રાજકોટ
News of Thursday, 6th December 2018

હિન્દુ હી આગે... એ.એચ.પી. કાર્યાલયમાં કુંભ મૂકાયો, હવે સરકાર વિરોધી પ્રચારના'તોરણ' બંધાશે

ભગીની સંસ્થાઓએ ભાજપ સરકારને બચાવવા મંદિરનો મુદ્દો ફરી ઉપાડયાનો આરોપ

આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના કાર્યાલયનો યાજ્ઞિક રોડ પર જાગનાથ પોલીસ ચોકીની બાજુના માર્ગ પર આજથી પ્રારંભ થયો છે. કાગદડીના ખોડીયારધામ આશ્રમના જયરામદાસ બાપુ કળશ સ્થાપન કરી રહયા છે. શાસ્ત્રોકત  વિધિ જાણીતા કથાકાર શ્રી શંકર મહારાજે કરાવી હતી. સંસ્થાના અગ્રણીઓ ઉપસ્થિત રહયા હતા. (તસ્વીરઃ સંદીપ બગથરિયા) 

રાજકોટ તા.૬: હિન્દુ હી આગેના ધ્યેય સુત્ર સાથે આજે ૬ ડીસેમ્બરે સૌરાષ્ટ્ર પ્રાંતના આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદનાં કાર્યાલયનો શુભ આરંભ શ્રી જયરામદાસ બાપુ (ખોડીયાર ધામ આશ્રમ કાગદડી)નાં હસ્તે કળશ સ્થાપન કરી કરવામાં આવેલ છે. આ કે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદનાં સૌરાષ્ટ્ર પ્રાંત સંગઠન મંત્રી જીતુભાઇ મહેતા, સૌરાષ્ટ્ર પ્રાંત મંત્રી જેન્તીભાઇ પટેલે જણાવેલ કે હિન્દુ હી આગે મંત્ર સાથે સોૈરાષ્ટ્ર પ્રાંતનાં તમામ જિલ્લામાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ કાર્યરત છે. આજે રાજકોટ-સૌરાષ્ટ્ર પ્રાંતનાં કાર્યાલયનો શુભ આરંભ કરી હિન્દુત્વનાં કાર્યને વેગવંતુ બનાવવામાં આવશે. અને આ હિન્દુ વિરોધી સરકારને તમામ મોરચે જવાબ આપશે. જે સરકારને ૨૦૧૪માં હિન્દુઓએ મત આપ્યા હતા. અને ૨૦૧૪નાં ચૂંટણી એજન્ડામાં આપેલ વચનોનો હિન્દુ સમાજ જવાબ માંગે છે.

(૧) સંસદમાં કાયદો બનાવીને શ્રી રામ મંદિર બનાવો, (ર) ગૌ વંશ હત્યાબંધીનો રાષ્ટ્રીય કાયદો બને, (૩) સમાન સિવિલ કોડ બનાવવામાં આવે, (૪) જમ્મુ-કાશ્મીર માંથી ધારા-૩૭૦ અને ૩૫-એ હટાવવામાં આવે, (પ) કાશ્મીરી પંડિતોને પુનઃસ્થાપિત કરવામાં આવે. આવા અનેક મુદ્દાઓનો સરકાર પાસે જવાબ નથી અને ફકત હિન્દુ સમાજને ગુમરાહ કરવામાં આવી રહયો છે. આજે ફરી જયારે આવનાર લોકસભા ૨૦૧૯માં આ સરકાર જવાની છે. ત્યારે તેની ભગીથી સંસ્થાઓ ફકત સરકારને બચાવવા માટે શ્રી રામ મંદિરનો મુદ્દો લઇ ફરી પાછા હિન્દુ સમાજને ગુમરાહ કરવા નિકળ્યા છે. પરંતુ હિન્દુ સમાજ આવનાર લોકસભા -૨૦૧૯માં અબકી બાર હિન્દુ સરકાર, અબકી બાર પ્રજા કી સરકારનાં ધ્યેય સાથે દેશમાં હિન્દુ વિચારોને અમલ કરતી સરકાર બનશે તેમ નિવેદનમાં જણાવ્યું છે.

આજે તા. ૬ ડીસેમ્બર-શૌર્યદિન નિમિતે સૌરાષ્ટ્ર પ્રાંતનાં તમામ જિલ્લા કેન્દ્રો પર રાષ્ટ્રીય બજરંગદળ દ્વારા મહાઆરતી હનુમાન ચાલીસાનાં પાઠ કરવામાં આવશે. અને સંસદ મેં કાનુન બનાઓ, અયોધ્યામે શ્રી રામ મંદિર બનાવો, અબ કી બાર હિન્દુ સરકારનાં ધ્યેય સાથે કાર્યક્રમોનાં આયોજન થઇ રહયા છે. કાર્યાલય ઉદ્દઘાટન સમારોહની વ્યવસ્થા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગદળનાં રાજકોટ મહાનગરનાં પદાધિકારીઓ-કાર્યકર્તા દ્વારા સંભાળવામાં આવેલ છે. તેમ મીડિયા ઇન્ચાર્જ મહેન્દ્ર તલાટિયા જણાવે છે.

(3:58 pm IST)