રાજકોટ
News of Friday, 6th December 2019

ચેક રિટર્ન કેસમાં ફાયનાન્સરને એક વર્ષની સજા અને ૧૪ લાખ પ૦ હજારનું વળતર ચુકવવા હુકમ

વળતરની રકમ આરોપી ન ચુકવે તો વધુ છ માસની સજાનો આદેશ

રાજકોટ તા. ૬: ચેક રીટર્ન કેસમાં અદાલતે રાજકોટ ખાતે બ્લોક નં. એચ/૮૦, નીલકંઠ પાર્ક, કોઠારીયા ખાતે રહેતા અને કોઠારીયા રોડ ખાતે ફાયનાન્સની ઓફીસ ધરાવતા દશરથસિંહ ભાદુભા ગોહીલ (ડી. બી.) ને એક વર્ષની સજા અને રૂ. ૧૪,પ૦,૦૦૦/- નું વળતર ચુકવવા તેમજ વળતરની રકમ ન ચુકવે તો વધુ છ માસની સજાનો હુકમ કર્યો હતો.

રાજકોટમાં વૈશાલીનગર શેરી નં. ૧૦, રૈયા રોડના રહેવાસી રંજનબેન મનોજભાઇ ગોંડલીયાએ રાજકોટના રે. સર્વે નં. ૭૧ પૈકી ૧ર ની ખેડવાણ જમીન હે.આરે.ચો.મી. ૦-૪૧-૩૧ વાળી જમીન આરોપીને વેચાણ આપેલ જેમાં ફરીયાદીએ સંમતિ આપનાર દરજજે સહી કરેલ જેમાં ફરિયાદીના ભાગે આવતી અમુક રકમ રોકડમાં તથા રૂ. ૧૪,પ૦,૦૦૦/-નો ચેક આરોપી દશરથસિંહ ભાદુભા ગોહીલે ફરીયાદીના નામનો ચેક આપેલ હતો.

ફરીયાદીને આરોપીએ આપેલ ચેક તેની બેંક રાજકોટ નાગરીક સહકારી બેંક લી.માં તા. ૧૩-૦૪-ર૦૧પના રોજ જમા કરાવેલ જે ચેક તા. ૧પ/૦૪/ર૦૧પના રોજ પેમેન્ટ સ્ટોપ્ડ બાય ડ્રોઅરના શેરા સાથે પરત ફરેલ. જેથી ફરીયાદીએ વકીલ મારફતે આરોપીને ડીમાન્ડ નોટીસી મોકલી ચેકની રકમ ચુકવી આપવા જણાવેલ જે નોટીસ બજી જવા છતાં આરોપીએ ફરીયાદીની ચેક મુજબની રકમ ભરપાઇ ન કરતા ફરીયાદીએ આરોપી વિરૂધ્ધ ધી નેગોશીયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એકટની કલમ-૧૩૮ મુજબ ફરીયાદ દાખલ કરી દાદ માંગેલ.

સદરહું કેસ ચાલી જતા કેસ સાબિત થવા અંગે ફરીયાદીના એડવોકેટ સદરહું ગુન્હા અંગે આરોપીને સજા કરવા તેમજ વળતર અપાવવા માટે રજુઆત કરેલ જેમાં રેકર્ડ તથા રજુઆત તથા ફરીયાદી તરફથી રજુ થયેલ જુદી-જુદી કોર્ટના જજમેન્ટ ધ્યાને લઇ આરોપી વિરૂધ્ધ ગુન્હો સાબિત માની આરોપી દશરથસિંહ ભાદુભા ગોહીલને તકસીરવાન ઠરાવી એક વર્ષની સજા તથા વળતર પેટે રૂ. ૧૪,પ૦,૦૦૦/- ચુકવવા હુકમ કરેલ જો વળતરની રકમ ન ચુકવે તો વધુ છ માસની સજા ભોગવવાનો હુકમ કરવામં આવેલ છે.

ફરીયાદી રંજનબેન મનોજભાઇ ગોંડલીયા વતી રાજકોટના એડવોકેટ અકબર એસ. હિંગોરજા, હિતેન્દ્રસિંહ ડી. જાડેજા, પરેશ એન. કુકાવા તથા પીયુષ યુ. લાવડીયા વિગેરે રોકાયેલા હતા.

(4:03 pm IST)