રાજકોટ
News of Tuesday, 7th January 2020

સિવિલના કે. ટી. ચિલ્ડ્રન વિભાગમાં છેલ્લા ૨૬ કલાકમાં વધુ બે બાળકોના મોતઃ આજે ૪૬ બાળકો સારવાર હેઠળ

૬૦માંથી ૧૩ બાળકો સાજા થઇ જતાં ગઇકાલે રજા આપવામાં આવી હતીઃ હોસ્પિટલમાં હાલ સંપુર્ણ સુવિધાઃ ડો. મનિષ મહેતા

રાજકોટ તા. ૭:સિવિલ હોસ્પિટલના કે. ટી. ચિલ્ડ્રન વિભાગમાં એક વર્ષમાં ૧૨૩૫ નવજાત બાળકોના મોતને પગલે હોબાળો મચી ગયો હતો. ગઇકાલે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અને શહેર કોંગ્રેસે હોબાળો મચાવી આ માટે આરોગ્ય તંત્રને જવાબદાર ઠેરવી રાજીનામા પણ માંગી લીધા હતાં અને હોસ્પિટલ ચોકમાં ધરણા કર્યા હતાં. ત્યાં સિવિલ હોસ્પિટલના કે. ટી. ચિલ્ડ્રન વિભાગમાં વધુ બે બાળકોના મોત થયા છે. છેલ્લા ૨૬ કલાકમાં આ બે મોત થયાનું સત્તાવાર સુત્રોએ જણાવ્યું હતું.

ગયા ઓકટોબર મહિનામાં કે. ટી. ચિલ્ડ્રન વિભાગમાં ૮૭, નવેમ્બરમાં ૭૧ અને ડિસેમ્બરમાં ૧૧૧ નવજાતના મૃત્યુ થયા હતાં. નવજાતના મૃત્યુ પાછળના કારણો પણ જવાબદારોએ સ્પષ્ટ કર્યા હતાં. બહાર કે ઘરે ડિલીવરી થઇ હોઇ, ઓછા વજનના હોય, જન્મજાત ખામીવાળા હોય તેવા બાળકો તેમજ ડિલીવરી બાદ જે તે સ્થળેથી સિવિલ  હોસ્પિટલમાં ખસેડવામાં વધુ સમય લાગી ગયો હોય તેવા કે પછી જન્મથી જ ખુબ નબળા હોય તેવા બાળકોને બચાવવાનો તબિબો પ્રયાસ કરતાં જ હોય છે. આમ છતાં આવા નવજાત અંતિમશ્વાસ લઇ લેતાં હોય છે. એક વર્ષમાં કે. ટી. ચિલ્ડ્રન વિભાગમાં કુલ ૧૨૩૫ નવજાતના જીવ મુરઝાઇ ગયાનું જાહેર થતાં રાજ્યભરમાં હોબાળો મચી ગયો હતો. દરેક જીલ્લાની સરકારી હોસ્પિટલો, આરોગ્ય કેન્દ્રોના નવજાતના મૃત્યુના આંકડાઓ જાહેર થવા માંડ્યા હતાં. છેક ગાંધીનગર સુધી કોંગ્રેસે રજૂઆત કરી છે.

બીજી તરફ કે. ટી. ચિલ્ડ્રન હોસ્પિટલમાં દાખલ પૈકીના વધુ બે નવજાતે દમ તોડ્યો છે. ગઇકાલ સવારના આઠથી આજ સવારના નવ સુધીના સમયમાં બે નવજાત બાળકોના મૃત્યુ થયાનું સત્તાવાર રીતે જાણવા મળ્યું છે. જે બાળકોના મોત થયા તેમાં એક ભાડલાનું અને બીજુ અમરેલી પંથકનું હતું અને બાવીસ દિવસથી દાખલ હતું. તેને ન્યુમોનિયા લાગુ પડ્યો હતો અને વેન્ટીલેટર પર રખાયું હતું. ફેફસા ફાટી જતાં તેનું મોત નિપજ્યું હતું.  તે સાથે આ મહિનાનો મૃત્યુ આંક ૧૩ હતો તે વધીને ૧૫ સુધી પહોંચ્યો છે. ગઇકાલે ૬૦ બાળકો સારવાર હેઠળ હતા. તેમાંથી ૧૩ સાજા થતાં રજા અપાઇ હતી. બે બાળકના મૃત્યુ બાદ હવે આજે ૪૬ બાળકો સારવાર હેઠળ છે. જેમાંથી ચાર સર્જીકલ વિભાગમાં છે અને દાખલ પૈકીના સાત બાળકોની હાલત ગંભીર છે. જે પંદર બાળકોના જાન્યુઆરીમાં મૃત્યુ થયા તેમાં ત્રણ બાળકો રાજકોટ જીલ્લામાં જન્મ્યા હતાં. ત્રણ બાળકોનો જન્મ રાજકોટ સિવિલમાં જ થયો હતો. ૧૨ બાળકો તાલુકા અને અન્ય જીલ્લાના હતાં. જે બાળકો સારવાર હેઠળ છે તેને તમામ પ્રકારની સુવિધા હેઠળ સારવાર આપવામાં આવી રહ્યાનું તબિબી અધિક્ષક ડો. મનિષ મહેતાએ જણાવ્યું હતું.

(3:32 pm IST)