રાજકોટ
News of Friday, 6th December 2019

આજે હોમગાર્ડ - ડે : ૫૦ હજાર જવાનોનાં પ્રશ્નો કયારે ઉકેલાશે ? ગજેન્દ્રસિંહ ઝાલા

રાજકોટ તા.૬ : આજે ૬ઠ્ઠી ડીસેમ્બર એટલે કે હોમગાર્ડ દિવસ છે. ત્યારે કોંગ્રેસના અગ્રણી ગજેન્દ્રસિંહ ઝાલાએ એક નિવેદનમાં જણાવ્યુ છે આજે પણ રાજયના ૫૦ હજાર જવાનોના પ્રશ્નોનો ઉકેલ નથી આવ્યો. ગજેન્દ્રસિંહ ઝાલા (પૂર્વ હોમગાર્ડ) ની યાદી મુજબ તા.૬ ડીસે. રાજયમાં હોમગાર્ડ ડે છે. ગુજરાત રાજયમાં પચાસ હજાર હોમગાર્ડ જવાનો દયાજનક સ્થિતિમાં જીવી રહ્યા છે. આજે હોમગાર્ડના સ્થાપના દિવસે જ બળતા જીવે હોમગાર્ડ ડે મનાવી રહ્યા છે. રાજય અને કેન્દ્રની નિતીને પગલે આજે રાજયભરના હોમગાર્ડ બેહાલ છે. શિસ્ત અને સેવાના નામે હોમગાર્ડઝ દળના વ્યાજબી અને અણઉકેલ પ્રશ્નો ભો માં ભંડારી રહ્યા છે.

રાજયમાં ગૃહરક્ષક દળ (હોમગાર્ડ)ની સ્થાપના ૬ઠી ડીસેમ્બર ૧૯૪૭ના કરાઇ છે તે સમયે દળનું સંખ્યાબળ માત્ર ૧૮૫૦ હતુ આજે રાજયમાં ૫૦ હજાર હોમગાર્ડના દળના જવાનો રકતદાન, પ્રૌઢ શિક્ષણ, વૃક્ષારોપણ જેવી સમાજોપયોગી પ્રવૃતિઓ પણ કરી રહ્યા છે. આગ, લૂટ, કાયદાની ફાળવણી અતિવૃષ્ટિ કે મોટી હોનારતના પ્રસંગોમાં દળના જવાનો પોતાની જાનની પરવાકર્યા વીના ફરજો બજાવે છે. જે ગુજરાત સરકારના રેકોર્ડ પર પણ મૌજૂદ મુખ્યમંત્રી કેબીનેટ મંત્રીશ્રીઓએ હોમગાર્ડની સેવાઓને વખતો વખત બિરદાવી છે. પોલીસની સાથે ખભ્ભે ખભ્ભા મિલાવી ચુંટણી બંદોબસ્ત, વીઆઇપી સુરક્ષા, નાઇટ પેટ્રોલીંગ, ટ્રાફીક ફરજી ઇમરજન્સી ફરજો, યુધ્ધકાળ દરમિયાન સિવીલ ડીફેન્સની ફરજોમાં રાઉન્ડ ધ કલોક સેવા બજાવતા જવાનોના પ્રશ્નોની ઉપેક્ષા થઇ રહી છે. અગાઉ કમાન્ડર જનરલ હોમગાર્ડઝની માનદ પોસ્ટ હતી આજે ડાયરેકટર જનરલ ઓફ પોલીસના ઉચ્ચ હોદ્દા સાથે કમાન્ડર જનરલ હોમગાર્ડ પોલીસ વિભાગના અધિકારી દ્વારા પ્રાપ્ત થાય છે.

ઘણા જિલ્લામાં જિલ્લા હોમગાર્ડ કમાન્ડન્ટની પોસ્ટ ૧૦ વર્ષથી વધુ સમયથી ખાલી છે. મુખ્યમંત્રીના રાજકોટમાં પણ શહેર જિલ્લા હોમગાર્ડ કમાન્ડન્ટની જગ્યા ઇન્ચાર્જથી ગાડુ ગબડાવાય છે. હાલ રાજકોટમાં જિલ્લા કમાન્ડન્ટનો ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક રાજકોટ રૂરલ (ડીવાયએસપી) અને શહેર જિલ્લા કમાન્ડન્ટનો ચાર્જ એસીપીની પાસે છે.

રાજયગૃહ રક્ષકદળના ૫૦ હજાર તાલીમબધ્ધ જવાનોમાંથી સંપુર્ણ લાયકાત ધરાવનારને આગામી ભર્તીમાં અગ્રતા આપવી જોઇએ. પોલીસદળમાં હોમગાર્ડ માટે અનામત બેઠકો રાખવી જોઇએ તેવી માંગ સરકારમાં પેન્ડીંગ છે. વેતન સહિતના મુદ્દે આજે કોર્પોરેટર અતુલ રાજાણી પૂર્વ હોમગાર્ડ ગજેન્દ્રસિંહ ઝાલા સહિતનું પ્રતિનિધિ મંડળ જિલ્લા કમાન્ડન્ટ હોમગાર્ડને રજૂઆતો કરશે.

(11:45 am IST)