રાજકોટ
News of Friday, 6th December 2019

એકલવીર દાતા : મયુરધ્વજસિંહ જાડેજા દ્વારા ગુરૂવારે સર્વજ્ઞાતીય સમૂહલગ્ન : ૮૫ યુગલો લગ્નગ્રંથીથી જોડાશે

રાજકોટ, તા.૬ : દરેક સમાજના દરેક વર્ગ અને વર્ણવ્યવસ્થામાં આજે પણ એવી દીકરીઓ છે જે સાધન સંપન્ન પરિવારમાંથી નથી, આવા પરિવારની દીકરીઓને લગ્નગ્રંથીથી જોડવામાં મદદરૂપ થવું એ સૌથી મોટું પુણ્યનું કામ છે. આ કામ એકલે હાથે એટલે કે એકમાત્ર દાતા તરીકે પાર પાડવાની ઉમદા જવાબદારી અગ્રણી ઉદ્યોગપતિ અને જે.એમ.જે. ગ્રૂપના મેનેજિંગ ડિરેકટર મયૂરધ્વજસિંહ જાડેજા એ સ્વિકારી એકમાત્ર દાતા તરીકે ૮૫ દીકરીઓને લગ્નગ્રંથીથી જોડવા સંકલ્પબદ્ધ થયા છે.

આગામી ૧૨ ડિસેમ્બરના ગુરૂવારના રાજકોટના આંગણે ભવ્યાતિભવ્ય વિનામુલ્યે સર્વજ્ઞાતિ સમૂહલગ્નોત્સવનું અનેરૂ આયોજન થવા જઇ રહ્યું છે. જેનો સંપૂર્ણ શ્રેય જાય છે જે.એમ.જે ગ્રૂપ રાજકોટના  મયૂરધ્વજસિંહ એમ.જાડેજા ને કે જેઓ આ સમૂહ લગ્નોત્સવના એકમાત્ર દાતા છે.

મયૂરધ્વજસિંહ જાડેજાએ જણાવ્યું કે, મેં એક સંકલ્પ કરેલો કે મારા લગ્નની સાથો સાથ સમાજની દીકરીઓ જેમના માતા-પિતાને લગ્નનો સામાન્ય ખર્ચ પણ પોસાય તેમ નથી તેવા પરિવારની દીકરીઓને સંસાર વસાવવામાં મદદરૂપ થવું જે મારી દ્રષ્ટીએ સૌથી શ્રેષ્ઠ સામાજિક કાર્ય છે.

જે.એમ.જે.ગ્રૂપ રાજકોટ દ્વારા આયોજીત આ ભવ્યાતિભવ્ય વિનામુલ્યે સર્વજ્ઞાતિ સમૂહલગ્નોત્સવમાં સૌરાષ્ટ્ર અને ગુજરાતભર માંથી ૮૫ લગ્નોત્સુક જોડાઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. તા.૧૨ ને ગુરૂવારે જાનનું આગમન અને સામૈયા, માનવંતા મહેમાનોનું સન્માન, કલાકે હસ્તમેળાપ, સંતો-મહંતોના આશિર્વચન અને ભોજન સમારંભ યોજાશે. જેમાં વર-કન્યા બંને પક્ષના દશ હજારથી વધુ લોકો ભાગ લેશે. દરેક દીકરીઓને સોનાની બુટી, ચાંદીના સાંકળા, સેટી, કબાટ સહિતની વસ્તુઓ કરીયાવરમાં અપાશે.

આ અવસરે સર્વજ્ઞાતિ સમૂહ લગ્નોત્સવના સાક્ષી બનવા આમંત્રીત રાજકીય મહાનુભાવો, સર્વ સમાજના રાજેસ્વીરત્નો, સમાજ શ્રેષ્ઠીઓ, સંતો-મહંતો સહિત અનેક માનવંતા-મોંદ્યેરા મહાનુભાવો મહેમાનો ઉપસ્થિત રહેશે.

શિવ માનવ સેવા એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ રાજકોટની ટીમ દ્વારા આ ભવ્ય સમૂહ લગ્નસમારોહની વ્યવસ્થાની કામગીરીનો કાર્યભાર સંભાળાયો છે. આ સમગ્ર કાર્યક્રમનો જીટીપીએલ પરથી લાઇવ ટેલિકાસ્ટ થશે.

તસ્વીરમાં અકિલા ખાતે વિગતો વર્ણવતા એકલવીર દાતા મયુરધ્વજસિંહ જાડેજા નજરે પડે છે. (તસ્વીરઃ સંદિપ બગથરીયા)

(1:05 pm IST)