રાજકોટ
News of Friday, 6th December 2019

રાજકોટમાં આશાસ્પદ યુવતીને ડેંગ્યુ ભરખી ગયો

ડેંગ્યુએ હાહાકાર મચાવ્યો છે છતાં તંત્રવાહકો ઉત્સવોમાં મસ્ત : શહેરમાં ૧૬ થી વધુનાં ડેંગ્યુથી મોત

રાજકોટ, તા. ૬ :  શહેરમાં ડેંગ્યુના રોગચાળાનો હાહાકાર મચ્યો છે. અનેક બાળકો સહિતનાં ભોગ ડેંગ્યુનાં રોગચાળાએ લીધા છે. ત્યારે ગઇ કાલે રાત્રે વધુ એક આશાસ્પદ યુવતીનું મોત ડેંગ્યુના કારણે થયું છે.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ મુળ જેતપુરમાં અને છેલ્લા થોડા દિવસોથી રાજકોટનાં સહકાર નગર મેઇન રોડ શેરી નં.૬ ''મધુકુંજ''  મકાનમાં સ્થાયિ સ્થાપિત થયેલા ભીમજીયાણી પરિવારની આશાસ્પદ પુત્રી દામિની બકુલભાઇ ભીમજીયાણી (ઉ.વ.ર૧)ને બે દિવસ પહેલા માથુ દુઃખતુુ હોવાની સૌ પ્રથમ તેણીને સ્થાનિક ડોકટરની સારવાર બાદ શહેરની ખાનગી મલ્ટીસ્પેશ્યાલીટી હોસ્પિટલમાં દાખલ કરાયેલ અને તેણીને ડેંગ્યુનુ નિદાન થતાં તે મુજબની સારવાર શરૂ કરાયેલ તેમજ વેન્ટીલેટર પર રાખવામાં આવેલ હોવાનું તેણીનાં પરિવારજનોએ જણાવેલ પરંતુ બાદમાં આ મધ્યમવર્ગીય પરિવારને ખાનગી હોસ્પિટલની સારાવરનો ખર્ચ પરવડે તેમ નહીં હોવાથી તેણીને ગઇકાલે સીવીલ હોસ્પીટલમાંૈ દાખલ કરાયેલ જયાં રાત્રી દરમિયાન તેણીનું મોત નિપજતા ડેંગ્યુએ આ પરિવારની આશાસ્પદ યુવતીને ભરખી લીધી હતી. ઙ્ગ

નોંધનિય છે કે છેલ્લા ૬ મહિનાથી ડેંગ્યુએ હાહાકાર મચાવ્યો છે. દર અઠવાડિયે ૮૦ થી ૯૦ લોકોને ડેંગ્યુનું નિદાન થઇ રહ્યું છે. એટલુ જ નહી અત્યાર સુધીમાં ૧૬ થી વધુ લોકોને આ ડેંગ્યુનો રોગચાળો ભરખી ગયો છે.

આમ છતાં આરોગ્યનાં તંત્રવાઇકોનું પેટનું પાણી નથી હલતુ અને ઉત્સવોની ઉજવણીની તૈયારીમાં લાગ્યા હોવાનું લોકોમાં રોષભેર ચર્ચાઇ રહ્યું છે.

(4:10 pm IST)