રાજકોટ
News of Monday, 7th January 2019

ચેમ્બર ચૂંટણી જંગઃ કડવા-લેઉવા પાટીદારોને સામસામા લડતા અટકાવવા સમાજના મોભીઓ મેદાનમાં:બપોરે સમાધાન માટે બેઠક,સમરસ પેનલ બનાવવા પ્રમુખપદનો પ્રશ્ન ઉકેલવા ધમધમાટ

ચેમ્બરની ગરમા જળવાય અને પાટીદારોમાં એકસંપ રહે તે માટે નરેશ પટેલ, મૌલેશ ઉકાણી વગેરે અગ્રણીઓ બન્ને હરિફ પેનલોને મળી સમાધાનનો રસ્તો શોધશેઃ અરવિંદભાઇ તાળાઃ વી.પી. અને ગૌતમભાઇ ધમસાણીયાને સાથે બેસાડવામાં આવશેઃ ગઇકાલથી શરૂ થયેલો સમાધાનનો પ્રયાસઃ પ્રમુખપદ માટે હુસાતુસી હોવાની ચર્ચાઃ જો સમાધાન નહી થાય તો ચૂંટણી નક્કી

રાજકોટ તા. ૭ :.. બહુ ગાજેલી રાજકોટ ચેમ્બર ઓફકોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીની આવી પડેલી મધ્યસત્ર ચૂંટણીમાં કડવા અને લેઉવા પાટીદારોની બે પેનલ સામસામી આવતા જબરો ઉહાપોહ મચી ગયા બાદ હવે પાટીદારોમાં એકતા સધાય અને કડવા-લેઉવા સામસામા ન લડે તે માટે ગઇકાલથી સમાધાનના પ્રયાસો વેગવંતા બન્યા છે. બન્ને જૂથો વચ્ચે સમાધાન કરાવવા માટે પાટીદાર સમાજના અગ્રણીઓ મેદાનમાં ઉતર્યા છે અને આજે બપોર બાદ બન્ને જૂથોને સામસામે બેસાડી કોઇ સમાધાનનો અથવા તો તેની ફોર્મ્યુલા ઘડી કાઢવામાં આવશે તેવું જાણવા મળે છે.

આ અંગે સહકારી આગેવાન અને પાટીદાર અગ્રણી અરવિંદભાઇ તાળાનો સંપર્ક સાધતાં તેમણે અકિલાને જણાવ્યું હતું કે ચેમ્બરની ચૂંટણી લડતાં કડવા અને લેઉવા પાટીદાર અગ્રણીઓ વચ્ચે કોઇ સમાધાન થાય અને બન્ને સામસામા ન લડે અને બન્ને જૂથોની એક સમરસ પેનલ બને તે માટે શનીવારથી પ્રયાસો હાથ ધર્યા છે જેના સંદર્ભમાં ગઇકાલેે પણ અલગ અલગ લોકો સાથે ચર્ચા થઇ હતી અને આજે બપોર બાદ બન્ને સમાજના અગ્રણીઓ નરેશભાઇ પટેલ અને મૌલેશભાઇ ઉકાણીની હાજરીમાં ફરી એક વખત એક બેઠક યોજવામાં આવી રહી છે અને આશા છે કે આ બેઠકમાં કોઇ સમાધાન ફોર્મ્યુલા બહાર આવી જશે.

અરવિંદભાઇ તાળાએ વધુમાં જણાવ્યું હતું કે ગઇકાલે વી. પી. જૂથ અને ગૌતમભાઇ ધમસાણીયા જૂથના લોકો સાથે બેઠકોના દોર ચલાવવામાં આવ્યો હતો અને કોઇ સમાધાન નીકળે તેવો રસ્તો શોધવામાં આવ્યો હતો. અત્યાર સુધી અમને હકારાત્મક સંકેતો મળ્યા છે અને આશા છે કે આજે બપોર બાદ સમાજના મોભીઓની હાજરીમાં જે બેઠક યોજાવવાની છે તેમાં કોઇ નકકર સમાધાન નીકળી જશે.

તેમણે જણાવ્યું હતું કે આ પ્રયાસોમાં વિનુભાઇ ગઢીયા પણ મધ્યસ્થી થઇ રહ્યા છે. ચેમ્બરની ગરીમા જળવાય અને કવોલીફાઇડ તથા કામ કરે તેવા લોકો હોદેદાર બને એવુ અમે માનીએ છીએ. જ્ઞાતિવાદના ધોરણે ચૂંટણી લડાતી હોય તેવી છાપ પણ દુર કરવા અમારો પ્રયાસ છે. વી. પી. અને ગૌતમભાઇ બન્ને સાથે બેઠકો યોજાય ગઇ છે તેઓ પણ હકારાત્મક સંકેતો આપી રહ્યા છે.

દરમ્યાન અત્યાર સુધી પ્રમુખપદ માટે પ્રશ્ન પેચીદો બન્યો હોવાનું જણાય છે. વી. પી. અને ગૌતમભાઇ બન્નેને પ્રમુખ બનવુ છે ત્યારે હવે શું સમાધાન નીકળે છે તે જોવાનું રહ્યું. એક ફોર્મ્યુલા એવી છે કે પહેલા જે પ્રમુખ બને તે એક વર્ષ હોદો ભોગવે અને બીજા જે પ્રમુખ બને તે બાકીના બે વર્ષ પ્રમુખપદ સંભાળે આ ફોર્મ્યુલા ઉપર સમાધાન થાય છે કે નહીં તે જોવાનું રહ્યું. અત્રે એ નોંધનીય છે કે બે વખતથી વી. પી. ના હાથમાંથી પ્રમુખપદનો કોળીયો છેલ્ડી ઘડીએ છીનવાય ગયો હતો તેથી તેઓ પ્રમુખપદ સિવાય બીજો કોઇ વિકલ્પ સ્વીકારવા તૈયાર નથી. આ સંજોગોમાં હવે મધ્યસ્થીઓ શું કરે છે તે જોવાનું રહ્યું. જો સમાધાન થાય તો સમરસ પેનલમાં બન્ને જૂથના કેટલા કેટલા સભ્યો લેવા એ અંગે પણ ચર્ચા વિચારણા થશે. બન્ને જૂથમાંથી બાર-બાર ઉમેદવારો પસંદ કરાય તો જ સમાધાન શકય બને તેમ છે અને તો જ સમરસ પેનલ બની શકે છે.

સમાધાનના આ પ્રયાસો અંગે પૂર્વ પ્રમુખ સમીર શાહનો સંપર્ક સાધતા તેમણે અકિલાને કહ્યું હતું કે સમાધાનના પ્રયાસો અંગે હું કશું જાણતો નથી. જ્ઞાતિવાદનું દૂષણ હોવું ન જોઇએ તેવું હું માનું છું અને એવું પણ માનું છું કે ચુંટણી ટાળવી અઘરી બાબત છે કારણ કે અનેક લોકોને ચેમ્બર ઓફ કોમર્સમાં પ્રવેશ મેળવવો છે. જયારે મારી પાસે કોઇ સમાધાનની વાત આવશે ત્યારે હું શું કરૂ એ નકકી કરીશ. આમ છતાં એટલું કહી શકું કે ચૂંટણી થશે એ નકકી છે.

(4:15 pm IST)