રાજકોટ
News of Tuesday, 7th January 2020

કાલે રાષ્ટ્રવ્યાપી હડતાલઃ રાજકોટમાં LIC-બેંક-BSNL-પોસ્ટલ-ઇન્કમટેક્ષ-આંગણવાડી-મભોયોના હજારો કર્મચારીઓના દેખાવોઃ જાહેરસભા

LIC-બેંકો-પોસ્ટલની તમામ કામગીરીને ગંભીર અસર પડશેઃ દરેક કચેરી ખાતે દેખાવો સૂત્રોચ્ચાર

રાજકોટ તા.૭ : કેન્દ્ર સરકારની આર્થિક નીતિઓના વિરોધમાં તથા પોતાની વિવિધ માંગણીઓના સમર્થનમાં વિવિધ રાષ્ટ્રવ્યાપી યુનિયનોએ તા.૭ બુધવારે આપેલા રાષ્ટ્રવ્યાપી બંધના એલાનમાં રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છના એલઆઇસી ઓફ ઇન્ડીયાના કર્મચારીઓ જોડાઇને હડતાલ પાડશે તેમ સૌરાષ્ટ્ર-કચ્છના અગ્રણી વીમા કામદાર નેતા હર્ષદ પોપટે એક યાદીમાં જણાવ્યું છે. આ હડતાલમાં એલઆઇસી કર્મચારીઓના અગ્રણી રાષ્ટ્રવ્યાપી યુનિયન ઓલ ઇન્ડીયા ઇન્સ્યુરન્સ એેમ્પ્લોઇઝ એસોસીએશન (AIIEA) ઉપરાંત કામદારો તથા કર્મચારીઓના રાષ્ટ્રવ્યાપી સંગઠ્ઠનો ઇન્ટુક, આઇટુક, એચ.એમ.એસ.સીઆઇ ટીયુ., એઆઇયુટી યુસી, એઆઇસીસી ટીયુ સહિતના ટ્રેડ, યુનિયનો ઉપરાંત ઓલ ઇન્ડીયા બેંક એમ્પ્લોઇઝ એસોસીએશન, સંરક્ષણ, ખાણ-ખનીજ, બીએસએનએલ પોસ્ટલ સહિતના રાજય તથા કેન્દ્ર સરકારના કર્મચારીઓ ઇન્કમટેકસ યુનિયન, આંગણવાડી, આશા-મધ્યાહન ભોજન સેવાર્થીના ફેડરેશનો, મહામંડળો તથા એસોસીએશને એક મંચ ઉપર આવી આ હડતાલનું એલાન આપ્યું છે કેન્દ્ર સરકારની આર્થિક નીતીઓના વિરોધમાં આ રાષ્ટ્ર વ્યાપી હડતાલનું એલાન અપાયું છે ગણ્યા ગાંઠયા ઉદ્યોગપતિઓ અનેવિદેશી કોર્પોરેટ કંપનીઓને માલામાલ કરવાની નીતીના વિરોધમાં તથા ખાડે ગયેલા અર્થતંત્ર અને તેને કારણે સર્જાયેલી અસહ્ય મોંઘવારી, બેરોજગારીની સ્થિતિ સહિતના વિવિધ મુદ્દા હડતાલમાં વણી લેવાયા છે. એલઆઇસી રાષ્ટ્રીયકૃત બેંકો સહિતની વિવિધ સંસ્થાઓ અને સરકારી કચેરીઓના કર્મચારીઓ આ હડતાલમાં જોડાઇને કેન્દ્ર સરકારની આર્થિક નીતીઓનો પ્રંચડ વિરોધ કરશે તેમ હર્ષદ પોપટે અંતમાં જણાવ્યું છે.

(11:40 am IST)