રાજકોટ
News of Friday, 6th December 2019

ડામર રોડનો ભ્રષ્ટાચાર અટકાવવા સિમેન્ટનાં રોડ બનાવોઃ કોંગ્રેસ

શહેરમાં દર ચોમાસે ડામરનાં રાજમાર્ગો તુટી જાય છે તેનાં કારણે પ્રજાનાં કરોડોનું પાણી થાય છેઃ આ વર્ષે પર કરોડનું નુકશાન : શહેરનાં તમામ મુખ્ય માર્ગો સિમેન્ટનાં બનાવવા વિપક્ષ કોંગ્રેસની માંગઃ વિપક્ષી નેતા વશરામ સાગઠીયા-પ્રમુખ અશોક ડાંગર અને પ્રદેશ મહિલા કોંગ્રેસ પ્રમુખ ગાયત્રીબા વાઘેલા સહિતના કોંગી આગેવાનોનું મ્યુ. કમિશનરને આવેદન

શહેરના તમામ મુખ્ય રાજમાર્ગોને સિમેન્ટથી મઢવા શહેર કોંગ્રેસના આગેવાનોએ મ્યુ. કમિશ્નરને સંબોધીને આવેદનપત્ર પાઠવ્યું હતું. તે વખતની તસ્વીરમાં પ્રમુખ અશોક ડાંગર, વિપક્ષી નેતા વશરામભાઇ સાગઠીયા, પ્રદેશ મહીલા પ્રમુખ ગાયત્રીબા અશોકસિંહ વાઘેલા, શહેર મહીલા પ્રમુખ મનીષાબા, પ્રદેશ અગ્રણી મહેશ રાજપુત, ઉપનેતા મનસુખ કાલરીયા વગેરે આસી. કમિશ્નર હર્ષદ પટેલને આવેદનપત્ર પાઠવી રહેલા નજરે પડે છે. (તસ્વીરોઃ સંદીપ બગથરીયા)

રાજકોટ તા. ૬ : શહેરમાં ડામરરોડના કામો હલકી કક્ષાના થતા હોઇ અને તેનો વ્યાપક ભ્રષ્ટાચાર થતો હોઇ દર ચોમાસે રસ્તાઓ તુટી જતા હોવાના આક્ષેપો સાથે શહેર કોંગ્રેસના આગેવાનોએ આજે સવારે મ્યુ.કમિશનર ઉદિત અગ્રાવલને આવેદન પત્ર પાઠવી ડામરરોડના ભ્રષ્ટાચારને કાયમી બંધ કરવા શહેરના રાજમાર્ગોને સિમેન્ટના બનાવવા માંગ ઉઠાવી હતી.

આ આવેદનપત્રમાં કોંગી આગેવાનોએ આક્ષેપો સાથે જણાવ્યું હતું કે રાજકોટમાં દર વર્ષે ચોમાસામાં ડામર રોડ તુટી જાય છે અને દર વર્ષે તેની ઉપર ડામરના થપેડા ઉપર થપેડા મારી રોડ બનાવેછે અને તે દરવર્ષે તુટી જાય છે. અને પેચવર્ક તો એવી રીતે કરવામં આવે છે કે જાણે ખાડા બુરીને ટેકરા બનાવવાના હોય ?

આથી રાજકોટ મહાનગરપાલિકાના કોંગ્રેસ પક્ષના કોર્પોરેટરો અને આગેવાનોની માંગણી છે કે રાજકોટના તમામ ૧૮ વોર્ડમાં જે રોડ ઉપરથી વધારે પાણી પસાર થતુંહોય અને વારવાર ડામર કરવો પડતો હોય તેવા દરેક વોર્ડમાં હાલ એક એક રોડ પસંદ કરીને સિમેન્ટના રોડ બનાવવામાં તેવી અમારી માગણી  છે જેથી પ્રજાના નાણાનો વેડફાટ ઓછો થાય છ.ે

