્ડ, ગ્રહણનું ગ્રાસમાન : ૦.૧૧૧

(11:41 am IST)