આવેદનમાં વધુમાં જણાવાયું છે કે રાજકોટમાં ત્રણેય ઝોનના ડામર રસ્તાઓને વરસાદથી કુલ પર કરોડનું નુકશાન થયેલ છે તેવો રીપોર્ટ બાંધકામ ઇજનેરોએ મોકલ્યો હતો તેની સામે સરકારે રપ કરોડની ગ્રાન્ટ ફાળવી છેતે રપ કરોડમાંથી ડામર રોડ બનાવવાને બદલે સિમેન્ટ રોડ બનાવવામાં આવે તેવી અમારી માંગણી છે જેથી વારંવાર રોડ તૂટવાની અને ખાડા પડવાની જંઝટમાંથી મુકતી પણ મળશે.

અગાઉ નાનામૌવા મેઇન રોડ અને રૈયા ચોકડીથી રૈયા ગામ સુધીના રોડ પર સિમેન્ટ રોડ બનાવવામાં આવ્યો છે જેના ખુબજ સારા પરિણામો મળ્યા છે તેમ છતાં મહાનગરપાલિકાના કોઇ ઇજનેરો સિમેન્ટ રોડ બનાવવાનું સૂચવતા નથી તેની પાછળ ભ્રષ્ટાચારની બુ આવે છે તેવો આક્ષેપ આવેદન પત્રમાં લગાવાયો છે.

આથી સમગ્ર રાજકોટમાં ડામર રોડના બદલે સિમેન્ટ રોડ બનાવવામાં આવે તો પ્રજાના પૈસાનો વેડફાટ ઓછો થાય અને સિમેન્ટ રોડ ટકાઉ બનતા હોવાથી ૧૦ વર્ષ માંડ એકાદ વખત બનાવવા પડશે તેથી સિમેન્ટ રોડ બનાવવા માટેની સુચના ઇજનેરોને આપી અને પ્રજાના નાણા બચાવવા કોંગી આગેવાનોએ માંગ ઉઠાવી છે.

આ રજુઆતમાં વશરામભાઇ સાગઠીયા, મનસુખભાઇ કાલરીયા, ગાયત્રીબેન ભટ્ટ, નિલેશભાઇ મારૂ, રસીલા સુરેશ ગરૈયા, હારૂન ડાકોરા, અજુડિયા સંજય ડી., ભાબુને મસોટીયા, ઉર્વશીબા કે. જાડેજા, રવજીભાઇ સી. ખીમસુરિયા, જાગૃતિબેન પી. ડાંગર, જયાબેન ટાંક, ગાયત્રીબા વાઘેલા, ઘનશ્યામસિંહ એન. જોષી, વસંતબેન એમ. માલવી, કોંગ્રેસ પક્ષના આગેવાનોઃ અશોકસિંહ વાઘેલા (એડવોકેટ), મકવાણા ઘનશ્યામ, શેઠીયા ડાયાભાઇ, ગજેન્દ્રસિંહ ઝાલા, ભાવેશભાઇ, રસીકલાલ, હીરાભાઇ, ચાવડા છગનભાઇ, જગદીશભાઇ સખીયા, નારણભાઇ હીરપરા, સરોજગૌરી રાઠોડ, હિતાક્ષીબેન એસ. વાડોદરિયા, રમેશ તલાટીયા, ગૌરવ પુજારા, મેઘજીભાઇ રાઠોડ (પૂર્વ સ્ટેન્ડીંગ ચેરમેન), જગદીશભાઇ ડોડીયા, જાગૃતીબેન ડાંગર, પ્રભાતભાઇ ડાંગર, મિતુલ દોંગા, વિ. ડી. પટેલ, કેતન જરીયા, ગોપાલ બોરાણા, કાંતાબેન ચાવડા, હેમીબેન ગોહેલ, મનિષાબા એલ. વાળા, હંસાબેન કે. સાપરીયા, નલીનભાઇ બગડાઇ, ચંદ્રેશ રાઠોડ વગેરે સહીતનાં કોંગી આગેવાનો જોડાયા હતા.

(3:26 pm IST)